ઃ ૭૪ઃ આત્મધર્મઃ ૧૦૦
શ્રી સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં આવી જતા –
વ્યવહારનયના ચાર પ્રકારો અને
નિશ્ચયના આશ્રયે તેમનો નિષેધ
પંચાધ્યાયીમાં ગા. પ૨પ થી પપ૧માં વ્યવહારનયના ચાર પ્રકારોનું વર્ણન કર્યું છે, તેનું મૂળ સમયસારની
છઠ્ઠી–સાતમી ગાથામાં રહેલું છે. સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાંથી એ ચારે પ્રકારના વ્યવહાર નીકળે છે અને
‘જ્ઞાયકભાવ’ બતાવીને તે ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કરાવ્યો છે.
વ્યવહારનયના ચાર પ્રકારો આ પ્રમાણે છે–
(૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહાર
(૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહાર
(૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહારઃ વ્યક્ત રાગ એટલે કે બુદ્ધિપૂર્વકનો રાગ તે જીવનો છે એમ જાણવું
તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.
(૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહારઃ અવ્યક્ત રાગ એટલે કે અબુદ્ધિપૂર્વકનો રાગ તે જીવનો છે
એમ જાણવું તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.–આ બંને વ્યવહારોને ‘અસદ્ભૂત’ કહીને રાગથી જીવને
જુદો ઓળખાવ્યો છે. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં ‘णवि होदि अप्पमत्तो ण पमत्तो’ એટલે કે જે જ્ઞાયકભાવ
છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી–એમ કહ્યું છે તેમાં ઉપરના બંને પ્રકારના વ્યવહારનો નિષેધ
આવી જાય છે.
(૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહારઃ જ્ઞાન પરને જાણે છે એમ કહેવું, અથવા તો જ્ઞાનમાં રાગ જણાતાં
‘રાગનું જ્ઞાન છે’ એમ કહેવું, તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે.
–છઠ્ઠી ગાથામાં ‘णाओ जो सो उ सो चेव’ એટલે કે જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે–એમ કહ્યું
છે તેમાં આ ત્રીજા પ્રકારના વ્યવહારનો નિષેધ આવી જાય છે.
(૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહારઃ ‘જ્ઞાન તે આત્મા’ ઇત્યાદિ ગુણ–ગુણી ભેદ પાડવા તે
અનુપચરિત સદ્ભૂત વ્યવહાર છે.
–સાતમી ગાથામાં ‘णवि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो’ એટલે કે જ્ઞાયક આત્માને
નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી, તે તો શુદ્ધ જ્ઞાયક જ છે–એમ કહ્યું છે તેમાં
ગુણગુણી ભેદરૂપ અનુપચરિત સદ્ભૂતવ્યવહારનો પણ નિષેધ આવી જાય છે.
(પ) ‘જ્ઞાયકભાવ’ તે નિશ્ચય છે.
એ રીતે સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં નિશ્ચય ‘જ્ઞાયકભાવ’ ના આશ્રયે ઉપરના ચારે પ્રકારના
વ્યવહારનો નિષેધ થઈ જાય છે.
અહીં, પરનું આત્મા કાંઈ કરે એવો પર સાથેના સંબંધવાળો વ્યવહાર તો લીધો નથી તેથી તેના
નિષેધની પણ વાત કરી નથી. અહીં તો આત્માની પર્યાયમાં થતા વ્યવહારની જ વાત લીધી છે અને તેનો જ
નિષેધ કર્યો છે.
અહીં જે પાંચ પ્રકારો કહ્યા છે તેમાં પહેલો–પહેલો પ્રકાર બીજા–બીજા પ્રકારનો સાધક છે અને બીજો–
બીજો પ્રકાર પહેલા–પહેલા પ્રકારને સાધ્ય છે.
આ વિષય ઉપરના વિસ્તૃત પ્રવચનો અહીં સામે પાને આપવામાં આવ્યા છે.
*