માન્યતા મિથ્યા છે કેમ કે બહારની ક્રિયામાં તો આત્માનું અસ્તિત્વ જ નથી. અજ્ઞાની લોકો બહારમાં ફૂલ–
પાણીને દેખીને ભડકે છે પણ અંતરમાં પરિણામ કેવા છે તે ઓળખતા નથી. ભગવાનની પરમશાંત વીતરાગી
પ્રતિમા પાસે સમકીતિ એકાવતારી ઈન્દ્ર–ઈન્દ્રાણી પણ ભક્તિથી નાચી ઊઠે છે. જુઓ, નંદીશ્વર નામના દ્વીપમાં
રત્નના શાશ્વત જિનબિંબો છે, ત્યાં કારતક, ફાગણ અને અષાડ મહિનામાં સુદ ૮ થી ૧૫ સુધી દેવો ભક્તિ કરવા
જાય છે. જેમ આત્મામાં પરમાત્મપણાની શક્તિ સદાય છે, અને તે શક્તિ પ્રગટેલા સર્વજ્ઞ પરમાત્મા પણ
જગતમાં સદાય એક પછી એક થયા જ કરે છે તેમ તે પરમાત્મપણાના પ્રતિબિંબ તરીકે વીતરાગી પ્રતિમા પણ
જગતમાં શાશ્વત છે. આત્માનો જ્ઞાયકબિંબ સ્વભાવ અનાદિનો છે તેમ તેના નિમિત્ત તરીકે તેના પ્રતિબિંબરૂપે
જિનપ્રતિમા પણ અનાદિથી છે. તેમની પાસે જઈને ઈન્દ્ર–ઈન્દ્રાણી જેવા એકાવતારી જીવો પણ ભક્તિથી થનગન
કરતાં નાચી ઊઠે છે. તે વખતે અંદર ભાન છે કે આ મૂર્તિનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે, શરીરની
ઊંચું–નીચું થવાની ક્રિયાનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે. મૂર્તિમાં કે દેહની ક્રિયામાં મારું અસ્તિત્વ
નથી, મારું અસ્તિત્વ મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે. આવા સમ્યક્ભાનમાં સ્વાશ્રયે પોતાનો સ્વકાળ અંશે તો
નિર્મળ થયો છે ને અલ્પકાળમાં દ્રવ્યનો પૂરો આશ્રય કરતાં પૂર્ણ નિર્મળ સ્વકાળ તેને પ્રગટી જશે એટલે તે પોતે
પરમાનંદમય પરમાત્મા થઈ જશે. ભગવાનની ભક્તિ વખતે, અશુભરાગ ટળીને જે શુભરાગ થયો તે આત્માનો
સ્વકાળ છે, તેમાં આત્માનું અસ્તિત્વ છે પણ પરની ક્રિયામાં આત્માનું અસ્તિત્વ નથી. અષ્ટપ્રકારી પૂજા વખતે
આઠ ચીજો ભેગી કરવાની જે બાહ્ય ક્રિયા થાય તેને આત્માની પ્રવૃત્તિ માને અને તે ક્રિયા ન થાય તેને આત્માની
નિવૃત્તિ માને, તેને પોતાના અને પરના ભિન્ન ભિન્ન સ્વકાળનું ભાન નથી, અસ્તિત્વધર્મની ખબર નથી, તેનું
જ્ઞાન મિથ્યા છે. મિથ્યાજ્ઞાન તે મોટો અધર્મ છે.
લોકાલોકના બધાય પદાર્થો જ્ઞાનના જ્ઞેય થઈ ગયા છે, બધા જ્ઞેયોને એક સાથે જ્ઞાન સ્પષ્ટ–પ્રત્યક્ષ જાણી લ્યે છે
એટલે તે જ્ઞાનનો વિષય પલટતો નથી અર્થાત્ જ્ઞાન એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં જતું નથી ને ત્યાં રાગ પણ
નથી. નીચલી દશામાં રાગી જીવને પૂર્ણ જ્ઞાન સ્વભાવનું ભાન હોવા છતાં જ્ઞાન હજી પૂરું પ્રગટ્યું નથી એટલે
તેના જ્ઞાનનું લક્ષ એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં પલટે છે. એક સમયમાં લોકાલોકને જાણવાના સામર્થ્યવાળું પૂરું
દ્રવ્ય તેની શ્રદ્ધામાં આવ્યું છે પણ જ્ઞાન હજી અધૂરું છે એટલે એક સમયમાં લોકાલોકને તે જાણી શકતું નથી
એટલે તેના જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં પલટે છે, અને રાગ પણ છે. જે સમયે જે પ્રકારના
રાગની લાયકાત હોય તે સમયે તેવો જ રાગ હોય અને તેવું જ નિમિત્ત હોય, ત્યાં તે તે સમયના રાગને તેમ જ
નિમિત્તને જ્ઞાન જાણે છે. એટલે જેમ રાગ અને નિમિત્તો જુદા જુદા પલટે છે તેમ તેને જાણનારું જ્ઞાન પણ પલટે
છે. રાગ અનેક પ્રકારનો છે, જે વખતે જેવા પ્રકારનો રાગ હોય તે વખતે તેવા પ્રકારના નિમિત્ત ઉપર જ લક્ષ
જાય. ભક્તિના ભાવ વખતે ભગવાન ઉપર લક્ષ જાય પણ કાંઈ સ્ત્રી ઉપર લક્ષ ન જાય, અને વિષયના ભાવ
વખતે સ્ત્રી ઉપર લક્ષ જાય પણ કાંઈ સિદ્ધ ઉપર લક્ષ ન જાય, એ રીતે જેવો રાગ હોય તેવા નિમિત્ત ઉપર જ
લક્ષ જાય. છતાં રાગના કારણે નિમિત્ત આવતું નથી ને નિમિત્તના કારણે રાગ થતો નથી. રાગ અને નિમિત્ત
બંનેનો સ્વકાળ જુદો છે. અને જ્ઞાન પણ જે કાળે જેવો રાગ અને જેવું નિમિત્ત હોય તેને જાણે છે. પણ રાગ કે
નિમિત્તને લીધે મને જ્ઞાન થયું એમ ધર્મી માનતા નથી, તે કાળે તેવો જ રાગ અને તેવા જ નિમિત્તને જાણે
એવી મારા સ્વપરપ્રકાશક જ્ઞાનની જ લાયકાત હતી તેથી મને જ્ઞાન થયું છે–એમ ધર્મી જાણે છે, એટલે તેને જ્ઞાન
અને રાગની ભિન્નતાનું ભાન છે તેથી એકત્વબુદ્ધિનો રાગ તો તેને થતો જ નથી. આ બધું સમજે ત્યારે જ
અસ્તિત્વધર્મને યથાર્થ ઓળખ્યો કહેવાય. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી આત્માનું અસ્તિત્વ છે–એમ સમજે તેમાં
આ બધી વાત પણ ભેગી આવી જાય છે.