Atmadharma magazine - Ank 095
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૪૩ :
બીજી કોઈ વિધિ નથી. આત્મા જ્ઞાનપિંડ છે, તેને જ્ઞાન વડે જ પકડી શકાય છે. વચ્ચે અધૂરી દશામાં શુભરાગ
આવે પણ તે ધર્મ નથી. અને તે રાગ વડે આત્મા જણાતો નથી. એ પ્રમાણે રાગરહિત આત્મસ્વભાવનું સાચું
જ્ઞાન જેને નથી તેને ત્રણકાળમાં ધર્મ થતો નથી. પ્રથમ આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે
જ પૂર્ણાનંદી પરમાત્મદશાને પ્રાપ્ત કરવાની વિધિ છે.
[૩૦] કેવળજ્ઞાનના નિર્ણયમાં સમ્યક્ પુરુષાર્થ–
પ્રશ્ન:– કેવળી ભગવાને જોયું હશે ત્યારે મોક્ષ થઈ જશે; પછી પ્રયત્નનું શું કામ?
ઉત્તર:– ભાઈ, મોક્ષ પામનાર જીવ મોક્ષના પુરુષાર્થ પૂર્વક મોક્ષ પામશે–એમ પણ ભગવાને જોયું છે,
પુરુષાર્થ વગર એમ ને એમ મોક્ષ પામી જશે–એમ કાંઈ ભગવાને જોયું નથી. વળી, ‘ભગવાને જ્યારે જોયું હશે
ત્યારે મોક્ષ થશે’ –એવા યથાર્થ નિર્ણયમાં તો આત્માના પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય પણ ભેગો જ આવી
ગયો, અને જ્યાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય થયો ત્યાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ ગઈ એટલે તેમાં મોક્ષનો
સમ્યક્પુરુષાર્થ પણ આવી જ ગયો. સમ્યક્પુરુષાર્થ વગર કેવળજ્ઞાનનો યથાર્થ નિર્ણય હોતો નથી.
[૩૧] ધર્મનાં નિમિત્ત અને ધર્મનો વિધિ
જેને પોતાના આત્મામાં ધર્મ પ્રગટ કરવો છે તેનું લક્ષ જેમના આત્મામાં ધર્મ પ્રગટ્યો હોય તેવા નિમિત્ત
ઉપર જ જાય, પણ જેનામાં ધર્મ પ્રગટ્યો ન હોય તેવા આત્માને તે પોતાના ધર્મના નિમિત્ત તરીકે સ્વીકારે નહિ.
આત્મસ્વભાવ સમજનારનું લક્ષ ક્યાં જાય? જો કે સમજનાર તો પોતે પોતાના આત્મસ્વભાવના લક્ષથી જ
સમજે છે, પરંતુ સત્ના નિમિત્ત તરીકે સાચા દેવ–ગુરુનો વિચાર અને બહુમાન આવ્યા વગર રહે નહિ.
પૂર્ણદશા પામીને મુક્ત થઈ જનારા જીવો કોઈ પૂર્વે થઈ ગયા, કોઈ હમણાં થાય છે અને કોઈ હવે પછી
થશે. પૂર્ણતા પામનારા અને તેને સાધનારા અનાદિથી થતા જ આવે છે અને તેમની વાણીરૂપ શાસ્ત્રો પણ
પ્રવાહપણે અનાદિથી છે. ધર્મ કરનારને એ રીતે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય આવી જવો જોઈએ. છતાં
સાચા દેવ–ગુરુ શાસ્ત્રના લક્ષે પણ ધર્મ થઈ જતો નથી; પણ ધર્મ તો અંર્તસ્વભાવના જ આશ્રયે થાય છે. ધર્મ
ક્યાંય બહારમાં નથી પણ અંદરની દશામાં છે, એટલે ધર્મ ક્યાંય બહારના લક્ષે થતો નથી, પણ અંર્તસ્વભાવનો
નિર્ણય કરીને તેના લક્ષે એકાગ્રતાથી જ ધર્મ થાય છે. –આ જ ધર્મનો વિધિ છે.
[૩૨] સર્વજ્ઞ પરમાત્મા અને વાણીનો યોગ
પૂર્ણ જ્ઞાન–આનંદદશા પામેલા જીવો પણ બે પ્રકારના હોય છે–એક દેહમુક્ત અને બીજા જીવનમુક્ત. તેમાં
જે દેહમુક્ત થઈ ગયા તે તો ‘સિદ્ધ ભગવાન’ છે, અને જે પરમાત્મા દેહસહિત વિચરે છે તે ‘ અરિહંત ભગવાન’
છે. તે અરિહંતોમાં કેટલાકને વાણીનો યોગ હોય છે અને કેટલાકને નથી પણ હોતો. પરંતુ જે તીર્થંકર હોય તેમને
તો નિયમથી વાણીનો યોગ હોય જ છે. સર્વજ્ઞ પરમાત્મદશા પ્રગટી ગયા પછી શરીર કે વાણીનો સંબંધ હોય જ
નહિ–એમ એકાંત નથી. એટલે, કોઈપણ સર્વજ્ઞને વાણી ન જ હોય–એમ નથી, પણ કોઈ સર્વજ્ઞને વાણીનો યોગ
હોય છે. જો કોઈ સર્વજ્ઞને વાણીનો યોગ ન જ હોય તો તેમની સર્વજ્ઞતાને બીજા જીવો કઈ રીતે જાણે? તથા
સર્વજ્ઞદેવના પૂર્ણ જ્ઞાનમાં શું વસ્તુસ્વરૂપ જણાયું તેની ખબર વાણી વગર બીજા જીવોને કઈ રીતે પડે? ને તીર્થની
પ્રવૃત્તિ કઈ રીતે થાય? –અને એમ થતાં તો સર્વજ્ઞ વગેરેનો નિર્ણય જ થઈ શકશે નહિ. ને દેવ–ગુરુ–શાસ્ત્રના
નિર્ણય વગર અંતરના સ્વભાવનું સાચું જ્ઞાન પણ ન હોય. સાચા નિમિત્તો કોણ છે, ક્યાં છે, શું કરી રહ્યા છે
અને તેમણે કહેલું વસ્તુસ્વરૂપ શું છે–એની નિઃશંકતા વગર અંતરમાં વીર્ય વળે નહિ.
[૩૩] નિમિત્તોનો વિવેક
કોઈ કહે કે ખોટા નિમિત્તોની માન્યતા હતી ને અમારું કલ્યાણ થઈ ગયું, –તો એમ કદી બને શકે નહીં.
જો કે નિમિત્તથી તો કાંઈ લાભ કે નુકશાન થતું નથી, તોપણ સાચા જ્ઞાનમાં કેવા નિમિત્તો હોય ને કેવા નિમિત્તો
ન હોય, તેનો વિવેક કર્યા વગર સમ્યગ્જ્ઞાન થાય નહિ. પુરુષની પ્રમાણતાનો નિર્ણય કર્યા વગર ગમે તેના, ગમે
તેવા ઉપદેશને સાચો માની લ્યે તેને તો હજી સાચા–ખોટા નિમિત્તનો પણ વિવેક નથી, તો નિમિત્તથી પાર
અંર્તસ્વભાવનો નિર્ણય કરવાની તાકાત તેનામાં ક્યાંથી આવશે? –હજી આંગણા સુધી પણ જે નથી આવ્યો તે
આંગણાનો અભાવ કરીને ઘરમાં શી રીતે પ્રવેશી શકશે?