Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ પ૪ઃ આત્મધર્મઃ ૯૯
સમ્યગ્દર્શન અંર્તસ્વભાવના અવલંબને જ પ્રગટે છે, અને જિનસૂત્ર પણ તે સ્વભાવનું જ અવલંબન
કરવાનું જ બતાવે છે, તેથી સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત્ત જિનસૂત્ર છે. અને તે જિનસૂત્રે કહેલા શુદ્ધ
કારણપરમાત્માનું સ્વરૂપ જાણનારા મુમુક્ષુઓ તે સમ્યક્ત્વના અંતરંગ હેતુ છે. જિનસૂત્ર જેવો શુદ્ધ આત્મા કહેવા
માગે છે તેવા શુદ્ધ આત્માને જે જાણે તેણે જે ખરેખર જિનસૂત્રને જાણ્યા કહેવાય. માત્ર શાસ્ત્રના શબ્દને જાણે પણ
તેમાં કહેલા શુદ્ધ આત્માને ન જાણે તો તે જીવે ખરેખર જિનસૂત્રને જાણ્યા ન કહેવાય. એ રીતે જિનસૂત્રના
જાણનારા એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ બીજા જીવને સમ્યક્ત્વપરિણામના અંતરંગહેતુ છે, અને ત્યાં જિનસૂત્ર તે
બહિરંગહેતુ છે.
અહીં નિમિત્તમાં અંતરંગ અને બાહ્ય એવા બે પ્રકાર પાડીને સમજાવ્યું છે. અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ
કરનાર જીવને એકલા શાસ્ત્રના શબ્દો જ નિમિત્ત નથી હોતા, પરંતુ તે શાસ્ત્રનો આશય બતાવનારા સમ્યગ્દ્રષ્ટિ
જીવ પણ નિમિત્ત તરીકે હોય જ છે એમ અહીં બતાવ્યું છે. જો કે અન્ય સમ્યગ્દ્રષ્ટિ પુરુષ પણ ખરેખર તો પોતાથી
બાહ્ય છે, પણ તે જીવનો અંતરંગ અભિપ્રાય પકડવો તે પોતાને સમ્યગ્દર્શનનું કારણ છે તેથી ઉપચારથી તે જીવને
પણ સમ્યગ્દર્શનના અંતરંગહેતુ કહ્યા છે. શાસ્ત્રના શબ્દો તો અચેતન છે અને આ સમ્યગ્દ્રષ્ટિ જીવ તો પોતે
સમ્યક્ત્વપરિણામે પરિણમેલો છે. તેથી શાસ્ત્ર કરતાં તે નિમિત્તની વિશેષતા બતાવવા માટે ‘અંતરંગ’ શબ્દ
વાપર્યો છે. તેના વિના એકલા પુસ્તકના નિમિત્તથી કોઈ જીવ અપૂર્વ સમ્યક્ત્વ પામી જાય–એમ બને નહિ.–આ
દેશનાલબ્ધિનો અબાધિત નિયમ છે.
અહીં તો જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેવા જીવને કેવું નિમિત્ત હોય તે ઓળખાવ્યું છે. અજ્ઞાનીને
પૂર્વે અનંતવાર જે દેશનાલબ્ધિ મળી તે દેશનાલબ્ધિની અહીં વાત નથી. કેમકે ઉપાદાન વગર નિમિત્ત કોનું?
સત્ સમજનારા જીવને સામે સત્રૂપે પરિણમેલા સમ્યગ્દ્રષ્ટિ જ નિમિત્ત હોય છે. અજ્ઞાનીની વાણી
સમ્યગ્દર્શનનું નિમિત્ત થતી નથી, કેમકે તે જીવ પોતે સમ્યક્ત્વરૂપે પરિણમ્યો નથી. જ્ઞાનીને તો પોતાને
દર્શનમોહના ક્ષયાદિક થયા છે તેથી તે સામા જીવને સમ્યક્ત્વ પરિણામમાં નિમિત્ત થઈ શકે છે. એ રીતે
સમ્યગ્દર્શનપરિણામમાં બાહ્ય નિમિત્ત વીતરાગની વાણી અને અંતરંગ–નિમિત્ત જેમને દર્શનમોહનો અભાવ થયો
છે એવા જિનસૂત્રના જ્ઞાતા પુરુષો છે.
જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક છે. પરમ શુદ્ધ આત્મતત્ત્વની શ્રદ્ધા અને જ્ઞાન થતાં જ્યાં સ્વ–
પરપ્રકાશક જ્ઞાનસામર્થ્ય ખીલ્યું ત્યાં તે જ્ઞાન એમ જાણે છે કે જીવને સમ્યક્ત્વપરિણમનમાં સામે નિમિત્ત તરીકે
પણ સમ્યગ્દ્રષ્ટિ જ હોય. જો કે સમ્યક્ત્વપરિણામ પ્રગટ કરનાર જીવને તો જિનસૂત્ર તેમ જ જ્ઞાની એ બંને
નિમિત્તો પોતાથી બાહ્ય જ છે, પણ નિમિત્ત તરીકે તેમાં બાહ્ય અને અંતરંગ એવા બે ભેદ છે. જ્ઞાનીનો આત્મા
અંતરંગનિમિત્ત છે અને જ્ઞાનીની વાણી તે બાહ્યનિમિત્ત છે. એકવાર સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ જ્ઞાની મળ્‌યા વગર
શાસ્ત્રના કથનનો આશય શું છે તે સમજાય નહિ. શાસ્ત્ર પોતે કાંઈ પોતાના આશયને સમજાવતું નથી, માટે તે
બાહ્યનિમિત્ત છે. શાસ્ત્રનો આશય તો જ્ઞાનીના જ્ઞાનમાં છે. જેઓ સમ્યગ્દ્રષ્ટિ છે તેમને અંતરંગમાં દર્શનમોહનો
ક્ષય વગેરે છે તેથી તે જ અંતરંગનિમિત્ત છે.
જે પાત્ર જીવમાં સ્વભાવનું અવલંબન લેવાની યોગ્યતા થઈ છે...શુદ્ધ કારણપરમાત્માનું અવલંબન લઈને
સમ્યક્ત્વ પ્રગટ કરવાની તૈયારી થઈ છે....તેવા જીવને સામે અંતરંગનિમિત્ત તરીકે પણ જેને દર્શનમોહના
ક્ષયાદિક થયા હોય તેવા જિનસૂત્રના જ્ઞાયક પુરુષો જ હોય છે, અને બાહ્યનિમિત્ત તરીકે જિનસૂત્ર હોય છે. આમાં
દેશનાલબ્ધિનો એ નિયમ આવી જાય છે કે પ્રથમ જ્ઞાની પુરુષની દેશના જ નિમિત્ત તરીકે હોય; એકલા શાસ્ત્ર કે
ગમે તેવા પુરુષની વાણી દેશનાલબ્ધિમાં નિમિત્ત ન થાય. દેશનાલબ્ધિ માટે એકવાર તો ચૈતન્યમૂર્તિ જ્ઞાની
સાક્ષાત્ મળવા જોઈએ.
આ નિયમસાર શાસ્ત્ર ઘણું અલૌકિક છે, અને તેની ટીકામાં પણ ઘણા અદ્ભુત ભાવો ખુલ્લા કર્યાં છે.
આ શુદ્ધભાવઅધિકારની છેલ્લી પાંચ ગાથાઓમાં રત્નત્રયનું સ્વરૂપ બતાવ્યું છે. પોતાનો સ્વભાવ
અનંતચૈતન્યશક્તિસંપન્ન ભગવાન કારણપરમાત્મા છે, તેના આશ્રયે જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે તે મુક્તિનું
કારણ છે. અંતરંગ શુદ્ધકારણતત્ત્વ એવો મારો આત્મા જ મારે