Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૯ઃ
થઈ ગયો નથી. સ્વભાવ તો ત્રિકાળ અનંત શક્તિનો પિંડ એવો ને એવો છે. તે ત્રિકાળ સ્વભાવની પ્રતીતિ
કરતાં પરિણમનમાં સ્વરૂપનો લાભ થાય છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ એવા ને એવા છે જ, પણ તેનો સ્વીકાર
કરતાં જ પર્યાયમાં તેનો લાભ થાય છે એટલે કે નિર્મળ પરિણમન થાય છે. તે પરિણમનમાં અનંતી શક્તિઓ
એક સાથે પરિણમે છે તેનું આ વર્ણન ચાલે છે. જીવત્વશક્તિ અને ચિતિશક્તિનું વર્ણન કર્યું. હવે ત્રીજી
દશિશક્તિનું વર્ણન કરે છેઃ
અનાકાર ઉપયોગમયી દશિશક્તિ છે. આત્મા પોતે જ અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર
ભાવરૂપે હોવાથી તે જ્ઞાનમાત્ર છે; તે જ્ઞાનમાત્ર ભાવની અંદર આવી દશિશક્તિ પણ ભેગી જ છે.
જ્ઞાનમાત્રભાવમાં એક સમયમાં અનંતી શક્તિઓ ભેગી છે, આગળ–પાછળ નથી.
આ દશિશક્તિ અનાકાર ઉપયોગમય છે એટલે તેમાં પદાર્થોના વિશેષ ભેદ નથી પડતા; વિશેષ ભેદ
પાડયા વગર પદાર્થોની સામાન્યસત્તાને જ દર્શનઉપયોગ દેખે છે. આવી દર્શનક્રિયારૂપ આત્માની શક્તિ તેનું નામ
દશિશક્તિ છે.
‘આ જીવ છે, આ અજીવ છે’ એમ ભેદ પાડીને લક્ષમાં લીધું તે તો જ્ઞાન છે; સ્વ–પર, જીવ–અજીવ,
સિદ્ધ–નિગોદ એવા ભેદને લક્ષમાં ન લેતાં સામાન્યપણે ‘બધુંય સત્ છે’ એમ સત્તામાત્રને દેખવું તે દર્શન છે.
આત્મા અને બધા પદાર્થો સામાન્યપણે ધુ્રવરૂપે રહે છે ને વિશેષ અંશપણે બદલે છે. તેમાં સામાન્ય–
વિશેષ એવો ભેદ પાડયા વગર સત્તામાત્ર બધા પદાર્થોને દર્શન દેખે છે. અહીં ‘આકાર’ નો અર્થ વિશેષો અથવા
ભેદો છે. પદાર્થોના વિશેષો અથવા ભેદોને લક્ષમાં ન લેતાં, તેમની સામાન્ય સત્તામાત્રનું અવલોકન કરે છે તેથી
દર્શન–ઉપયોગ અનાકાર છે. ‘આ અનાકાર ઉપયોગ છે’ એમ જેણે લક્ષમાં લીધું તે તો જ્ઞાન છે. સ્વ અને પર,
સામાન્ય અને વિશેષ બધું સત્ છે, તે સત્માત્રને દર્શન ઉપયોગ દેખે છે. ‘બધું સત્ છે’ એટલે ‘સત્’ અપેક્ષાએ
પદાર્થોમાં જીવ–અજીવ ઇત્યાદિ ભેદ પડતા નથી. આનો અર્થ એમ ન સમજવો કે દર્શનઉપયોગ જીવ–અજીવ
બધાને એકમેકપણે દેખે છે. પદાર્થોની જેવી ભિન્ન ભિન્ન સત્તા છે તેવી જ દર્શનઉપયોગ દેખે છે; પરંતુ તે સત્તામાત્ર
જ દેખે છે એટલે કે ‘આ સત્ છે’ એટલું જ તે લક્ષમાં લ્યે છે; સત્માં ‘આ જીવ છે ને આ અજીવ છે, આ હેય છે
ને આ ઉપાદેય છે’ એવા વિશેષ ભેદ પાડીને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે. દર્શનને, જ્ઞાનને, આનંદને, બધા દ્રવ્ય–
ગુણ–પર્યાયને અને ત્રણલોકના સમસ્ત પદાર્થોને વિકલ્પ વગર દર્શનશક્તિ દેખે છે, પણ તેમાં ‘આ જીવ છે, આ
જ્ઞાન છે’ એવા કોઈ ભેદ તે નથી પાડતી. ‘આ જીવ છે, આ અજીવ છે, આ સ્વ છે, આ પર છે’ એમ બધા
પદાર્થોને ભિન્ન ભિન્નપણે રાગ વગર જ્ઞાન જાણે છે. છદ્મસ્થને જ્ઞાન પહેલાં દર્શનઉપયોગ હોય છે, ને સર્વજ્ઞને
જ્ઞાનની સાથે જ દર્શનઉપયોગ હોય છે. છદ્મસ્થને પણ જ્ઞાન અને દર્શન બંનેનું પરિણમન તો એક સાથે જ છે,
પરિણમનમાં કાંઈ એવો ક્રમ નથી કે પહેલાં દર્શનશક્તિ પરિણમે અને પછી જ્ઞાનશક્તિ પરિણમે. શક્તિ તો બધી
એક સાથે જ પરિણમે છે, માત્ર ઉપયોગરૂપ વેપારમાં તેને ક્રમ પડે છે.
અનાકાર ઉપયોગરૂપ દશિશક્તિનું પરિણમન પણ જ્ઞાનની સાથે જ છે. છદ્મસ્થને પણ જ્ઞાન અને દર્શનના
પરિણમનમાં ક્રમ નથી. જ્ઞાનની સાથે જ દર્શનશક્તિ પણ ભેગી પરિણમે જ છે; બધી શક્તિઓ ભેગી જ પરિણમે
છે–એમ અહીં બતાવવું છે. આત્મસ્વભાવના લક્ષે જે જ્ઞાનમાત્રભાવ પરિણમ્યો તે જ્ઞાનમાત્રભાવમાં રાગાદિ
વિકાર ઊછળતા નથી પણ દર્શન વગેરે અનંતી શક્તિઓ ઊછળે છે. કેવળી ભગવાનને પહેલાં દર્શન અને પછી
જ્ઞાન થાય–એ માન્યતા તો મિથ્યા છે; પરંતુ છદ્મસ્થનેય પહેલાં દર્શન પરિણમે અને પછી જ્ઞાન પરિણમે એ વાત
કાઢી નાખી છે. જ્ઞાનમાત્રભાવમાં આત્માની બધી શક્તિઓ એક સાથે ઊછળી રહી છે એટલે જ્ઞાન અને દર્શનના
પરિણમનમાં સમયભેદ નથી.
અહો! આચાર્યદેવે નિમિત્તની કે વિકારની તો વાત કાઢી નાખી, ને અંદરના ગુણગુણીભેદના વિકલ્પને
પણ કાઢી નાખીને અનંતશક્તિથી અભેદ દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે. કોઈ નિમિત્તના કે વિકારના આશ્રયે તો
આત્માના જ્ઞાન–દર્શન વગેરે ખીલતાં નથી, ને અંદર ગુણ–ગુણી–ભેદના વિકલ્પના આશ્રયે પણ જ્ઞાન–દર્શન
વગેરે ખીલતા નથી; અભેદ આત્માની આશ્રયે જ બધી શક્તિઓનું પરિણમન ખીલી જાય છે.