Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૨૦ : : આત્મધર્મ : ૯૪
કરીને જોનાર ગૌણપણે અનંત ધર્મવાળી આખી વસ્તુને પણ સ્વીકારે છે, કેમ કે ધર્મ તો વસ્તુનો છે. એક ધર્મ
કાંઈ વસ્તુથી જુદો પડીને નયનો વિષય થતો નથી, માટે કોઈ પણ નયથી એક ધર્મને મુખ્ય કરીને જોનારની દ્રષ્ટિ
પણ એકલા ધર્મ ઉપર હોતી નથી. ધર્મ તો ધર્મી એવી અખંડ વસ્તુના આધારે રહેલો છે; માટે તેના ઉપર જ દ્રષ્ટિ
રાખીને એકેક ધર્મનું સાચું જ્ઞાન થાય છે. બધાય નયોના વર્ણનમાં આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
× × ×
[૧] દ્રવ્યનયે આત્માનું વર્ણન
તે અનંતધર્માત્મક આત્મદ્રવ્ય દ્રવ્યનયે, પટમાત્રની માફક, ચિન્માત્ર છે.
અનંત ધર્માત્મક આખું આત્મદ્રવ્ય છે તે પ્રમાણનો વિષય છે અને નયથી જોતાં તે જ આત્મદ્રવ્ય એક
ધર્માત્મક દેખાય છે. નય એટલે જ્ઞાનનું પડખું. વસ્તુના સામાન્ય પડખાને જાણનારું જ્ઞાન તે દ્રવ્યનય છે. જેમ
વસ્ત્રમાં કેટલા તાણાવાણા છે એમ તાણાવાણાનો ભેદ પાડ્યા વગર એક વસ્ત્ર તરીકે જ તેને જાણવું કે આ વસ્ત્ર
છે, તેમ આત્મદ્રવ્યમાં અનંત ગુણ–પર્યાયના ભેદોને ગૌણ કરીને આત્મા ચિન્માત્ર દ્રવ્ય છે એમ સામાન્યપણે
લક્ષમાં લેવું તેનું નામ દ્રવ્યનય છે. આત્મામાં તો એક સાથે અનંત ધર્મો છે પણ તેમાંથી ‘આત્મા ચૈતન્યમાત્ર
દ્રવ્ય છે’ એવા ધર્મની મુખ્યતાથી આત્માને લક્ષમાં લેવો તેનું નામ દ્રવ્યનય છે. તે દ્રવ્યનયથી જોતાં આત્મા
ચૈતન્યમાત્ર છે.
આચાર્યદેવે બધા બોલમાં દાખલો આપીને સમજાવ્યું છે. અહીં વસ્ત્રનો દાખલો આપ્યો છે. જેમ વસ્ત્રમાં
કેટલા તાણા, કેટલું લાંબું–પહોળું કે કેવો રંગ– એવા કોઈ ભેદને લક્ષમાં ન લેતાં એકરૂપ સામાન્ય વસ્ત્ર તરીકે
જોતાં ‘આ વસ્ત્ર છે’ એમ જણાય છે, તેમ અનંત ધર્મોવાળા આત્માને દ્રવ્યનયથી જોતાં સિદ્ધ કે સંસારી, સાધક
કે બાધક એવા કોઈ પર્યાયભેદો કે દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ગુણભેદો ગૌણ કરીને એકરૂપ સામાન્ય ચૈતન્યરૂપે
આત્મા જણાય છે. આત્મામાં ગુણ–પર્યાયના ભેદ પાડ્યા વગર સામાન્યપણે જોતાં તે ચૈતન્યમાત્ર દ્રવ્ય છે;
દ્રવ્યનયથી આવો આત્મા પ્રમેય થાય છે. આ પ્રમાણે આત્માના ધર્મને જાણીને શ્રુતજ્ઞાનને પ્રમાણ કરી સ્વાનુભવ
કરે તો જ અનંતધર્માત્મક આત્મા જેવો છે તેવો પ્રમેય થાય છે.
