Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 43

background image
: ૧૧૦ : આત્મધર્મ : ૮૯
વીતરાગ ભગવાનની ઓળખાણ કરીને તેમનાં ગાણાં પાત્ર જીવો ગાય છે... તેમાં તેમની રુચિ તો ભગવાન જેવા
પોતાના શુદ્ધ આત્મસ્વભાવ ઉપર જ પોષાય છે.
(૩૧) ‘જ્યાં જોઉં ત્યાં નજરે પડતી ભક્તિ જિનેન્દ્ર તારી!’
હવે, શ્રી તીર્થંકરભગવાનના સમવસરણમાં જે અશોકવૃક્ષ હોય છે તેમાં અલંકાર કરીને ભગવાનની
સ્તુતિ કરતાં છઠ્ઠા શ્લોકમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–હે નાથ! આ અશોકવૃક્ષ પણ આપની ભક્તિ જ કરી રહ્યું
છે. કઈ રીતે? તેના ખીલેલાં પુષ્પો ઉપર બેઠેલા ભમરાઓનો જે ગૂંજારવ છે તે એવો લાગે છે કે જાણે અશોકવૃક્ષ
આપના નિર્મળયશના ગુણગાન જ કરી રહ્યું છે... અને પવનથી કંપતી તેની ડાળીઓનો અગ્રભાગ જોતાં એમ
લાગે છે કે તે પોતાના હાથે ફેલાવીને આપની પાસે ભક્તિથી નૃત્ય કરી રહ્યું છે... જુઓ! આચાર્યદેવને પોતાને
ભગવાન પ્રત્યે ભક્તિ છે એટલે અશોકવૃક્ષને પણ ભગવાનની ભક્તિ કરતું ભાળે છે. –ભાવ તો પોતાનો છે ને!
વાહ રે વાહ, મુનિ તારી ભક્તિ! તારી ભક્તિએ તો અશોકવૃક્ષને પણ ભાષા આપીને બોલતું કરી દીધું! હે
જિનેન્દ્ર! મન વિનાનું આ અશોકવૃક્ષ પણ જ્યાં તારી સ્તુતિ કરી રહ્યું છે તો પછી મનવાળા એવા મુનીન્દ્રો ને
દેવેન્દ્રો આપની સ્તુતિ કરે એમાં શું આશ્ચર્ય?–આમ કહીને, જેને ભગવાન પ્રત્યે ભક્તિ નથી જાગતી તેના ઉપર
આચાર્યદેવે કટાક્ષનો પ્રહાર કર્યો છે. હે નાથ! તારા જ્ઞાનાદિ ગુણોની સુગંધથી આકર્ષાઈને ભમરાને પણ ગૂંજારવ
વડે તારી સ્તુતિ કરવાનું મન થયું, તો પછી બીજા કોને આપના પ્રત્યે ભક્તિ ન જાગે? ઈન્દ્ર વગેરે તારા ગુણોની
સ્તુતિ કરે તેમાં શી નવાઈ? અંદર એકદમ નિર્માનતાપૂર્વક આચાર્યદેવ સ્તુતિ કરે છે. સ્તુતિમાં પણ વીતરાગતાનું
જ ઘોલન ચાલે છે, અલ્પ રાગ છે તેનું ધણીપણું નથી. સ્વરૂપની વીતરાગી અવસ્થા પ્રગટી તેમાં અભિમાન શેનું
રહે? અભિમાન તો મેલ છે. નિર્મળ અવસ્થા પ્રગટી તેમાં મેલ હોય નહિ.
(૩૨) ભક્તિરસમાં ભીંજાયેલા ભક્તોનાં હૃદય કોણ જાણશે?
અહીં તો આચાર્યદેવે સ્તુતિ કરી છે; ઈન્દ્ર વગેરે પણ ભગવાન પાસે એવી ભક્તિ કરે કે અત્યારના
સાધારણ પ્રાણીથી તો જીરવાય નહિ, એને તો એમ જ થઈ જાય કે અરે! આ શું? પણ ભાઈ! ભક્તિ શું છે
તેનું તને ભાન નથી. જગતડાં કહે છે કે ભગતડાં ઘેલા છે, પણ ઘેલા ન જાણશો રે.. એ તો પ્રભુને ઘેર
પહેલાંં છે. વળી જગતડાં કહે છે કે ભગતડાં કાલા છે, પણ કાલા ન જાણશો રે... એ પ્રભુને ત્યાં વહાલા છે.
કોઈ કહેશે કે ‘અરે! આચાર્યે કેવી સ્તુતિ કરી? શું ભમરા તે કોઈ દી ભક્તિ કરતા હશે? –આવી સ્તુતિ તો
એમ સાધારણ પણ ન કરીએ; તો અહીં તેને કહે છે કે–અરે...જા...જા...નમાલા! આચાર્ય ભગવાનની
ભક્તિની તને શી ખબર પડે? તારામાં અક્કલ કેટલી? આચાર્યદેવે સમજીને ગાણાં ગાયાં છે. જેવા
ત્રણલોકના નાથ પરમાત્માના ગાણાં ગાયા છે તેવા જ ત્રણલોકના નાથ પોતે થવાના છે. અરે પાખંડી!
તને ધર્માત્માના હૃદયની શી ખબર પડે? આત્મતત્ત્વનો મહિમા તને ભાસ્યો નથી એટલે જેણે આત્મતત્ત્વનું
પૂરું સામર્થ્ય પ્રગટી ગયું છે એવા પરમાત્માના મહિમાની પણ તને ખબર નથી. અઢી હજાર વર્ષ પહેલાંં
અહીં ભરતક્ષેત્રે પણ શ્રી મહાવીર પરમાત્મા બિરાજતા હતા ત્યારે આકાશમાંથી ઈન્દ્રો તેમની સ્તુતિ કરવા
ઊતરતા. આ વાતની જેને શ્રદ્ધા ન બેસે તે નાસ્તિક છે... તેણે સર્વજ્ઞદેવનો મહિમા જાણ્યો નથી તેમ જ
આત્માના ધર્મના મહિમાનું પણ તેને ભાન નથી. ભગવાનની ભક્તિનો પણ જે નિષેધ કરે છે તેને તો
દુર્ગતિમાં જવાનાં લક્ષણ છે... શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિનું જે વર્ણન આવે તે તેના કાળજામાં શ્યે
સમાય? અહો! આ તો નગ્ન મુનિ... જંગલમાં વસનારા... પંચ મહાવ્રતના પાળનારા... માથા સાટે સત્યને
રાખનારા.. ને આત્મસ્વભાવમાં ઝૂલનારા... મહા વીતરાગી સંત (પદ્મનંદી આચાર્ય) વીતરાગની સ્તુતિનું
વર્ણન કરે છે. આત્માનો મહિમા જાણ્યા વગર અજ્ઞાનીને વીતરાગનો સાચો મહિમા ક્યાંથી આવે?
(૩૩) હે સીમંધરનાથ..! અમને તારા વિરહ...!
જેમના જન્મે ચૌદ બ્રહ્માંડમાં આનંદનો ખળભળાટ ફેલાઈ જાય... જેમના જન્મે આખા લોકમાં અજવાળાં
થાય... ને ઈન્દ્રો ભક્તિથી નાચે–એવા તીર્થંકર પ્રભુના કલ્યાણક અત્યારે ઊજવાય છે. અહીં તો સીમંધરપ્રભુની
સ્થાપના છે. સીમંધરપ્રભુ અત્યારે મહાવિદેહમાં સાક્ષાત્
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)