Atmadharma magazine - Ank 098
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
ઃ ૩૮ઃ આત્મધર્મઃ ૯૮
જ્ઞાનમાત્રભાવ તે આત્મા છે, તેમાં અનંત શક્તિઓ આવી જાય છે.
શરીરાદિ પરવસ્તુઓ તો આત્માના ક્ષેત્રમાં પણ નથી ને આત્માની અવસ્થામાં પણ નથી.
રાગાદિ વિકાર આત્માના ક્ષેત્રમાં છે પણ તેની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી.
આ જીવત્વશક્તિ વગેરે અનંતશક્તિઓ તો આત્માના પૂરા ભાગમાં ને સર્વ અવસ્થાઓમાં રહેલી છે.
પ્રશ્નઃ– જીવત્વશક્તિ આત્માના દ્રવ્યમાં છે? ગુણમાં છે? કે પર્યાયમાં છે?
ઉત્તરઃ– જીવત્વશક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં રહેલી છે.
વિકારીભાવો આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી, માત્ર એક સમયપૂરતી એક પર્યાયમાં રહેલા છે.
અને શરીરાદિ જડ પદાર્થો તો આત્માના દ્રવ્ય–ગુણ કે પર્યાય એક્કેયમાં રહેલા નથી, તે તો તદ્ન ભિન્ન છે.
જીવત્વશક્તિ તો દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેમા રહેલી છે. જીવત્વશક્તિને લીધે આખું દ્રવ્ય જીવંતજ્યોત છે, એટલે
દ્રવ્યમાં જીવત્વ છે, ગુણોમાં જીવત્વ છે ને પર્યાયમાં પણ જીવત્વ છે. દયાદિ ભાવ તે કાંઈ પર્યાયના ખરા પ્રાણ
નથી. ચૈતન્યપ્રાણને ધારણ કરનારી જીવત્વશક્તિથી જ દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણે ટકેલાં છે. એકેક પર્યાયનું
જીવતર પણ જીવત્વશક્તિથી સ્વતઃ ટકેલું છે.
પ્રશ્નઃ–અન્નને અગિયારમો પ્રાણ કહેવાય છે ને?
ઉત્તરઃ–અહીં તો કહ્યું કે આત્મામાં શરીરનો જ અભાવ છે, તો પછી અન્નથી આત્મા જીવે તે વાત કયાં
રહી? આત્માનું જીવન તો ચૈતન્યપ્રાણથી ટકેલું છે. અન્ન તે આત્માનો અગિયારમો પ્રાણ નથી તેમ જ પૈસો તે
બારમો પ્રાણ નથી. આત્માના ચૈતન્યજીવનમાંથી દસ પ્રાણ પણ કાઢી નાંખ્યા ને રાગાદિ પણ કાઢી નાંખ્યા. ગુણ–
ગુણીભેદનો વિકલ્પ ઊઠે તે પણ રાગ છે, તે રાગ આત્માના ત્રિકાળી દ્રવ્યમાં–ગુણમાં કે સમસ્ત પર્યાયોમાં રહેતો
નથી, માટે તે પણ આત્માના જીવનનું કારણ નથી.
જીવત્વશક્તિઃ– આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે.
શરીરઃ– આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય એકેયમાં વ્યાપતું નથી.
રાગાદિઃ–આત્માના દ્રવ્ય–ગુણમાં વ્યાપતા નથી, સર્વ અવસ્થામાં પણ વ્યાપતા નથી, માત્ર એક સમયની
પર્યાયમાં વ્યાપે છે.
આ રીતે, પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક એવી જીવત્વશક્તિથી આત્મા જીવે છે.
લોકો કહે છે કે ‘આશા વગરનું જીવન નહિ.’ પણ ખરેખર તો આત્મા આશા વગર જ જીવે છે. અહીં તો
એમ કહ્યું કે ‘જીવત્વશક્તિ વગરનું જીવન નહિ.’ આશા તો એક સમયની વિકૃતિ છે. વીતરાગી આત્માઓને
કોઈ પ્રકારની આશા હોતી નથી, તેઓ આશા વગર જ જીવે છે. લોકો આશાને અમર કહે છે, ખરેખર આશા
અમર નથી, પણ જીવત્વશક્તિથી આત્મા જ અમર છે. આત્માનું જીવન આશાથી નથી ટકયું પણ જીવત્વશક્તિથી
જ ટકયું છે.
આત્મા તો જાણે કે પરાશ્રયે જ જીવતો હોય એમ અજ્ઞાની માને છે, અહીં આચાર્યભગવાન આત્માની
અનંત શક્તિઓ બતાવીને સ્વાશ્રિત જીવન બતાવે છે. અજ્ઞાનીઓ કહે છે કે ‘અન્ન સમા પ્રાણ નહિ,’ એટલે
આત્મા તો જાણે કે અન્નના આધારે જ જીવતો હોય! એમ તેઓ માને છે; પરંતુ અન્ન એટલે પુદ્ગલની
આહારવર્ગણા, તે તો આત્માના દ્રવ્યમાં–ગુણમાં કે પર્યાયમાં કયાંય આવતું જ નથી, એટલે આત્મા અન્નથી નથી
જીવતો પણ ત્રણેકાળે અન્નના અભાવથી જ જીવે છે. ‘અન્ન વિના મારે ન ચાલે’ એમ માનનારે આત્માની
જીવનશક્તિને જાણી નથી. આ જ પ્રમાણે પૈસાનું પણ સમજી લેવું.
આત્મા કદી મરતો નથી–એમ લોકો બોલે છે, પણ કઈ રીતે? તે સમજતા નથી. અહીં આચાર્યદેવ એ
વાત સમજાવે છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરનારી જીવત્વશક્તિ આત્માના
પરિણમનમાં ઊછળે છે, તેનાથી આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યમય જીવનશક્તિનો નાશ થાય તો આત્મા મરે,
પણ તે શક્તિ તો આત્મામાં સદાય–ત્રિકાળ છે તેથી આત્મા કદી મરતો નથી, આત્મા સદાય જીવતો જ છે.
ગયા વર્ષે (વીર સં. ૨૪૭૪માં) ‘સુપ્રભાત માંગલિક’ તરીકે આ જીવનશક્તિનું વર્ણન આવ્યું હતું.