“આટલા બધા નયોથી આત્માને જાણવાનું શું કામ છે?–ફક્ત ‘આત્મા છે’ એમ જાણી લઈએ તો ન
ચાલે?’એક કોઈ પૂછે તો તેનો ઉત્તર: ભાઈ! આત્મા છે એમ ઓઘિકપણે તો બધા કહે છે પણ આત્મામાં જેવા
અનંત ધર્મો છે તેવા ધર્મોથી તેને ઓળખે તો જ આત્માને જાણ્યો કહેવાય. ‘આત્મા છે’ એમ કહે પણ તેના
અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય. ઘણા લોકો આત્મા છે એમ કહે છે
પણ તેનામાં અનંત ધર્મો છે એમ માનતા નથી, કાં તો સર્વથા એકાંત નિત્ય, કે એકાંત અનિત્ય, એકાંત શુદ્ધ કે
એકાંત અશુદ્ધ માને છે; તેથી અહીં આચાર્યદેવે અનેક નયોથી આત્માના ધર્મોનું વર્ણન કરીને વસ્તુસ્વરૂપ ઘણું
સ્પષ્ટ કર્યું છે.
અન્વેષણ કાળે એટલે કે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવા માટે આ નયો કાર્યકારી છે. આ નયોથી વસ્તુનો નિર્ણય
કરવો તે જ્ઞાનની નિર્મળતાનું કારણ છે.
આત્મા પોતાના અનંત ધર્મોથી ને પરના અભાવથી ટકેલું દ્રવ્ય છે. જો આત્મા અનંત ધર્મવાળો ન હોય
તો તે ટકીને પલટે કેમ? પરથી ભિન્ન સ્વપણે રહી શકે કેમ? જો આત્મામાં ‘નિત્ય’ ધર્મ જ હોય ને ‘અનિત્ય’
ધર્મ ન હોય તો તે પલટી જ ન શકે; જો ‘અનિત્ય’ ધર્મ જ હોય અને ‘નિત્ય’ ધર્મ ન હોય તો તે કાયમ ટકી ન
શકે, પલટતાં તેનો નાશ જ થઈ જાય; વળી આત્મામાં અસ્તિ ધર્મ જ હોય ને નાસ્તિ–ધર્મ ન હોય તો તે પરરૂપે
પણ થઈ જાય. એ રીતે નિત્ય–અનિત્ય, અસ્તિ–નાસ્તિ વગેરે અનંતધર્મો આત્મામાં એક સાથે ન હોય તો
આત્મવસ્તુ જ સિદ્ધ ન થાય. અસ્તિ–નાસ્તિ, દ્રવ્ય–પર્યાય વગેરે અનંત ધર્મો વગર આત્મા રહી જ ન શકે. અને
તેને જાણનારું જ્ઞાન પણ જો અનંત નયોવાળું ન હોય તો તે અનંત ધર્મોને જાણી ન શકે. અનંતધર્માત્મક એક
આત્માને અનંત નયાત્મક એક જ્ઞાનથી જાણે તો જ આત્મા જણાય. આખા અનંતધર્માત્મક પદાર્થનું જ્ઞાન તે
પ્રમાણ છે,

PDF/HTML Page 22 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૨૧ :
અને વસ્તુના એકેક ધર્મને જાણે તે એકેક નય છે. શ્રુતજ્ઞાનથી આત્મસ્વભાવને બરાબર જાણીને ઉપયોગને તેમાં
જોડવો તેનું જ નામ યોગ છે. શ્રુતજ્ઞાનથી જેવો આત્મા છે તેવો જાણ્યા વિના તેની સાથે ઉપયોગનું જોડાણ થાય
નહિ એટલે જ્ઞાન તેમાં એકાગ્ર થઈ શકે નહિ, તેમાં એકાગ્રતા વગર તેનું ધ્યાન થાય નહિ. જાણ્યા વિના ધ્યાન
કોનું? પહેલાંં પ્રમાણ વડે આવા આત્માને પ્રેમય કરે તો જ તેમાં એકાગ્રતારૂપ ધ્યાન થઈ શકે. માટે પ્રથમ બધા
પડખાંથી આત્માનો નિર્ણય કરવો જોઈએ.
અનાદિકાળથી જીવે બધું કર્યું છે પણ પોતાના આત્મસ્વભાવને કદી જાણ્યો નથી, એકવાર પણ જો
આત્માને બરાબર જાણે તો તેના પરમ આનંદની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. આત્મા કોણ છે અને તે કેમ પ્રાપ્ત
થાય?–એ જાણવાની જેને જિજ્ઞાસા જાગી છે એવા શિષ્યના પ્રશ્નનો આ ઉત્તર ચાલે છે. આત્મા કેવો છે તેનું આ
વર્ણન ચાલે છે, તેની પ્રાપ્તિનો ઉપાય પછી કહેશે. પહેલાંં જેવો છે તેવો આત્મા જાણ્યા વિના તેની પ્રાપ્તિ થાય
નહિ.
અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય કહ્યું તે તો સામાન્ય– વિશેષનો પિંડ, પ્રમાણનો વિષય છે, અને અહીં
આત્માને સામાન્ય ચિન્માત્ર કહ્યો તે દ્રવ્યનયનો વિષય છે, વિશેષને ગૌણ કરીને એક સામાન્ય પડખું છે.
અનંતધર્માત્મક એક આત્મદ્રવ્ય તે પ્રમાણનો વિષય છે તેની વાત પહેલાંં કરી, હવે અહીં નયના વિષયનું વર્ણન
છે. પ્રમાણના વિષયરૂપ જે આખું આત્મદ્રવ્ય છે તેના એક ધર્મને નય જાણે છે, નયનો વિષય વસ્તુનો એક ધર્મ
છે. ગુણ–પર્યાયના ભેદને ગૌણ કરીને, સામાન્ય ચિન્માત્ર પડખાથી આત્માને લક્ષમાં લેવો તેનું નામ દ્રવ્યનય છે.
આત્માના અનંત ધર્મોમાંથી આ એક ધર્મ છે, તેની સાથે બીજા અનંત ધર્મો છે તેને જો ન માને તો જ્ઞાન
પ્રમાણ થતું નથી. કોઈ એમ કહે કે ‘આત્મા તો ચૈતન્યમાત્ર જ છે ને વિકાર તો પરને લીધે થાય છે’–તો એમ
માનનારે આત્માના બધા ધર્મોને માન્યા નથી. જેમ ચૈતન્યમાત્રપણું તે આત્માનો એક ધર્મ છે તેમ અવસ્થામાં
વિકાર થાય તે પણ આત્માની પર્યાયનો ધર્મ છે; તેને ન માને તો પ્રમાણજ્ઞાન થાય નહિ.
આત્મા ચૈતન્યમાત્ર સ્વભાવ છે–એમ જે આત્માના ચિન્માત્રધર્મને જાણે તે જીવ પોતાનું જ્ઞાન બહારથી
આવવાનું માને નહિ, કેમ કે ચૈતન્યધર્મ તો પોતાનો છે, તેમાંથી જ વિશેષજ્ઞાન આવે છે, વિશેષજ્ઞાન ક્યાંય
બહારથી આવતું નથી. કોઈ શાસ્ત્રમાંથી કે વાણીના શ્રવણમાંથી આત્માનું જ્ઞાન આવતું નથી, જ્ઞાન તો આત્માના
ચૈતન્યમાત્ર ધર્મમાંથી જ આવે છે, તે ધર્મ આત્માના પોતાના જ આશ્રયે છે. આત્માનો જે સામાન્ય
ચૈતન્યસ્વભાવ છે તે પોતે જ ત્રણે કાળે વિશેષપણે પરિણમ્યે જાય છે, અજ્ઞાનીને પણ તેનો જે સામાન્ય
ચૈતન્યસ્વભાવ છે તે જ વિશેષજ્ઞાનપણે પરિણમ્યા કરે છે, પણ તેને તે સામાન્યની પ્રતીત નથી એટલે સામાન્ય
સાથે વિશેષની એકતા તે નથી કરતો પણ પર સાથે એકતા માને છે એટલે તેનું વિશેષ અયથાર્થ થાય છે.
દ્રવ્યનયથી આત્માને ચિન્માત્ર કહ્યો, આ ચિન્માત્રધર્મને ક્યાં જોવો? – પરમાં નહિ પણ આત્મવસ્તુમાં
જોવો; કેમ કે તે ધર્મ પરમાં નથી પણ પોતામાં જ છે.
પ્રશ્ન:–આત્મા તો સૂક્ષ્મ છે તેને જોવાનું કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર નહિ હોય?
