Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૭૬: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
નિમિત્તને તદ્ન ઉથાપે તો તે યથાર્થ સમજ્યો નથી. તેમ જ નિમિત્તનું જ આલંબન માનીને અટકે તો તે પણ
સ્વભાવને સમજતો નથી.
‘પાવે નહિ ગુરુગમ વિના એહી અનાદિ સ્થિત.’ –સ્વભાવ સમજનાર જીવને સદ્ગુરુ નિમિત્ત હોય છે–એ
બતાવવા માટે તે વાત સાચી છે. અને ભેગું બીજું પડખું એ પણ છે કે ‘પાવે નહિ ચેતન વિના એહી અનાદિ
સ્થિત’ એટલે જો નિમિત્તનું લક્ષ છોડીને ચૈતન્યસ્વભાવ તરફ ન વળે તો પણ આત્માની સાચી શ્રદ્ધાજ્ઞાન થાય
નહિ. માટે સ્વભાવસન્મુખ વળવું એ જ સર્વનો સાર છે. સ્વભાવસન્મુખ વળવાની પાત્રતાવાળા જિજ્ઞાસુ જીવને
સત્–અસત્ નિમિત્તનો વિવેક વગેરે તો સહેજે હોય જ છે.
જેમ પતરાંનો ડબો અને શણનો કોથળો બંને બારદાન છે, પણ ઊંચી જાતનું કેસર ભરવા માટે શણનો
કોથળો ન હોય પણ પતરાંનો ડબો જ હોય. છતાં કેસર તે ડબાના આધારે રહ્યું નથી. તેમ સુદેવ–ગુરુ તેમ જ
કુદેવ–કુગુરુ એ બંને આત્માને પરદ્રવ્ય હોવા છતાં, તેમાં સુદેવાદિ તો પતરાંના નકોર ડબા જેવા છે ને કુદેવાદિ તો
શણના કોથળા જેવા છે. આત્માના સમ્યગ્દર્શનરૂપી માલ ભરવા માટે તે કુદેવાદિ નિમિત્ત તરીકે હોય નહિ, સુદેવ–
ગુરુ–શાસ્ત્ર જ નિમિત્ત તરીકે હોય; છતાં આત્માનો ધર્મ તે દેવ–ગુરુ–શાસ્ત્રના આધારે નથી. એ તો બારદાન
જેવાં છે, તે બારદાન પોતે સમ્યક્શ્રદ્ધા નથી. પણ શ્રદ્ધા તે બારદાન વગર હોતી નથી. જેમ કેસર ડબા વગર રહેતું
નથી પણ ડબો પોતે કેસર નથી, કેસર ખૂટે તો તેને બદલે ડબો કામમાં ન આવે, તેમ પ્રથમ સાચા દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન હોતું નથી પણ તે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનું વલણ પોતે સમ્યગ્દર્શન નથી. અને
સમ્યગ્દર્શનમાં દેવ–ગુરુ–શાસ્ત્રનો શુભરાગ કામ આવે નહિ; કેમ કે સુદેવાદિ પણ આ આત્માથી પર દ્રવ્ય છે. માટે
કુદેવાદિ તેમ જ સુદેવાદિ એ બધાને આત્માથી ભિન્ન પરદ્રવ્ય જાણીને, ધ્રુવ ચૈતન્યતત્ત્વનું આલંબન કરતાં
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ તો પહેલાંં હોય જ, પણ અહીં તે
બારદાનની વાત ગૌણ છે; અહીં તો તેનું પણ લક્ષ છોડાવીને પોતાના અભેદ ચૈતન્યમાત્ર સ્વભાવની શ્રદ્ધા
કરવાની વાત છે, કેમ કે તે જ અનંતકાળમાં કર્યું નથી. અનંત વાર ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્‌યો પણ
પોતાના આત્મા તરફ ન વળ્‌યો, તેથી કલ્યાણ થયું નથી. માટે પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવવા શ્રી
આચાર્યદેવ કહે છે કે હે જીવ! આ એક ધ્રુવ ચૈતન્યસ્વભાવ સિવાય સમસ્ત પરદ્રવ્યોનું આલંબન આત્માને
અશુદ્ધતાનું કારણ છે એમ તું જાણ, અને તે સમસ્ત પરદ્રવ્યનું આલંબન છોડીને તારા શુદ્ધ આત્મસ્વભાવનું જ
આલંબન કર. પહેલાંં શ્રદ્ધામાં તેનું આલંબન કરતાં સમ્યગ્દર્શન થાય છે ને પછી સ્થિરતા રૂપે તેનું આલંબન
કરતાં સમયક્ચારિત્ર થાય છે. એ સિવાય તીર્થંકરભગવાનના દિવ્યધ્વનિનું આલંબન પણ તારા આત્માને
મલિનતાનું કારણ છે. ધ્રુવ આત્મા સિવાય કોઈ પણ પરદ્રવ્ય સામે જોતાં વિકાર થાય છે.–આમ જાણીને જે જીવ
પોતાના શ્રદ્ધા–જ્ઞાનને ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરે છે તેનો મોહ ક્ષય થઈ જાય છે. શ્રદ્ધાને ચૈતન્ય ઉપર મૂકવી
તે જ મોહક્ષયનો માર્ગ છે.
એ પ્રમાણે જેણે વર્તમાન માં ધ્રુવ પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરી તે વિશુદ્ધ આત્મા થયો. હજી
કેવળજ્ઞાન થયું નથી પણ સમ્યગ્દર્શન થયું છે, ત્યાં જ તેને વિશુદ્ધ આત્મા કહ્યો છે. તે વિશુદ્ધ આત્માને પોતાના
અનંતશક્તિવાળા ચિન્માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતનલક્ષણ ધ્યાન હોય છે. આવું ચૈતન્ય પરમાત્માનું
ધ્યાન તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો ઉપાય છે.
[૮] આત્માની શુદ્ધતા કોને થાય?
આત્માનો ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવ છે, ને તે સ્વભાવને જણાવનાર સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર જગતમાં
ત્રિકાળ જયવંત વર્તે છે; પણ તે મારાથી પર છે, તેથી તેના લક્ષે પણ મારું કલ્યાણ થતું નથી. પ્રથમ તો જ્યાં
સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને ન માને ત્યાં સુધી સ્વભાવ તરફ વળવાનું બનતું નથી અને સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રને માનવા છતાં જો સ્વભાવ તરફ ન વળે તો પણ કલ્યાણ થતું નથી.
આત્મા સિવાય જે કોઈ પરદ્રવ્ય છે તેના લક્ષે–તેના આલંબને પર્યાયમાં વિકાર થાય છે ને ધ્રુવ ચૈતન્યના
આલંબને જ શુદ્ધતા થાય છે–આમ સ્પષ્ટપણે સ્વ–પરનો વિભાગ જે ન જણાવે તે તો પરલક્ષ છોડીને સ્વભાવનું
ધ્યાન કરવાનું બતાવી શકતા નથી, માટે તે તો બધા ખોટા દેવ, ખોટા ગુરુ ને ખોટાં શાસ્ત્ર છે.