Atmadharma magazine - Ank 098
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
ઃ ૪૨ઃ આત્મધર્મઃ ૯૮
સ્વભાવમાં લક્ષ કરતાં જ્ઞાનમાત્રભાવનું જે પરિણમન થયું તેની સાથે આ જીવત્વ વગેરે શક્તિઓ તો
ઊછળે છે– શુદ્ધતાપણે પરિણમે છે, પણ તે જ્ઞાનના પરિણમનની સાથે કાંઈ રાગાદિ ભાવો નથી ઊછળતા,
તેમનો તો અભાવ થતો જાય છે.–‘રાગાદિનો અભાવ થાય છે’ તે પણ વ્યવહારથી છે; ખરેખર તો
જ્ઞાનમાત્ર આત્મસ્વભાવમાં રાગાદિ છે જ નહિ, તો પછી તેનો અભાવ થવાનું પણ કયાં રહ્યું? રાગ હતો
અને ટળ્‌યો એ વાત પર્યાય અપેક્ષાએ છે, અહીં પર્યાય ઉપર જોર નથી, અહીં તો સ્વભાવની અસ્તિ ઉપર જ
જોર છે.
ચૈતન્યપ્રાણને ધારણ કરનારી જીવત્વશક્તિ આત્માને અનાદિ અનંત ટકાવી રાખે છે; આ શક્તિ તો
આત્મામાં અનાદિઅનંત છે પણ જેને આત્માનું ભાન થયું તેને જ્ઞાનમાત્રભાવમાં આ શક્તિ ઊછળી–એમ કહ્યું.
પહેલાં પણ આ શક્તિ હતી તો ખરી, પણ તેનું ભાન ન હતું; જેમ મેરુપર્વત નીચે સોનું છે, પણ તે શા કામનું?
તેમ આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે, જીવત્વશક્તિ છે, પણ ભાન વગર તે શા કામની? અનંત શક્તિવાળા
આત્માને ઓળખીને તેના આશ્રયે પરિણમે તો બધી શક્તિઓ નિર્મળપણે ઊછળે, એટલે કે સાધકદશા પ્રગટીને
અલ્પકાળે મુક્તિ થાય.
–એ પ્રમાણે પહેલી જીવત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
*
ધર્મીને વિઘ્ન નથી
કોઈ એમ કહે કે ધર્મ ગમે તેટલો કર્યો હોય પણ મૃત્યુસમયે કોઈ તીવ્ર અસાતાનો ઉદય આવે તો
આત્માનું અહિત થઈ જાય.–ધર્મી જીવને આવું બને એમ જે માને છે તેને આત્માની શ્રદ્ધા જ નથી અને ધર્મ શું
ચીજ છે તેનું પણ તેને ભાન નથી. જેને સ્વતંત્ર આત્માની યથાર્થ શ્રદ્ધા છે તે ધર્મીનું કોઈ કાળે કોઈ સંયોગમાં
પણ અહિત ન જ થાય. નિત્ય, અવિનાશી આત્મામાં જે જાગૃત છે તેને ત્રણકાળ ત્રણલોકમાં વિઘ્ન નથી. પોતે
પરથી ભિન્ન છે છતાં પરથી વિઘ્ન માને તેને જુદા સ્વતંત્ર સ્વભાવની શ્રદ્ધા જ નથી. જગતની મૂર્ખાઈ કેટલીક
કહેવાય? અનેક પ્રકારે કલ્પના કરી પરથી લાભ–હાનિ માનનાર સદા આકુળ જ રહે છે...કોઈ કહે કે આત્માને તો
જાણ્યો, જ્ઞાન તો કર્યું, પણ બંધનભાવ ટળ્‌યો કે નહિ તેમ જ મિથ્યાત્વ ટળ્‌યું કે નહિ તેની ખબર નથી.–તો તેણે
આત્માને જાણ્યો જ નથી.
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃઃ ૧૪પ–૬
*
‘જ્ઞાનીના ગજ જુદા હોય છે’
નિશાળે ભણનારો નવ વર્ષનો બાળક રવિવારનો દિવસ હોવાથી ઘેર હતો; તેના બાપ બજારેથી
આલપાકનો તાકો લાવ્યા. પુત્રે પિતાને પૂછયું કે આ તાકો કેટલા હાથનો છે? પિતાએ જવાબ આપ્યો કે તે
પચાસ હાથનો છે. છોકરાએ પોતાના હાથે માપીને કહ્યું કે આ તાકો તો પંચોતેર હાથનો છે! માટે તમારી વાત
ખોટી છે. ત્યારે પિતાએ કહ્યું–ભાઈ, અમારા લેવડદેવડના કામમાં તારા હાથનું માપ ન ચાલે.
તેમ અહીં જ્ઞાની કહે છે કેઃ બાહ્યદ્રષ્ટિવાળા બાળ–અજ્ઞાનીની બુદ્ધિમાંથી ઊઠેલ કુયુક્તિ અતીન્દ્રિય–
આત્મસ્વભાવને માપવામાં કામ આવે નહિ. ધર્માત્માના કાળજાં અજ્ઞાનીથી મપાય નહિ. માટે જ્ઞાનીને ઓળખવા
પ્રથમ તે માર્ગનો પરિચય કરો, રુચિ વધારો, વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું વગેરે ગુણો
લાવો. સંતની ઓળખાણ થયે સત્નો આદર થાય, અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય, તથા પોતાના
ગુણનું બહુમાન આવે અને વર્તમાનમાં જ અપૂર્વ શાંતિ પ્રગટે.
(જુઓઃ સમયસાર પ્રવચન ૧ પૃઃ ૧પપ)
*