ઉત્તર:–આત્માને કઈ રીતે જોવો તેની જ આ વાત ચાલે છે; શ્રુતજ્ઞાનને અંતરમાં વાળવું તે જ આત્માને
જોવાનું સૂક્ષ્મદર્શક યંત્ર છે. આત્મા પોતે સૂક્ષ્મ અરૂપી વસ્તુ છે, તે દ્રવ્ય અરૂપી, તેના ગુણો અરૂપી ને તેની
પર્યાયો પણ અરૂપી છે એટલે તે ત્રણે સૂક્ષ્મ અને તેને જાણનારું શ્રુતજ્ઞાનપ્રમાણ તે પણ સૂક્ષ્મ છે, આત્મા તરફના
વલણવાળું તે જ્ઞાન જ સૂક્ષ્મ આત્માને જોનારું સૂક્ષ્મદર્શક યંત્ર છે, એ સિવાય ઈન્દ્રિય વગેરે કોઈ બાહ્ય પદાર્થોથી
કે વિકલ્પથી આત્મા જણાય તેવો નથી. એકવાર યથાર્થ સાંભળીને આવી વસ્તુને સમજે તો ક્યાંય સંદેહ રહે
નહિ. દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે તારો આત્મા જ તારો ચૈતન્યદેવ છે તું જ તારા અનંતધર્મને
ધરનારો છો, તેને ઓળખીને તેની આરાધના કર તો તારી પરમાત્મદશા પ્રગટી જાય.
નય એક ધર્મને મુખ્ય કરીને જાણે છે પણ વસ્તુમાં અનંતધર્મો એક સાથે જ છે. જ્યાં રંગ હોય ત્યાં તેની
સાથે જ ગંધ–રસ ને સ્પર્શ પણ હોય જ છે. વર્ણ–ગંધ–રસ ને સ્પર્શ એ બધા પુદ્ગલના ધર્મો છે, તેમાંથી

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૨૨ : : આત્મધર્મ : ૯૪
એક હોય ને બીજા ન હોય એમ ન બને, જ્યાં એક ધર્મ હોય ત્યાં બીજા બધા ધર્મો પણ સાથે જ રહેલા છે. તેમ
આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે, તેમાંથી કોઈ એક ધર્મ મુખ્ય કરીને કહ્યો ત્યાં વસ્તુમાં બીજા અનંત ધર્મો પણ
ભેગા જ છે; તેને જાણે તે જ્ઞાન પ્રમાણ છે.
આત્મામાં અનંત ધર્મો છે, આત્મા અનંત ધર્મોવાળું એક સ્વતંત્ર દ્રવ્ય છે, તેને જાણનારું શ્રુતજ્ઞાન
અનંતનયોના સમૂહરૂપ છે; એવા શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવવડે આત્મા જણાય છે. કેવળી ભગવાનને તો
આત્મા પૂર્ણ પ્રત્યક્ષ જણાય છે, તેમને માટે આ વર્ણન નથી; અહીં તો સાધકજીવને માટે વર્ણન છે, તેથી શ્રુતજ્ઞાન
અને નયથી વર્ણન કર્યું છે. સાધકજીવ શ્રુતજ્ઞાનપ્રમાણથી આત્માને જાણે છે, તે શ્રુતજ્ઞાન અનંતનયોવાળું છે,
તેમાંથી દરેક નય આત્માના એકેક ધર્મને જાણે છે.
અહીં, દ્રવ્યનયથી આત્મા કેવો છે તે વાત ચાલે છે. દ્રવ્યધર્મથી એટલે કે સદ્રશ એકરૂપ ચિન્માત્રસ્વભાવથી
આત્માને લક્ષનાં લ્યે તેનું નામ દ્રવ્યનય છે. આત્માના અનંત ધર્મોમાં એક એવો ધર્મ છે કે આત્મા એકરૂપ સદ્રશ
છે. તે ધર્મને દ્રવ્યનય જાણે છે. વસ્તુમાં જે ધર્મ હોય તેનું જ જ્ઞાન થાય. વસ્તુમાં ધર્મ ન હોય તો તેનું જ્ઞાન પણ
ક્યાંથી થાય? આત્મામાં કેવા કેવા ધર્મો છે તે અહીં વર્ણવે છે. ચિન્માત્રપણે કાયમ સદ્રશરૂપ ટકવું એવો
આત્માનો પોતાનો સ્વભાવ છે, એટલે આત્મા કોઈ પરના આધારે ટકેલો નથી, કોઈ ઈશ્વર તેનો ટકાવનાર
નથી, પણ પોતે પોતાના ચિન્માત્રસ્વભાવથી ટકેલો છે, એવો તેનો એક ધર્મ છે. એકેક ધર્મમાં જ આખો આત્મા
સમાઈ જતો નથી પણ અનંત ધર્મોનો એકરૂપ પિંડ આત્મા છે; તેમ જ એકેક નયમાં આખી વસ્તુનું જ્ઞાન આવી
જ થતું નથી પણ બધા નયો ભેગા થઈને આખી વસ્તુનું પ્રમાણજ્ઞાન થાય છે. આત્માના અનંતધર્મોમાં
ચૈતન્યમાત્રપણું તે એક ધર્મ છે, તે ધર્મથી ચૈતન્યમાત્ર આત્માને જાણે તે દ્રવ્યનય છે.
