Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૧ઃ
જાણનારું છે. જ્ઞાન રાગને જાણે પણ રાગને કરે નહિ. જ્ઞાન સ્વને તો જાણે અને કરે, એમ પોતામાં બંને બોલ
લાગુ પડે છે; અને જ્ઞાન પરને જાણે પણ પરનું કરે નહિ, એમ પરમાં એક જ બોલ લાગુ પડે છે. આવા જ્ઞાનવડે
પરની ક્રિયાની કે રાગની તો પ્રસિદ્ધિ નથી થતી, તેમ જ એકલા પરને જાણવાની પણ પ્રસિદ્ધિ નથી થતી, પણ
અનંત ધર્મના ચૈતન્યપિંડ એવા આત્માની જ પ્રસિદ્ધિ થાય છે. આમ જે આત્માની પ્રસિદ્ધિ કરે તેણે જ જ્ઞાનને
જ્ઞાન તરીકે ઓળખ્યું કહેવાય.
અજ્ઞાની જીવ પોતાના સ્વલક્ષ્યને ભૂલીને જ્ઞાનવડે પરની પ્રસિદ્ધિ કરવા જાય છે, તેને જ્ઞાનલક્ષણની જ
ખબર નથી. લક્ષણ તો એવું હોય કે જે પોતાના લક્ષ્યને જણાવે. જો લક્ષ્યને ન જણાવે તો તે ખરેખર લક્ષણ નથી
પણ લક્ષણાભાસ છે. જ્ઞાન તો તેને કહેવાય કે જે આત્માને જ લક્ષ્ય કરે–ઓળખાવે. જો પોતાના આત્માને ન
ઓળખાવે તો તે જ્ઞાનાભાસ છે. પોતાનું જ્ઞાન તે પોતાના આત્માનું જ લક્ષણ છે, માટે પોતાના જ્ઞાનવડે પોતાના
અનંતધર્મસ્વરૂપ આત્માને જ લક્ષિત કરવો, જ્ઞાનને સ્વ તરફ વાળીને આત્માને અનુભવવો.–તે જ લક્ષણલક્ષ્યને
જાણવાનું તાત્પર્ય છે.
જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, તે આત્મા અનંત ગુણોના સમુદાયસ્વરૂપ છે. જ્ઞાનની સાથે જ અનંત ગુણો
રહેલા છે, તે દરેક ગુણના લક્ષણ જુદા જુદા છે છતાં દ્રવ્યપણે તે બધા ગુણોનો એક જ ભાવ છે, એક દ્રવ્ય જ તે
બધા ધર્મોવાળું છે. આગળ ૨૭ મી શક્તિમાં કહેશે કે વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું
લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ છે; એટલે કે ગુણ અપેક્ષાએ દરેક ગુણનું લક્ષણ ભિન્ન ભિન્ન હોવા છતાં તે
બધાના અભેદ–પિંડરૂપ દ્રવ્ય એક છે.
જ્ઞાનનું લક્ષણ સ્વ–પરપ્રકાશકપણું,
સમ્યક્ત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ,
ચારિત્રનું લક્ષણ એકાગ્રતા,
આનંદનું લક્ષણ આહ્લાદ,
અસ્તિત્વનું લક્ષણ હોવાપણું,
પ્રભુત્વનું લક્ષણ સ્વતંત્રતાથી શોભિતપણું;
–એમ અનંતા ગુણોનું લક્ષણ જુદું છે, એટલે લક્ષણભેદે બધા ગુણોને પરસ્પર ભેદ છે, છતાં દ્રવ્ય તો બધા
ગુણોનો એકરૂપ પિંડ છે, જ્ઞાનમાત્ર આત્મામાં બધાય ધર્મો સમાઈ જાય છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં જ
અનંતધર્મોનો એક સમૂહ લક્ષિત થાય છે તે આત્મા છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર ઇત્યાદિ અનેક ભેદોને જ્ઞાન જાણે ભલે, પણ તે જ્ઞાનવડે લક્ષિત તો અનંત ધર્મોથી
અભેદ એવો આત્મા જ છે. ભેદોને જાણનારું જ્ઞાન જો એકલા ભેદને જ લક્ષ્ય કરે ને અભેદ આત્માને લક્ષ્ય ન કરે
તો ત્યાં ખરેખર જ્ઞાનની પ્રસિદ્ધિ નથી પણ એકલા ભેદની જ પ્રસિદ્ધિ છે; જ્ઞાનની પ્રસિદ્ધિ વગર આત્માની પ્રસિદ્ધિ
પણ થતી નથી. જ્ઞાન ભેદને પણ જાણે ખરું, પરંતુ અભેદ આત્માના લક્ષપૂર્વક ભેદને જાણે.
જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક હોવાથી તે પરને અને રાગાદિને જાણે ખરું; પણ પરને કે રાગને
જાણતાં જ્ઞાનલક્ષણ પરનું કે રાગનું થઈ જતું નથી, જ્ઞાનલક્ષણ તો આત્માનું જ રહે છે. એટલે કે પરને જાણતું
જ્ઞાન પણ આત્મા સાથે એકતા રાખીને પરને જાણે છે, પર સાથે કે રાગ સાથે એકતા કરીને જાણતું નથી. જ્ઞાન
રાગને જાણે ત્યાં તે જ્ઞાન રાગનું લક્ષણ થઈ જતું નથી, તેમ જ રાગ જ્ઞાનમાં જણાય તેથી કાંઈ તે રાગ જ્ઞાનનું
લક્ષણ થઈ જતો નથી, બંને ભિન્ન જ રહે છે. એ જ પ્રમાણે પોતાના ગુણોમાં પણ સૂક્ષ્મ વાત લઈએ તો, જ્ઞાન છે
તે શ્રદ્ધા વગેરેના લક્ષણને જાણે છે ખરું, પણ શ્રદ્ધાના લક્ષણ વડે જ્ઞાન લક્ષિત થતું નથી; તેમજ શ્રદ્ધાને જાણનારું
જ્ઞાન તે શ્રદ્ધાનું લક્ષણ થઈ જતું નથી, કેમ કે જ્ઞાન વડે એકલો શ્રદ્ધાગુણ જ લક્ષિત નથી થતો પણ એવા એવા
અનંતગુણની મૂર્તિ આત્મા લક્ષિત થાય છે. જ્ઞાન બીજાને જાણે છે ખરું પણ બીજાનું લક્ષણ થતું નથી. અભેદ
આત્માના લક્ષપૂર્વક ભેદને જાણનારું જ્ઞાન પણ અભેદ આત્માની જ પ્રસિદ્ધિ કરે છે. જ્યાં જ્ઞાને અભેદ આત્માને
લક્ષમાં લીધો ત્યાં લક્ષણ અને લક્ષ્ય બંને એક થઈ ગયા–અભેદ થઈ ગયા, અને ત્યારે જ તે જ્ઞાન આત્માનું
લક્ષણ થયું, તે જ્ઞાનલક્ષણે અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કર્યો.–આનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે,
આ જ પ્રથમ ધર્મ છે.
આત્મામાં અનંત શક્તિઓ છે, તે બધાને જાણનારું તો જ્ઞાન છે; તે જ્ઞાન એકેક શક્તિને જુદી જુદી પ્રસિદ્ધ