Atmadharma magazine - Ank 098
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૪૦ઃ આત્મધર્મઃ ૯૮
તારું કારણ છે; એ સિવાય બહારના કોઈ કારણને ન શોધ. આત્મદ્રવ્યને કારણભૂત માત્ર ચૈતન્યભાવપ્રાણ છે–
એમ કહીને આચાર્યદેવે બીજા બધા કારણો કાઢી નાખ્યા છે. બહુ તો કારણ કહેવું હોય તો ચૈતન્યપ્રાણોને ધારણ
કરનારી આ જીવત્વશક્તિ જ તારા આત્મદ્રવ્યનું કારણ છે. ‘આત્મદ્રવ્ય’ કહેતાં અહીં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેય
સમજવા. આત્માના દ્રવ્યનું જીવન, ગુણનું જીવન ને પર્યાયનું જીવન, તેમાં આ જીવત્વશક્તિ નિમિત્ત છે.
–જીવત્વશક્તિને ‘નિમિત્ત’ કેમ કહ્યું?–કેમ કે અનંતગુણનો પિંડ આત્મા છે તેમાં ભેદ પાડીને એક ગુણને
બીજા ગુણનું કારણ કહેવું તે વ્યવહાર છે. તેથી અહીં જીવત્વશક્તિને નિમિત્ત કહ્યું છે; ઉપાદાન તરીકે તો દ્રવ્યના
દરેક ગુણ–પર્યાયો પોતાની સ્વતંત્ર શક્તિથી પોતપોતાના સ્વરૂપે ટકી રહ્યાં છે.
જીવત્વશક્તિ અનાદિઅનંત છે તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને ટકાવી રાખે છે. ‘સાઠે બુદ્ધિ નાઠી’ એમ
કહેવાય છે તે તો બધા લોકોના હડૂલા છે. આત્માના જીવનને કદી વૃદ્ધતા લાગતી જ નથી, અમુક કાળ વીત્યા
પછી આત્માની પર્યાય ઢીલી પડી જાય–એમ નથી. કેવળજ્ઞાન થયા પછી, સાઠ વર્ષ તો શું પણ અનંતકાળ સુધી
એવી ને એવી અવસ્થા થયા કરે છે, તોપણ તે કદી જરાય ઢીલું પડતું નથી. આયુષ્યની ગણતરી કરવામાં આવે છે
તે તો દેહનું છે, આત્માને આયુષ્યની મર્યાદા નથી, આત્મા તો અનાદિઅનંત છે. સિદ્ધભગવાનમાં પણ
જીવત્વશક્તિ છે, તે શક્તિનો આકાર આત્માના પ્રદેશો પ્રમાણે છે, ને પૂરા દ્રવ્યમાં, પૂરા ગુણોમાં ને
સમસ્તપર્યાયોમાં તે વ્યાપે છે. એટલે જીવત્વશક્તિને લક્ષમાં લેવા જતાં પરમાર્થે આખો આત્મા જ લક્ષમાં આવી
જાય છે.
જ્યાં વૈદ પાસે કે જ્યોતિષી પાસે આયુષ્ય પૂરું થઈ જવાની વાત સાંભળે ત્યાં અજ્ઞાનીને અંતરમાં
ત્રાસ થાય છે; પણ આચાર્યદેવ કહે છે કે અરે બાપુ! તારું જીવન તો અંતરમાં છે, આ દેહમાં તારું જીવન
નથી. તારી જીવત્વશક્તિથી તારું જીવન ત્રિકાળ છે, તેને તો અંતરમાં જો. તો તને મૃત્યુનો ત્રાસ મટી જશે.
‘હું તો મારી જીવત્વશક્તિથી જીવતો જ છું, મારું મૃત્યુ થતું જ નથી’ એમ જાણ્યું પછી મૃત્યુનો ભય શેનો
રહે? આત્મામાં આ જીવત્વશક્તિ ભેગી જ છે, એટલે જ્ઞાનમાત્ર આત્મસ્વભાવને લક્ષમાં લેતાં આ શક્તિની
પ્રતીતિ પણ આવી જ જાય છે. જો એક જીવત્વશક્તિને કાઢી નાંખો તો આખું આત્મદ્રવ્ય જ ન ટકી શકે, માટે
આ જીવત્વશક્તિને આત્મદ્રવ્યના કારણભૂત કીધી છે. ચૈતન્યપ્રાણથી ત્રિકાળ ટકતા આત્મદ્રવ્યની સામે
જોવાથી ધર્મ થાય છે.
આ શક્તિઓ કોની છે? જ્ઞાનમાત્ર આત્માની આ શક્તિઓ છે. અહીં એકલી શક્તિને
જુદી નથી બતાવવી પણ આવી અનંત શક્તિઓ આત્મામાં એક સાથે ઊછળી રહી છે એમ
બતાવવું છે, એટલે અનંત શક્તિઓવાળા આત્મા ઉપર દ્રષ્ટિ કરવી તે તાત્પર્ય છે.
જેમ જ્ઞાનને લક્ષણ કહ્યું ત્યાં એકલા જ્ઞાનગુણને આત્માથી જુદો પાડીને નથી બતાવવો
પણ જ્ઞાનલક્ષણદ્વારા અખંડ આત્માને જ બતાવવો છે; તેમ અહીં જ્ઞાનમાત્ર ભાવમાં અંદર
આવી જતી શક્તિઓનું આ વર્ણન છે, એટલે આ શક્તિઓમાંથી એકેક શક્તિને ભેદ પાડીને
લક્ષમાં લ્યો તો શુદ્ધ પરિણમન થતું નથી પણ અનંત શક્તિના પિંડ શક્તિમાન્ એવા અભેદ
આત્માને લક્ષમાં લઈને પરિણમતાં એક સાથે અનંતી શક્તિઓનું નિર્મળ પરિણમન શરૂ થઈ
જાય છે.
અખંડ ચૈતન્યના આશ્રયપૂર્વક આ ત્રિકાળી શક્તિઓને જાણતાં પર્યાયમાં પણ તેમનો
અંશ પ્રગટે છે; એ રીતે વર્તમાન પરિણમન સહિતની આ વાત છે. ત્રિકાળી શક્તિઓના પિંડને
કબૂલે અને પર્યાયમાં તેનું બિલકુલ પરિણમન ન પ્રગટે–એમ બને નહિ. શક્તિ સાથે વ્યક્તિની
સંધિ છે. ત્રિકાળી શક્તિને કબૂલતાં તેની વ્યક્તિની પણ પ્રતીત થઈ જ જાય છે એટલે કે
સાધક–દશાનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે.
આ શક્તિની યથાર્થ કબૂલાત કોની સામે જોઈને થાય?