Atmadharma magazine - Ank 089
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 43

background image
ફાગણ : ૨૪૭૭ : ૮૫ :
ભગવાનની ભક્તિનું સૌભાગ્ય પોતાને મળ્‌યું તે માટે પોતાનો પ્રમોદ જાહેર કરી રહ્યો હોય.. ને પોતાને ધન્ય
માની રહ્યો હોય! આમ તેની મલપતિ ચાલ ઉપરથી ભક્તોને લાગતું હતું.
માહ વદ અમાસે, ભગવાનનો જન્મ કલ્યાણક થયો ત્યારે, એક બાજુ જન્મની વધાઈનાં વાજાં... બીજી
બાજુ દીપકોનો ઝગમગાટ... એમ અચાનક દ્રશ્યો જોઈને ભક્તો થોડી વાર તો ‘આ શું? ...આ શું?’ એવા
આશ્ચર્યમાં પડી જતાં... ને પછી જ્યારે ખબર પડતી કે અહો! આ તો ભગવાનના જન્મની વધાઈ! કે તરત જ
પાછું વાતાવરણ ઉલ્લાસથી ઊભરાઈ જતું. અહો! એ પ્રસંગો નજરે નિહાળનારા તો કહે છે કે તે દિવસે અમને
એમ જ લાગતું હતું કે આ સોનગઢ જાણે કે મહાવિદેહ બની ગયું હતું અને અહીં જ સીમંધર ભગવાનના પંચ
કલ્યાણક થતા હતા.
હાથી ઉપર, ભગવાનના જન્મ કલ્યાણકની ભવ્ય યાત્રા નીકળી હતી. જન્માભિષેક માટે નદી કિનારે
મેરુપર્વતની રચના થઈ હતી. હજારો ભક્તોનાં ટોળાં વચ્ચે મેરુપર્વત ઉપર જ્યારે ભગવાનનો જન્માભિષેક થયો
હતો તે વખતે આકાશ એવું વિચિત્ર રંગબેરંગી થતું હતું–જાણે કે... પ્રભુના જન્માભિષેકને દેખીને પ્રભુના
ચરણોમાં કોઈ રંગબેરંગી સાથિયા પૂરી રહ્યું હોય!
ફાગણ સુદ એકમે ભગવાનના દીક્ષા કલ્યાણકનો પ્રસંગ હતો. તેમાં જ્યારે પ્રભુશ્રીનો કેશલોચ કરવાનું
આવ્યું ત્યારે દીક્ષાવનમાં આમ્રવૃક્ષ નીચે પૂ. ગુરુદેવશ્રીએ આતે ગંભીરતાથી ભગવાનનો કેશલોચ કરતાં કહ્યું કે
‘હે ભગવાન! આપ તો સ્વયંબુદ્ધ છો... આપ તો આપના સ્વ હસ્તે જ કેશલોચ કરો, પણ આ તો આપની
સ્થાપના હોવાથી માત્ર અમારો ઉપચાર છે.’
દીક્ષાવિધિ પૂરો થતાં વનમાંથી પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે, ભગવાનને ન દેખવાથી અનેક
ભક્તો પૂછવા લાગ્યા કે ‘ભગવાન ક્યાં? ભગવાન ક્યાં?’ અને જ્યારે પ્રતિષ્ઠા કરાવનાર પંડિતજીએ
ખૂલાસો કરતાં કહ્યું કે ‘ભગવાન તો હવે મુનિ થયા.. ને તેઓ તો વન જંગલમાં વિચરી ગયા... હવે તે
આપણી સાથે પીછા નહિ આવે..’ ત્યારે બધાં ભક્તો ઉદાસચિત્તે પાછા ફર્યા... ભગવાન વગર બધાને સૂનું
સૂનું લાગતું હતું.
કેટલાક વખત બાદ, વનમાં વિહાર કરીને પ્રભુજી જ્યારે પાછા પધાર્યા ત્યારે, સ્વરૂપાનંદમાં ઝૂલતા એ
પરમ વીતરાગી નાથને નીરખતાં જ જે અતિ અતિ ભાવથી પૂ. ગુરુદેવશ્રીએ તેમને નમસ્કાર કર્યા હતા... તે
પ્રસંગનું ભાવ ભર્યું દ્રશ્ય ભક્તોના સ્મૃતિપટમાં આજે ય તરવરી રહ્યું છે.
પછી જ્યારે મુનિ થયેલા ભગવાન ગામમાં આહાર માટે પધાર્યા ત્યારે અતિ પ્રસન્નતા પૂર્વક પ્રભુને
આહાર દેતાં ભક્તોના હૈયે હરખ સમાતો ન હતો... ઉપરથી રત્નવૃષ્ટિ થઈ રહી હતી... અને જ્યારે હાથમાં ખીર
લઈને પ્રભુજીને આહાર કરાવ્યો ત્યારે તો જાણે સાક્ષાત્ ભગવાનને આહારદાન કરતા હોઈએ તેવો આહલાદ
અંદરમાં જાગતો હતો. ‘અહો! તે વખતના ભાવોની શું વાત કરીએ?’
પહેલી ફાગણ સુદ બીજે ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો પ્રસંગ આવ્યો. ભગવાનને કેવળજ્ઞાન થયું...
દીપકોથી જગમગતા સમવસરણની રચના થઈ... એ સમવસરણને દેખી દેખીને ભક્તજનો ભક્તિથી નાચવા
લાગ્યા. અને વાજિત્રો લઈને સમવસરણની પ્રદક્ષિણા કરવા લાગ્યા.
(ભગવાન શ્રી સીમંધર જિન–સ્વાગત અંક)