જે ધર્મને જે નય જાણે, તે ધર્મનો તે નયમાં આરોપ થાય છે, એટલે દ્રવ્યધર્મને જાણે તે નયને દ્રવ્યનય
જુઓ! જગતમાં આત્મા છે ને તે એકેક આત્મામાં અનંત ધર્મો છે–આવું વસ્તુસ્વરૂપ જે કહેતા હોય તે જ
દેવ–ગુરુ–શાસ્ત્ર સાચા છે. જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્મા, અને દરેક આત્મામાં અનંત ધર્મ–એને જે
કબૂલતા ન હોય તે કોઈ દેવ–ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી; એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને જે માને તેને તો હજી
વ્યયહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી, તે તો ધર્મથી ઘણો દૂર છે. વસ્તુનું સ્વરૂપ જે રીતે છે તે રીતે જ્ઞાનમાં આવ્યા
વિના જ્ઞાન ઠરે નહિ ને જ્ઞાન ઠર્યા વિના વિકલ્પ તૂટે નહિ એટલે કે ચિત્તનો નિરોધ થાય નહિ. વસ્તુસ્વરૂપને
જેમ છે તેમ જાણીને જ્યાં જ્ઞાન તેમાં એકાગ્ર થાય ત્યાં રાગ કે વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી એનું નામ જ
ચિત્તનો નિરોધ છે. આ સિવાય ‘હું ચિત્તને રોકું, હું વિકલ્પને રોકું’ એમ નાસ્તિના લક્ષે કાંઈ વિકલ્પ તૂટતો નથી
પણ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ‘હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું’ એમ અસ્તિસ્વભાવ તરફ જ્ઞાનનું જોર આપતાં
ચિત્તનો નિરોધ સહેજે થઈ જાય છે, સ્વભાવની એકાગ્રતાના જોરે રાગનો અભાવ થઈ જાય છે. માટે પહેલાંં
વસ્તુના સ્વભાવને બધા પડખેથી જેમ છે તેમ જાણવો જોઈએ. તેનું આ વર્ણન ચાલે છે.
અહીં જે દ્રવ્યનય કહ્યો તેનો વિષય તો એક જ ધર્મ છે અને સમયસારાદિમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
એવા બે જ મુખ્યનયો લીધા છે તેમાં જે દ્રવ્યાર્થિકનય છે તેનો વિષય તો અભેદદ્રવ્ય છે; અહીં કહેલો દ્રવ્યનય તો
વસ્તુમાં ભેદ પાડીને તેના એક ધર્મને લક્ષમાં લ્યે છે ને દ્રવ્યાર્થિકનય તો ભેદ પાડ્યા વગર, વર્તમાન પર્યાયને
ગૌણ કરીને અભેદ દ્રવ્યને લક્ષમાં લ્યે છે.––

PDF/HTML Page 24 of 25
single page version

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૨૩ :
એ રીતે બંનેના વિષયમાં ઘણો ફેર છે. સમયસારમાં કહેલા શુદ્ધ નિશ્ચયનયનો જે વિષય છે તે આ દ્રવ્યનયનો
વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણનો પિંડ છે,
ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે.
