Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૯૭
નથી કરતું પણ અનંતશક્તિના એક પિંડરૂપ આત્માને પ્રસિદ્ધ કરે છે. ભિન્ન ભિન્ન અનંત ધર્મો હોવા છતાં તે
બધાય ધર્મો એક આત્મદ્રવ્યના જ છે, એવા અનંતધર્મસ્વરૂપ આત્માને જ્ઞાન પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનલક્ષણને
ઓળખ્યા સિવાય આવો આત્મા અનુભવમાં–લક્ષમાં આવતો નથી. અભેદ આત્માને પકડવા જતાં ‘જ્ઞાન તે
આત્મા’ એવો લક્ષ્ય–લક્ષણ ભેદ વચ્ચે આવી જ જાય છે, જેણે આત્માને કદી જાણ્યો નથી તે જીવ જ્ઞાનલક્ષણ
વગર સીધું લક્ષ્યને (આત્માને) જાણી શકતો નથી. તેથી જ, આચાર્યદેવ કહે છે કે, અમે આત્માને જ પ્રસિદ્ધ
કરવા માટે જ્ઞાનલક્ષણ બતાવ્યું છે. જ્ઞાનલક્ષણ અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કરે છે–બતાવે છે.
જુઓ! આજે બેસતા વર્ષે જ્ઞાનમૂર્તિ ભગવાન આત્માની પ્રસિદ્ધિની અપૂર્વ વાત આવી છે. અહો,
બધાયને જાણનારું જ્ઞાન.....પણ તે એક આત્માને જ પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન જાણે બધાને, પણ તે બધાનું જ લક્ષણ
નથી; બધાને જાણતું જ્ઞાન તે આત્માનું જ લક્ષણ છે એટલે કે આત્માને લક્ષ્યમાં રાખીને બધાને જાણે તેવો
જ્ઞાનનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનલક્ષણ પોતાના ચૈતન્યમૂર્તિ આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
અહો! જ્ઞાનથી પ્રસિદ્ધ થતો અનંત ધર્મનો ઢીંગ આત્મા, તે જ પોતાનો ધીંગધણી છે; આવા ચૈતન્યમૂર્તિ
ધીંગધણી આત્માને જોતાં જ અમારા અનાદિનાં દુઃખ અને દોહગ (દુર્ભાગ્ય) બંને ટળી ગયા. ભગવાન આત્મા
પોતે પ્રભુતાનો પિંડ વિમળસ્વરૂપ છે, તેને જોતાં જ સિદ્ધભગવાન જેવા સુખનો અનુભવ થયો, એટલે
અનાદિકાળના દુઃખ તો ટળી ગયા ને બાહ્યમાં દુર્ભાગ્યરૂપ પ્રતિકૂળતા પણ ટળી ગઈ. ધર્મીને જગતમાં એવી કોઈ
પ્રતિકૂળતા નિમિત્તરૂપે નથી કે જે તેને સાધકભાવમાં વિઘ્ન કરે. જ્યાં અંતરના ચૈતન્યભગવાન ધીંગધણીને
શ્રદ્ધા–જ્ઞાનમાં ધાર્યો ત્યાં બહારની પ્રતિકૂળતાને ગણકારે છે જ કોણ? જુઓ, આ બેસતા વર્ષનું માંગળિક થાય
છે. મંગળ એટલે સુખને આપે ને દુઃખને દૂર કરે. અનંત શક્તિસંપન્ન ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિ કરતાં અપૂર્વ
સુખસંપત્તિની ભેટ થઈ ને દુઃખ દૂર થયા તે જ ખરું મંગળ છે.
