Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ ૪૯ઃ
રીતે ચિતિશક્તિથી જીવત્વ ઓળખાય છે અને જીવત્વથી આખું દ્રવ્ય લક્ષમાં આવે છે. બધી શક્તિઓના પિંડરૂપ
દ્રવ્યને ઓળખવાનું લક્ષણ ‘જ્ઞાન’ છે, તે જ્ઞાનમાત્રભાવમાં આ બધી શક્તિઓ ભેગી જ પરિણમે છે.
આત્મદ્રવ્યમાં અનંત શક્તિઓ છે. જો એક જ શક્તિ હોય તો તો તે શક્તિ પોતે જ દ્રવ્ય થઈ જાય, એટલે
શક્તિનો અભાવ થાય, અને શક્તિનો અભાવ થતાં દ્રવ્યનો પણ અભાવ થાય. અનંત શક્તિના સ્વીકાર વગર
દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ શકતું નથી.
આત્માની ચિતિશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે એટલે કે દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેય ચૈતન્યસ્વરૂપ
છે. ચિતિશક્તિ વગર ‘જીવનશક્તિ જીવની છે’–એમ કઈ રીતે ઓળખાય? જો આત્મામાં ચિતિશક્તિ ન હોય તો
આત્મા જડ થઈ જાય ને જીવનશક્તિ પણ જડની થઈ જાય. માટે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં આવી ચિતિશક્તિ
પણ ભેગી આવી જ જાય છે.
અનંતી શક્તિ બતાવીને અહીં આત્માનો મહિમા બતાવ્યો છે. ચૈતન્યમૂર્તિ જાગૃતજ્યોત આત્માની સામે
જોવા માટે આ શક્તિઓનું વર્ણન છે. જેમ લોકો કરિયાવર પાથરે છે તેમાં ખરેખર તો જીવતી કન્યાની જાહેરાત
થાય છે કે ‘આ કરિયાવર આ બાઈનો છે.’ પણ જો તે કન્યા જ મરી ગઈ હોય તો કરિયાવર કોનો? તેમ અહીં
શક્તિઓનું વર્ણન છે તે બધો જીવનો કરિયાવર છે, જીવની ઋદ્ધિ છે, તે જીવની જાહેરાત કરે છે. આ શક્તિઓ
વડે તે શક્તિને ધારણ કરનાર એવા જીવને જો ન ઓળખે અને જડઋદ્ધિવાળો કે રાગવાળો જ જીવને માને તો તે
જીવે ચૈતન્યમય જીવને મરી ગયેલો માન્યો છે. એટલે કે તેને શુદ્ધ અનંતશક્તિસંપન્ન જીવની શ્રદ્ધા નથી.
જીવત્વશક્તિ, ચિતિશક્તિ વગેરે શક્તિઓ છે તે તો જીવતાજાગતા જીવની જાહેરાત કરે છે. જીવ વગર શક્તિઓ
કોની? શુદ્ધ જીવની પ્રતીત વગર આ શક્તિઓની ઓળખાણ થાય નહિ.
પૂર્વે જીવત્વશક્તિમાં કહ્યા હતા તે પાંચ બોલ અહીં પણ લાગુ પાડવા કે આ ચિતિશક્તિ કોઈ પરના,
વિકારના, પર્યાયના કે એકેક શક્તિના આશ્રયે નથી માટે તે કોઈની સામે જોવાથી આ શક્તિની યથાર્થ કબૂલાત
થતી નથી, પણ અનંતધર્મના પિંડરૂપ આત્માના આશ્રયે જ આ શક્તિ રહેલી છે તેથી તેની સામે જોઈને જ આ
શક્તિની યથાર્થ કબૂલાત થઈ શકે છે.
અનંત અનંત શક્તિઓનાં પિંડરૂપ ચૈતન્યતત્ત્વ છે, તે કોઈ નિમિત્તથી કે રાગથી ઓળખાતું નથી પણ
ચૈતન્યપ્રકાશથી ઓળખાય છે. રાગ તો આંધળો છે, તેનામાં ચિતિશક્તિ નથી, આત્મા પોતાની ચિતિશક્તિવડે
સદા જાગતો–સ્વપરપ્રકાશક છે.
જુઓ! આત્માની અનંતશક્તિઓમાં કયાંય પણ બહારની ક્રિયા કે વ્યવહારનો શુભરાગ આવતા નથી;
આત્માની અનંતી શક્તિમાં કયાંય તેની તો કિંમત જ કરતા નથી. અજ્ઞાની કહે છે કે ‘જુઓ, અમારી ક્રિયા!
અને જુઓ, અમારો વ્યવહાર!–તે કરતાં કરતાં કેટલો ધર્મ થાય?’ જ્ઞાની તેના વ્યવહારનો ઉપહાસ કરે છે કે
અરે! હાલ રે હાલ, જોઈ તારી ક્રિયા, અને જોયો તારો વ્યવહાર! આત્માના સ્વરૂપમાં તેનું અસ્તિત્વ જ કોણ
ગણે છે? તેં માનેલી શરીરની ક્રિયા તો જડ છે, તેનો આત્મામાં તદ્ન અભાવ છે અને ક્ષણિક રાગરૂપ વ્યવહારની
લાગણી તે પણ ચૈતન્યનો સ્વભાવ નથી; એ રીતે તારી માનેલી ક્રિયાનું અને વ્યવહારનું અસ્તિત્વ જ
આત્મસ્વભાવમાં નથી, તો પછી તેનાથી આત્માનો ધર્મ થવાની વાત જ કયાં રહી?
અહીં તો આત્મામાં ત્રિકાળ રહેનારી આત્માની શક્તિઓનું વર્ણન છે; તેમાં એકેક શક્તિ સામે જોવાથી
પણ ધર્મ થતો નથી તો પછી શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ થાય એ વાત કેવી? બધી શક્તિઓ આત્માના
આશ્રયે રહેલી છે, તે આત્માના આશ્રયે જ ધર્મ થાય છે.
આ જીવત્વશક્તિ, ચિતિશક્તિ વગેરે બધી શક્તિઓ આત્મામાં ભાવસ્વરૂપ છે, તે બધી શક્તિઓનો
એકરૂપ પિંડ તે આત્મદ્રવ્ય છે. ચિતિશક્તિ ચેતનદ્રવ્યને ઓળખાવનારી છે, પણ રાગાદિને કરનારી નથી. રાગમાં
ચેતનપણું નથી, એટલે ચિતિશક્તિ તો આત્મામાં રાગનો અભાવ બતાવે છે. આત્મા અજડત્વસ્વરૂપ છે એટલે કે
પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે–એમ કહ્યું તેમાં પરનો, વિકારનો અને અલ્પજ્ઞતાનો આત્માના સ્વભાવમાંથી નિષેધ
થઈ જ ગયો.–આત્માની અનંત શક્તિમાં આવી એક ચિતિશક્તિ છે. આત્માને ઓળખીને તેના આશ્રયે
જ્ઞાનમાત્રભાવનું પરિણમન થતાં આ શક્તિ પણ તેમાં ભેગી જ પરિણમે છે. અખંડ આત્માના આશ્રયે તેની બધી
શક્તિઓ એક સાથે જ પરિણમે છે. તેમાંથી બીજી ચિતિશક્તિનું વર્ણન પૂરું થયું *