અધ્યાત્મદ્રષ્ટિના નયોમાં તો નિશ્ચય અને વ્યવહાર (અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) એવા બે જ
ભાગ પડે છે ને અહીં તો અનંત નયો લેવા છે. ત્યાં બે નયોમાં આખું પ્રમાણ સમાઈ જાય છે ને અહીં તો
શ્રુતપ્રમાણના અનંત નયો કહ્યા છે. અહીં કહેલા નયોનો વિષય એકેક ધર્મ છે ને સમયસારાદિમાં કહેલ દ્રવ્યા
ર્થિકનયનો વિષય તો ધર્મનો ભેદ પાડ્યા વગરની અભેદ વસ્તુ છે. અહીં જેને દ્રવ્યનય કહ્યો છે તે અધ્યાત્મ–
દ્રષ્ટિના કથનમાં તો પર્યાયાર્થિક નયમાં અથવા વ્યવહારનયમાં જાય છે.
આ પરિશિષ્ટમાં જ્ઞાનપ્રધાન વર્ણન છે, પ્રમાણથી વર્ણન છે એટલે બંધ–મોક્ષ પર્યાયને પણ નિશ્ચયમાં
ગણશે, જ્યારે સમયસારાદિમાં કહેલા નિશ્ચયનયના વિષયમાં તો આત્માને બંધ–મોક્ષ છે જ નહિ. આ પ્રમાણે
જુદી જુદી અપેક્ષાથી જેમ કહ્યું છે તેમ બરાબર સમજવું જોઈએ.
દ્રવ્યનયથી આત્મા ચૈતન્યમાત્ર છે એ વાત કરી, હવે તે દ્રવ્યનયની સામે પર્યાયનયની વાત કરે છે.
× × ×
[૨] પર્યાયનયે આત્માનું વર્ણન
અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય છે તે પર્યાયનયે, તંતુમાત્રની માફક, દર્શનજ્ઞાનાદિમાત્ર છે; જેમ વસ્ત્ર
તંતુમાત્ર છે તેમ આત્મા પર્યાયનયે દર્શન–જ્ઞાન–ચારિત્રાદિમાત્ર છે.
પર્યાયનય તે શ્રુતજ્ઞાનનો પ્રકાર છે, તે પર્યાયનયથી જોતાં આત્મદ્રવ્ય દર્શન–જ્ઞાન–ચારિત્રાદિમાત્ર જણાય
છે. દ્રવ્યનયથી અભેદ એકરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર જણાય છે ને પર્યાયનયથી તે આત્મા જ્ઞાન–દર્શન–ચારિત્ર
વગેરે ગુણ–પર્યાયના ભેદવાળો પણ જણાય છે, એવો આત્માનો સ્વભાવ છે. પર્યાયનયથી જ્ઞાનાદિ અનંત ગુણ–
પર્યાયના ભેદરૂપે આત્મા ભાસે છે, ને દ્રવ્યનયે એક અભેદરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર આત્મા જણાય છે. વસ્તુ એક
છે પણ તેમાં પડખાં અનેક છે. ચીજને જેમ છે તેમ બધા પડખાથી જાણીને નક્કી કરે ત્યાર પછી જ જ્ઞાન તેમાં ઠરે
ને? વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના શેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે? જેમ કોઈએ હાથમાં બાણ તો લીધું પણ તે
બાણ મારવું છે કોને? જેને બાણ મારવું છે તે લક્ષ્યને નક્કી ન કર્યું હોય તો બાણ લીધું શા કામનું? પહેલાંં જેના
ઉપર બાણ છોડવું હોય તે લક્ષ્યને બરાબર નક્કી કર્યા પછી જ બાણ છોડે છે; તેમ આત્માનું ધ્યાન કરવા માટે
પહેલાંં તેનું બરાબર જ્ઞાન કરવું જોઈએ. આત્મા જેવો છે તેવો લક્ષમાં લીધા વિના ધ્યાન કોનું કરશે? ઘણા લોકો
કહે છે કે અમારે ધ્યાન કરવું છે. પણ કોનું? ધ્યાનમાં લેવા યોગ્ય આત્માનો સ્વભાવ શું છે તે જાણ્યા વિના તેનું
ધ્યાન કઈ રીતે કરીશ? વસ્તુને યથાર્થજ્ઞાનથી જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન
છે. જેને વસ્તુનું સાચું જ્ઞાન જ નથી તેને તો જ્ઞાનની એકાગ્રતારૂપ ધ્યાન પણ હોતું નથી.
