Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
ઃ ૧૦૦ઃ આત્મધર્મઃ ૧૦૧
કરજે એમ આચાર્યદેવ કહે છે.
ધર્મકથા કે વિકથા માત્ર શબ્દોમાં નથી પણ ભાવ ઉપર તેનો આધાર છે. લડાઈનું કે શરીરના રૂપ વગેરેનું
વર્ણન આવે ત્યાં તે સાંભળનાર જો પોતાના વૈરાગ્યભાવને પોષતો હોય તો તેને માટે તે વૈરાગ્ય કથા છે, અને તે
જ શબ્દો સાંભળીને જે જીવ પોતાના વિષય–કષાયના ભાવને પોષતો હોય તો તેને માટે તે વિકથા છે. તેમ અહીં
જે જીવ શુદ્ધાત્માની રુચિ કરે તેણે જ શુદ્ધ આત્માની વાત શ્રવણ કરી કહેવાય, શુદ્ધાત્માના શબ્દો કાને પડવા છતાં
જો વિકારની રુચિ ન છોડે તો તેણે શુદ્ધાત્માની વાત સાંભળી નથી. એટલે નિમિત્ત ઉપર કાંઈ વજન ન રહ્યું પણ
પોતાના ઉપાદાનમાં રુચિના ભાવ ઉપર વજન આવ્યું.
જેમ કોઈ પિતા પોતાના પુત્રને કહે કે બજારમાંથી સાકર લઈ આવ! તેનો પુત્ર સાકરને બદલે જો અફીણ
લઈ આવે તો તેણે તેના બાપની વાત સાંભળી ન કહેવાય. તેમ સર્વજ્ઞભગવાન અને સંતો શુદ્ધઆત્માનું સ્વરૂપ
બતાવીને તેનો અનુભવ કરવાનું કહે છે. જે જીવ શુદ્ધઆત્માનો તો અનુભવ ન કરે ને વિકારની રુચિ કરીને તેનો
જ અનુભવ કરે તો તે જીવે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી.
ભગવાનની દિવ્ય વાણીમાં તો એક સાથે નિશ્ચય, વ્યવહાર વગેરે બધું વર્ણન આવે છે. તે સાંભળતાં
‘વ્યવહાર છે ને! રાગ છે ને! નિમિત્ત છે ને!’ એમ જે જીવ વ્યવહાર ઉપર જોર દે છે, પણ ‘આત્માનો સ્વભાવ
શુદ્ધ જ્ઞાયક છે’ એમ શુદ્ધાત્માના અસ્તિત્વ ઉપર જોર નથી દેતો–એટલે કે પોતાની રુચિને શુદ્ધાત્મા તરફ નથી
વાળતો–તે જીવે ભગવાનની વાણી સાંભળી નથી; કેમ કે ભગવાનની વાણી સાંભળ્‌યા પહેલાં તેનો જેવો ભાવ
હતો તેવા જ ભાવને ભગવાનની વાણી સાંભળ્‌યા પછી પણ તે સેવી રહ્યો છે. જેટલા જીવો શુદ્ધ આત્માની રુચિ
તરફ નથી વળતા ને અશુદ્ધ આત્માની (–વ્યવહારની, રાગની, નિમિત્તની, પરાશ્રયની) રુચિ કરે છે તે બધાય
જીવોએ કામ–ભોગ બંધનની જ કથા સાંભળી છે પણ શુદ્ધ આત્માની વાત સાંભળી નથી. જેવું કાર્ય તે જીવો કરે
છે તેવું જ કાર્ય નિત્ય નિગોદના જીવો પણ કરી જ રહ્યા છે. અનાદિથી વાણી નહોતી સાંભળી ત્યારે જે દશા હતી
તેમાં વાણી સાંભળ્‌યા પછી કાંઈ ફેર ન પડયો ને તેવી જ દશા રહી, તો તેણે આત્મસ્વભાવની વાત સાંભળી–એમ
જ્ઞાની સ્વીકારતા નથી.
જો આત્માના શુદ્ધ સ્વભાવની વાત પ્રીતિપૂર્વક એક વાર પણ સાંભળે તો અલ્પકાળમાં જ તેની મુક્તિ
થયા વિના રહે નહી.ં
***
જીવે પોતાના એકત્વસ્વભાવનું કદી સાચા નિમિત્ત પાસે શ્રવણ કર્યું નથી, સાચા લક્ષપૂર્વક તેનો પરિચય
કર્યો નથી અને વિકલ્પ તોડીને અનુભવ કર્યો નથી. અહીં તો એવા જ શ્રવણને ‘શ્રવણ’ તરીકે લીધું છે કે જે
શ્રવણના ફળમાં યથાર્થ આત્મસ્વરૂપનો પરિચય અને અનુભવ પણ હોય; પરિચય અને અનુભવ વગરનું શ્રવણ
તે ખરેખર શ્રવણ નથી.
સમયસારનું શ્રવણ કરનાર શિષ્ય પણ એવો સુપાત્ર છે કે સમયસારમાં બતાવેલું આત્માનું એકત્વસ્વરૂપ
સાંભળવામાં તેને ઉત્સાહ આવે છે ને તેમાં તેને અપૂર્વતા ભાસે છે. વર્તમાન જે ભાવે હું શ્રવણ કરું છું એવા ભાવે
મેં પૂર્વે કદી સાંભળ્‌યું જ નથી–આમ પોતાના ભાવમાં અપૂર્વતા લાવીને તે સાંભળે છે, તેથી નિમિત્તમાં પણ
અપૂર્વતાનો જ આરોપ આવે છે. પૂર્વે જે શુદ્ધ આત્માનું શ્રવણ–પરિચય ને અનુભવ નહોતો કર્યો તે હવે અપૂર્વ
રુચિ પ્રગટ કરીને આત્માનું શ્રવણ–મંથન ને સ્વાનુભવ કરવા તૈયાર થયો છે.
અહીં આચાર્યદેવ પૂર્વના શ્રવણને નિમિત્ત તરીકે સ્વીકારતા નથી. કેમકે તે વખતે જીવમાં નૈમિત્તિકભાવ
ન હતો; એકત્વસ્વભાવના નૈમિત્તિકભાવ વગર નિમિત્ત કોનું? ‘શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી’
એમ કહીને શ્રી આચાર્યદેવ એકત્વસ્વભાવના શ્રવણને ‘અપૂર્વ’ તરીકે સ્વીકારે છે; નિમિત્તની અપૂર્વતા છે તે
એમ પ્રસિદ્ધ કરે છે કે અહીં નૈમિત્તિકભાવમાં પણ અપૂર્વતાની શરૂઆત પ્રગટી છે. જો ઉપાદાનમાં અપૂર્વતા શરૂ ન
થઈ હોય તો નિમિત્તની અપૂર્વતાને સ્વીકારશે કોણ? નિમિત્ત–નૈમિત્તિક બંનેના મેળપૂર્વક એકત્વ–સ્વભાવનું
શ્રવણ પૂર્વે કદી કર્યું નથી. નિમિત્ત–નૈમિત્તિકભાવના મેળવાળું શ્રવણ તે અપૂર્વ છે; તેમાં જીવનો નૈમિત્તિકભાવ
પણ અપૂર્વ છે, અને તે અપૂર્વ ભાવનું નિમિત્ત હોવાથી તે નિમિત્ત પણ અપૂર્વ છે.
પૂ. ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ગા. ૪ ઉપરના પ્રવચનમાંથી (૨૪૭૬ પ્ર. અષાડ વદ ૧૪)