*
જ્ઞાનથી લક્ષમાં આવતો આત્મા કેવો છે તેનો આ મહિમા છે. જ્ઞાનલક્ષણથી તેને લક્ષમાં લીધા વિના
તેનો મહિમા સમજાય નહિ. જેમ આઠ આંકડાની કોઈ રકમ (૮૭૬પ૪૩૨૧) લખી હોય અને તેમાં એક
નવમો આંકડો ઉમેરો (૯૮૭૬પ૪૩૨૧) તો તેણે કરોડોની સંખ્યા વધારી છે. જેને ગણિતની ખબર નથી
તેને એમ લાગે છે કે આ એક નવડો મૂકયો; પણ ખરેખર તો તે નવડામાં કરોડોનો ભાવ સમાયેલો છે. તેમ
અહીં ‘જ્ઞાન તે આત્માનું લક્ષણ છે’ એમ આચાર્યભગવાને કહ્યું છે તેમાં ઘણા સૂક્ષ્મ ન્યાય છે, ઘણી ઊંડી
ગંભીરતા છે. અંતર્મુખ થઈને ખ્યાલમાં લ્યે તો તેની ગંભીરતા સમજાય તેમ છે. સાધારણ લોકોને એમ
લાગે છે કે આ શરીર, કબાટ વગેરે બધાને જાણે છે તે જ્ઞાનની વાત છે ને તે જ આત્માનું લક્ષણ છે.–પણ
એમ નથી. અહીં તો જ્ઞાનને અંર્તસ્વભાવ સન્મુખ કરીને આત્માને જાણે તેની વાત છે, અને તે જ્ઞાન જ
આત્માનું લક્ષણ છે. અનંત ગુણથી ભરપૂર પોતાનો આત્મા તે જ જ્ઞાનનું લક્ષ્ય છે. આવા લક્ષ્ય–લક્ષણને જે
ઓળખે તેને સમ્યગ્જ્ઞાન થયા વિના રહે નહિ.
ગુણોમાં ભેદ પાડવા તે પણ જ્ઞાનનું લક્ષ્ય નથી; જ્ઞાન તે ગુણોને જાણે ભલે, પણ તેનું લક્ષ્ય તો એક
આત્મા જ છે. અહીં ભેદને સિદ્ધ કરવા માટે જ્ઞાન અને આત્માનો લક્ષણ–લક્ષ્ય ભેદ નથી પાડયો, પણ જ્ઞાન
આત્મા તરફ વળીને આત્માને જ જાણે– એ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા અભેદ આત્માની પ્રસિદ્ધિ કરવા માટે જ આ
લક્ષણ લક્ષ્ય ભેદ છે. જો કે સ્વ–પર, દ્રવ્ય–ગુણ–પર્યાય, નિશ્ચય–વ્યવહાર એ બધાને જાણનારું તો જ્ઞાન જ છે,
પણ જ્ઞાનમાં સ્વ–પરપ્રકાશકપણું કયારે થાય? કે જો જ્ઞાન લક્ષણ તો આત્માનું છે એમ નક્કી કરીને આત્માને
લક્ષ્ય બનાવે તો જ તે જ્ઞાનમાં સ્વ–પરપ્રકાશકપણું ખીલે, અને તે જ્ઞાન જ સ્વ–પરને કે નિશ્ચય–વ્યવહાર વગેરેને
સાચી રીતે જાણી શકે.
જ્ઞાન તે લક્ષણ છે ને આત્મા લક્ષ્ય છે,–પણ તે લક્ષણ અને લક્ષ્ય કયારે થાય? જ્ઞાનલક્ષણથી આત્માને
પકડવા જતાં જ્ઞાન અંતર્મુખ થાય છે માટે અંતર્મુખજ્ઞાન તે જ આત્માનું લક્ષણ છે. જ્યારે લક્ષણ અને લક્ષ્યની
સંધિ કરે એટલે કે જ્ઞાનને આત્મા તરફ વાળીને તે જ્ઞાનદ્વારા અખંડ આત્માને લક્ષમાં લ્યે ત્યારે જ આત્મા લક્ષ્ય
થાય અને જ્ઞાન લક્ષણ થાય.