જેમ વસ્ત્ર સામાન્યપણે એક હોવા છતાં તે લાંબુ–પહોળું, રંગવાળું તથા તાણાવાણા વાળું–એવા ભેદરૂપે
પણ ખ્યાલમાં આવે છે, તેમ ચૈતન્યબિંબ ભગવાન આત્મા દ્રવ્યરૂપે એક હોવા છતાં તેનામાં દર્શન–જ્ઞાનાદિ
અનંત ધર્મો ભર્યા છે એટલે પર્યાયનયે તે દર્શન–જ્ઞાનાદિ ભેદરૂપ છે. દ્રવ્યનયે જોતાં ભેદો ગૌણ થઈને એકરૂપ
ચિન્માત્ર ભાસે છે અને પર્યાયનયે જોતાં દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ ગુણપર્યાયોના ભેદરૂપ પણ ભાસે છે–એવો
આત્માનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ભેદો છે તે કાંઈ કલ્પનારૂપ નથી પણ સત્ છે, વસ્તુમાં
કથંચિત્ ગુણભેદ પણ છે; વસ્તુ સર્વથા અભેદ નથી પણ ભેદાભેદરૂપ છે.–એવી વસ્તુ તે જ પ્રમાણનો વિષય છે.
ત્રણે કાળે પર્યાય થવાનો આત્માનો સ્વભાવ છે. વસ્તુમાં ગુણભેદ પડે તેને પણ પર્યાય કહેવાય છે અને
વિશેષ અવસ્થા થાય તેને પણ પર્યાય કહેવાય છે. દ્રવ્યનયથી વસ્તુ નિત્ય એકરૂપ હોવા છતાં પર્યાયનયથી
તેનામાં ત્રણકાળે નવી નવી અવસ્થા થયા કરે છે એવો તેનો સ્વભાવ છે. આત્માની કોઈ પર્યાય પરને લીધે થતી
નથી પણ પોતાના પર્યાયસ્વભાવથી જ તેની પર્યાય ત્રણેકાળે

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMD Regd No. B. 4787
થયા કરે છે. આત્મામાં પર્યાયધર્મ ક્યારે નથી?–સદાય છે. જો આત્માના પર્યાયધર્મને જાણે તો પરના આશ્રયે
પોતાની પર્યાય થવાનું માને નહિ, પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ–નુકસાન
થાય એવી મિથ્યાબુદ્ધિ રહે જ નહિ. જો પરથી પોતાની પર્યાયમાં લાભ–નુકસાન માને તો તેણે આત્માના
પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી.
દ્રવ્યનયે નિગોદથી સિદ્ધ સુધી સદાય આત્મા એકરૂપ છે, ઓછી પર્યાય કે વધારે પર્યાય એવા ભેદ તેનામાં
નથી, પણ પર્યાયનયે તે ભેદરૂપ છે, સંસાર–મોક્ષ એવી પર્યાયરૂપે આત્મા પોતે પરિણમે છે. પર્યાયધર્મ પોતાનો
છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાયધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના
પર્યાયધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાયધર્મ જ ન રહ્યો! પોતાની અનાદિ
અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ. સ્વભાવ
તરફ ઢળતું જ્ઞાન પ્રમાણપૂર્વક જ ઢળે છે; વસ્તુસ્થિતિ જાણીને જ્ઞાન પ્રમાણ થયા વગર તે વસ્તુસ્વભાવમાં ઢળે જ
નહિ એટલે તેને આત્માનો સ્વાનુભવ થાય જ નહિ.
જો દ્રવ્યનયથી પણ આત્માને સંસાર હોય તો તે સંસાર નિત્ય રહ્યા જ કરે; અને જો પર્યાયનયથી પણ
આત્માને સંસાર ન હોય તો આત્માની મુક્તિ જ હોવી જોઈએ. માટે બંને નયથી વસ્તુના સ્વરૂપને જાણવું
જોઈએ. દ્રવ્યનયથી જો આત્મદ્રવ્યમાં સંસાર હોય તો તે ટળે ક્યાંથી? અને પર્યાયમાં સંસાર છે, તે પર્યાયના
અવલંબને ટળે ક્યાંથી? દ્રવ્યનયે તો આત્માને સંસાર–મોક્ષ નથી, સંસારપર્યાયમાં કે મોક્ષપર્યાયમાં સદાય
આત્મા ચિન્માત્ર જ છે; પરંતુ પર્યાયમાં સંસાર–મોક્ષ છે તેને પર્યાયનય જાણે છે. પણ તે પર્યાયના આશ્રયે સંસાર
ટળતો નથી, દ્રવ્યનો આશ્રય કરતાં સંસારપર્યાય ટળીને મોક્ષપર્યાય થઈ જાય છે; એટલે પર્યાયનયવાળો પણ
પર્યાયબુદ્ધિ રાખીને પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું જ્ઞાન કરે છે.
