Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: વૈશાખ : ૨૪૭૭ : ૧૪૩ :
તીર્થંકરોના કુળની ટેક
(દીક્ષા કલ્યાણકના પ્રવચનમાંથી)

અનંતા તીર્થંકરો જે રસ્તે વિચર્યા તેનો હું કેડાયત્ થાઉં છું; અમારા પુરુષાર્થમાં વચ્ચે ભંગ પડે નહિ, અમે
અપ્રતિહત પુરુષાર્થ વાળા છીએ.–ભગવાન શાંતિનાથ પ્રભુ કહે છે કે અમે હવે અમારા આત્મ–સ્વભાવમાં વળીએ
છીએ.........નિર્વિકલ્પ સ્વભાવના ગાણાં ગાવા અને તે પ્રગટ કરવા અમે તૈયાર થયા છીએ....હવે અમારે
સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યા છે. અંતરના આનંદકંદ સ્વભાવની શ્રદ્ધાસહિત તેમાં રમણતા કરવા જાગ્યા તે
ભાવમાં હવે ભંગ પડવાનો નથી....અમારો જાગેલો ભાવ તેને અમે પાછો પડવા દેશું નહિ........અખંડાનંદ
સ્વભાવની ભાવના સિવાય પુણ્ય–પાપની ભાવનાનો ભાવ હવે અમને કદી આવવાનો નથી.–દીક્ષા માટે તૈયાર
થયેલા શાંતિનાથ ભગવાન આવી ભાવના કરતા હતા.
અનાદિ પ્રવાહમાં અમારા જેવા અનંત તીર્થંકરો થયા, તેમના કુળની જાતનો હું છું. ક્ષત્રિય વગેરે
કુળ છે તે ખરેખર આત્માનું કુળ નથી. તીર્થંકરો આત્માના ચૈતન્યકુળમાં અવતર્યા, તે જ તેમનું સાચું કુળ
છે. અહો, એક ચિદાનંદી ભગવાન સિવાય બીજા કોઈ ભાવને મનમંદિરમાં આણું નહિ, એક ચૈતન્યદેવને જ
ધ્યેયરૂપ બનાવીને તેના ધ્યાનની લીનતાથી આનંદકંદ સ્વભાવની રમણતામાં હું ક્યારે પૂર્ણ થાઉં? એકલા
ચૈતન્યસ્વભાવનો જ આશ્રય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અમારા–તીર્થંકરોના કુળની ટેક છે. તીર્થંકરો
તે જ ભવે કેવળજ્ઞાન લીધે છૂટકો કરે. અનંતા તીર્થંકરો આત્માનું ચરિત્ર પૂરું કરીને તે ભવે કેવળજ્ઞાન અને
મુક્તિ પામ્યા. અનંતા તીર્થંકરો જે પંથે વિચર્યા તે જ પંથના ચાલનાર અમે છીએ. હું ચિદાનંદ નિત્ય છું, ને
સંસાર બધો અનિત્ય છે. મારો આનંદકંદ ચિદાનંદ સ્વભાવ એ જ મને શરણ છે, જગતમાં બીજું કંઈ મને
શરણ નથી.– આવા પ્રકારની વૈરાગ્યભાવના ભાવીને ભગવાને દીક્ષા લીધી હતી. અહો! તીર્થંકર ભગવાન
જ્યારે દીક્ષા લેતા હશે તે કાળ કેવો હશે? અને તે પ્રસંગ કેવો હશે? જીવને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની ભાવના પણ અનંતકાળમાં દુર્લભ છે.
‘જિનેશ્વરના લઘુનંદન’ની
શ્રદ્ધા કેવી હોય?
હું શુદ્ધ ચૈતન્ય કારણ પરમાત્મા છું, તેમાંથી જ મારી પૂર્ણ નિર્મળ કાર્યપરમાત્માદશા પ્રગટ
થવાની છે. આવો હું શુદ્ધ ચિદાનંદ જ્ઞાનમૂર્તિ છું, આ જ મારી નિર્મળદશારૂપી કાર્યનું કારણ છે; એ
સિવાય કોઈ શુભ ભાવ કે નિમિત્તાદિ પર પદાર્થો મારી નિર્મળદશાનું કારણ નથી. ક્ષણિક શુભ–અશુભ
ભાવો થતા હોવા છતાં આવા સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ; સ્વભાવના નિર્ણયનું જોર વિકારને
તોડી નાંખે છે. નીચલી સાધકદશામાં ભક્તિ–પ્રભાવનાદિના ભાવ હોય વ્રતાદિ ભાવ હોય, પણ સાધક
જીવ તે શુભરાગને ધર્મનું કારણ માનતા નથી. સાધકની શ્રદ્ધામાં ધુ્રવ ચૈતન્યસ્વભાવનું જ આલંબન છે,
તે ક્યારેય ખસતું નથી; શ્રદ્ધામાં ધુ્રવ ચૈતન્યસ્વભાવ આવ્યો છે તે ક્યારેય ભૂલાતો નથી. મુનિને છઠ્ઠે
ગુણસ્થાને મહાવ્રત વગેરેના શુભભાવ આવે પણ તે ધર્મ નથી, ધુ્રવ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતા તે જ
ધર્મ છે. મુનિઓને સહજ વસ્ત્રરહિત નિર્ગ્રંથ નિર્દોષ દશા હોય છે ને અંતરમાં નિજ પરમ શુદ્ધ આત્માને
જ શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને ધ્યાવે છે. ચોથા ગુણસ્થાનવાળા ધર્મીને પણ કોઈ સમયે શ્રદ્ધામાંથી પરમ શુદ્ધ
આત્માનું ધ્યાન ટળતું નથી, શ્રદ્ધા વડે તે સદાય–પર્યાયે પર્યાયે પરમ શુદ્ધ આત્માને ધ્યાવે છે. તેથી તે
‘વિશુદ્ધ આત્મા’ થયો છે. આવું વિશુદ્ધઆત્માપણું ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે; તેને ‘જિનેશ્વરનો
લધુનંદન’ કહેવાય છે.
(લાઠી : પંચકલ્યાણક પ્રવચનોમાંથી)