Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ પપઃ
ઉપાદેય છે–એવી નિર્વિકલ્પ શ્રદ્ધા–તે નિશ્ચયસમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ જિનસૂત્ર
છે. વીતરાગ–સર્વજ્ઞદેવના મુખકમળમાંથી નીકળેલી અને સમસ્ત પદાર્થોનું સ્વરૂપ કહેવામાં સમર્થ એવી વાણી તે
સમ્યક્ત્વપરિણામનું બાહ્ય નિમિત્ત છે.–પણ તે વાણી કોની પાસેથી સાંભળેલી હોવી જોઈએ?–જ્ઞાની પાસેથી જ
તે વાણી સાંભળેલી હોવી જોઈએ, તે બતાવવા માટે અહીં અંતરંગનિમિત્તની ખાસ વાત મૂકી છે કે જે મુમુક્ષુઓ
છે એવા ધર્મી જીવો પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુ હોવાને લીધે સમ્યક્ત્વના અંતરંગનિમિત્ત છે, કેમ કે
તેમને દર્શનમોહના ક્ષયાદિક છે. શાસ્ત્ર કરતાં ધર્મી જીવનો આત્મા મુખ્ય નિમિત્ત છે તે બતાવવા માટે અહીં તેમને
અંતરંગહેતુ કહ્યા છે. સમ્યગ્દર્શનમાં ધર્મી જીવની વાણી તે બાહ્યનિમિત્તકારણ છે, અને સમ્યગ્દર્શનાદિરૂપે
પરિણમેલો તેમનો આત્મા તે અંતરંગનિમિત્તકારણ છે.
શુદ્ધ આત્મસ્વભાવની રુચિથી અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને એકલી વીતરાગની વાણી જ
નિમિત્ત નથી હોતી, પરંતુ સમ્યગ્દર્શન–જ્ઞાનાદિરૂપે પરિણમેલા ધર્મી જીવ પણ નિમિત્તરૂપે હોય જ છે; તેથી
નિમિત્ત તરીક તે અંતરંગહેતુ છે. પણ આ આત્માની અપેક્ષાએ તો તે પણ બાહ્યકારણ જ છે. વાણી કરતાં આત્મા
ઉપર વધારે વજન આપવા માટે જ તેને અંતરંગહેતુ કહ્યા છે. સમ્યક્ત્વનું ખરું (પરમાર્થ) અંતરંગકારણ તો
પોતાનો શુદ્ધ કારણપરમાત્મા જ છે. તેની અપેક્ષાએ તો જ્ઞાની તેમ જ વાણી એ બંને બાહ્ય હેતુઓ છે.
સમ્યક્ત્વના પરમાર્થકારણનું તો પૂર્વે ખૂબ વર્ણન કર્યું, અત્યારે તો તેના નિમિત્તની વાત ચાલે છે; નિમિત્તમાં
અંતરંગ અને બાહ્ય એવા બે પ્રકાર કહીને અહીં જ્ઞાનીના આત્માને મુખ્યહેતુ તરીકે બતાવ્યો છે.
અહીં અંતરંગહેતુઓ તરીકે ‘મુમુક્ષુઓ’ લીધા છે. કેમ કે અત્યારે કહેનાર તરીકે સાક્ષાત્ કેવળી ભગવાન
અહીં નથી; વીતરાગની વાણી અત્યારે તો મુમુક્ષુઓ એટલે કે ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાને વર્તતા ધર્માત્માઓ
પાસેથી મળે છે, તેથી ઉપચારથી તે મુમુક્ષુઓને અંતરંગહેતુઓ કહ્યા છે. તે મુમુક્ષુઓને પોતાને અંતરમાં
દર્શનમોહના ક્ષય વગેરે વર્તે છે તેથી તે સમ્યક્ત્વના અંતરંગહેતુ છે. જેને દર્શનમોહ ટળ્‌યો ન હોય એવો
મિથ્યાદ્રષ્ટિ જીવ સમ્યક્ત્વનું નિમિત્ત થાય નહિ.
સામા જ્ઞાની પણ આ આત્માથી બાહ્ય છે તેથી તે ઉપચારથી હેતુ છે; અને વાણી કરતાં તેમના આત્માનો
અભિપ્રાય તે મુખ્ય નિમિત્ત છે એમ બતાવવા તેને ઉપચારથી અંતરંગહેતુ કહ્યા છે. ધર્મી જીવનો અંર્તઅભિપ્રાય
શું છે તે સમજીને પોતે પોતામાં તેવો અભિપ્રાય પ્રગટ કરીને સમ્યગ્દર્શન પામે તેમાં જ્ઞાની અંતરંગનિમિત્તકારણ
છે. અને વાણી તે બાહ્ય કારણ છે. આ બંને કારણ વ્યવહારથી જ છે. નિશ્ચયકારણ તો પોતાનો શુદ્ધ
કારણપરમાત્મા જ છે. તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે નિમિત્ત કેવું હોય તે અહીં ઓળખાવ્યું છે.
કોઈ જીવ સમ્યક્ત્વમાં માત્ર બાહ્યનિમિત્તને (શાસ્ત્રને) જ સ્વીકારે ને અંતરંગનિમિત્ત તરીકે જ્ઞાનીને ન
સ્વીકારે તો તેણે ખરેખર સમ્યક્ત્વને જ જાણ્યું નથી. સમ્યક્ત્વપણે પરિણમીને જેમણે દર્શનમોહના ક્ષયાદિક કર્યા
છે એવા સમ્યગ્દ્રષ્ટિને જ સમ્યક્ત્વના નિમિત્ત તરીકે ન સ્વીકારતાં, જે જીવ એકલા શાસ્ત્રથી કે કોઈ પણ
મિથ્યાદ્રષ્ટિના નિમિત્તથી પણ સમ્યગ્દર્શન થઈ જવાનું માને તેને તો સમ્યક્ત્વના સાચા નિમિત્તનું પણ ભાન
નથી. આ ગાથામાં સમ્યક્ત્વના અંતરંગ તેમ જ બાહ્ય બંને નિમિત્તોનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે.
જયવંત વર્તો! તે પરમ કલ્યાણકારી સમ્યક્ત્વ,
અને તેના અંતર–બાહ્ય નિમિત્તો!
*
– સુધારો –
‘આત્મધર્મ’ અંક ૯૮ પૃ. ૩૩ કોલમ ૨ લાઈન ૧ માં “આત્માના
અસ્તિત્વમાં જ્ઞાનની નાસ્તિ છે” એમ છપાયું છે તેને બદલે “શાસ્ત્રના
અસ્તિત્વમાં જ્ઞાનની નાસ્તિ છે” એ પ્રમાણે સુધારીને વાંચવું.
*