દ્રવ્યની દ્રષ્ટિ
વગર એકલી પર્યાયને જાણવા જાય તો તેને પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ થઈ જાય છે. આખા દ્રવ્યના જ્ઞાનપૂર્વક તેના
પર્યાયધર્મને પર્યાયનય જાણે છે, તે પર્યાયનયથી આત્મદ્રવ્ય ગુણ–પર્યાયના ભેદવાળું જણાય છે.
દ્રવ્યદ્રષ્ટિથી જે વસ્તુ સામાન્ય એકરૂપ રહે છે તે જ પર્યાયદ્રષ્ટિથી સમયે સમયે અનેરી અનેરી થાય છે; જો
પર્યાયદ્રષ્ટિથી પણ તે એવી ને એવી જ રહ્યા કરતી હોય તો સમયે સમયે જે વિશેષ કાર્ય થાય છે તે જ ન બની
શકે, અથવા વિશેષ બદલતાં સામાન્ય જુદું રહી જાય એટલે સામાન્ય અને વિશેષ સર્વથા જુદા થઈ જાય. પણ
એમ બને જ નહિ, કેમકે સામાન્ય કદી વિશેષ વગર ન હોય અને વિશેષ કદી સામાન્ય વગર ન હોય. વસ્તુ
અનેક ધર્માત્મક છે, સામાન્ય વિશેષ બંનેને એક સાથે ન માનો તો વસ્તુ જ સિદ્ધ ન થાય.
નયથી વિચાર કરનાર પણ, બધા ધર્મોનો સમુદાય તે આત્મા છે–એમ લક્ષમાં રાખીને તેના એકેક ધર્મનો
ભેદ પાડીને નયથી વિચારે છે; તત્ત્વના વિચાર કાળે આવા ધર્મોથી વસ્તુને નક્કી કરવી જોઈએ. તત્ત્વનો નિર્ણય
કરીને અભેદ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. જ્યાં અભેદસ્વભાવના
અનુભવમાં વળ્‌યો ત્યાં આવા ધર્મના ભેદના વિચાર રહેતા નથી.
નયથી એક ધર્મને જોતાં પણ દ્રષ્ટિમાં તો આખી વસ્તુ આવી જાય છે, અને ત્યારે જ એક ધર્મના જ્ઞાનને
નય કહ્યો. નય કહેતાં જ વસ્તુનું એક પડખું આવ્યું એટલે બીજા પડખા બાકી છે એમ પણ તેમાં આવી ગયું. નય
એક ધર્મને મુખ્ય કરીને વસ્તુને લક્ષમાં લ્યે છે, તે ધર્મ વસ્તુનો છે ને વસ્તુ અનંતધર્મવાળી છે, એટલે નયની
સાથે જ તે અનંતધર્મવાળી વસ્તુનું પ્રમાણજ્ઞાન પણ સાથે જ છે. નય તો અંશને જાણે છે, અંશ કોનો?–કે
અંશીનો. અંશીના જ્ઞાન વગર અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. આખી વસ્તુના પ્રમાણજ્ઞાનપૂર્વક તેના એક અંશનું
જ્ઞાન હોય તો જ તેને નય કહેવાય. એ રીતે નય ભેગું પ્રમાણ પણ સાથે જ છે.
એ પ્રમાણે દ્રવ્યનય અને પર્યાયનય એ બે નયથી આત્માનું વર્ણન કર્યું; હવે અસ્તિત્વનય વગેરે સાત
નયોથી આત્માના અસ્તિ–નાસ્તિ વગેરે સાત ધર્મોનું વર્ણન કરે છે. [અપૂર્ણ]
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા,(જિલ્લા અમરેલી) તા. ૩–૮–૫૧