Atmadharma magazine - Ank 106
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૨૦૪ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
* અતીન્દ્રિય જ્ઞાન *



આત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાનની પૂર્ણદશા થાય તે જ આદરણીય છે. જ્ઞાનનો સ્વભાવ પરના
અવલંબને જાણવાનો નથી પણ સ્વત: પોતાથી જ જાણવાનો તેનો સ્વભાવ છે. જ્ઞાનની જે અવસ્થા સ્વભાવનું
અવલંબન છોડીને જડ ઈન્દ્રિયોના અવલંબને કાર્ય કરે તેને ‘ઈન્દ્રિયજ્ઞાન’ કહેવાય છે, તેની સાથે રાગની ઉત્પત્તિ
થાય છે. જે જ્ઞાન આત્મસ્વભાવના અવલંબને કાર્ય કરે તે જ્ઞાન અતીન્દ્રિય છે. અતીન્દ્રિયજ્ઞાનમાં રાગની ઉત્પત્તિ
થતી નથી કેમકે તેમાં કોઈ પર દ્રવ્યનું અવલંબન નથી. આવું અતીન્દ્રિય જ્ઞાન તે મારું સ્વરૂપ છે ને તે જ ઉપાદેય
છે–એવી પ્રતીત કરવી તે ધર્મની શરૂઆત છે.
જ્ઞાનસ્વભાવ તે સ્વ છે ને ઈન્દ્રિયો તે પર છે; માટે હે જીવ! ઈન્દ્રિયજન્ય જ્ઞાનને તારું સ્વરૂપ ન માન,
તારા જ્ઞાનને આત્મસ્વભાવસન્મુખ કરીને આત્મજન્ય–અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કર. ઈન્દ્રિયજનિત જ્ઞાનથી યથાર્થ
વસ્તુસ્વરૂપ દેખી શકાતું નથી, અતીન્દ્રિયજ્ઞાનથી જ યથાર્થ વસ્તુસ્વરૂપ દેખી શકાય છે; અને યથાર્થ વસ્તુસ્વરૂપ
દેખ્યા વગર જ્ઞાન સમ્યક્ થતું નથી; માટે જો તારે તારા જ્ઞાનને સમ્યક્ બનાવવું હોય તો તું જડ ઈન્દ્રિયોનું
અવલંબન છોડીને આત્મસ્વભાવના જ અવલંબને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કર.
ઈન્દ્રિયો આત્માથી પરદ્રવ્ય છે, તે ઈન્દ્રિયો તરફ વળેલા જ્ઞાનના આશ્રયે ધર્મ થતો નથી. ઈન્દ્રિયો મૂર્ત છે
અને તેને અવલંબીને થતું ઈન્દ્રિયજ્ઞાન મૂર્ત પદાર્થોને જ દેખે છે, તેથી તે જ્ઞાનને પણ મૂર્ત કહેવાય છે, અતીન્દ્રિય
ચૈતન્યસ્વભાવને તે જ્ઞાન દેખતું નથી. તે જ્ઞાન પરાશ્રિત અને રાગવાળું છે તેથી તે આદરણીય નથી, તેનાથી ધર્મ
થતો નથી. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને અવલંબીને જે જ્ઞાન થાય તે અતીન્દ્રિયજ્ઞાન રાગરહિત છે, તે
આદરણીય છે, તેનાથી ધર્મ થાય છે.
‘અહો! મારો અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવ જ મારે ઉપાદેય છે’ –એમ પોતાના અતીન્દ્રિયજ્ઞાનને જ ઉપાદેય
માનનાર ધર્મી જીવનું વલણ પર તરફથી ને રાગ તરફથી ખસીને સ્વભાવ તરફ વળી જાય છે, તે જીવ પરના
કર્તૃત્વનો અહંકાર તો કરતો નથી ને રાગનો પણ કર્તા થતો નથી; કેમકે અતીન્દ્રિયજ્ઞાનનું વલણ પર તરફ
હોતું નથી. સાધક દશામાં સ્વભાવના આશ્રયે અંશે અતીન્દ્રિયજ્ઞાન થયું છે, ત્યાં અસ્થિરતાના કારણે ઈન્દ્રિયો
તરફ વલણ જાય ને રાગ થાય તેને સાધક જીવ આદરણીય માનતા નથી. ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરીને તેના
આશ્રયે જે અતીન્દ્રિયજ્ઞાન ખીલે તે જ આદરણીય છે. – પર્યાયના આશ્રયે ને પરના આશ્રયે જે જ્ઞાન થાય
તેટલું જ પોતાનું સ્વરૂપ માને તો તે પર્યાયમૂઢ છે, તે જીવ પોતાના જ્ઞાનને અંર્તસ્વભાવ તરફ વાળીને તેની
પ્રતીત કરતો નથી. જ્ઞાન તો આત્માનું છે, આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વભાવને આશ્રયે જ્ઞાનપર્યાય પ્રગટે છે,
તે સ્વભાવની શ્રદ્ધા કરીને તેનો આશ્રય કરવો તે ધર્મ છે. આવા સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે ધર્મની
પહેલી ભૂમિકા છે.
અજ્ઞાનીને એમ લાગે છે કે મારું જ્ઞાન ઈન્દ્રિયોથી થાય છે. પણ જ્ઞાની કહે છે કે અરે ભાઈ! તું ચૈતન્ય ને
ઈન્દ્રિયો જડ, તું અમૂર્તિક અને ઈન્દ્રિયો મૂર્ત, –તો તારું જ્ઞાન ઈન્દ્રિયોમાંથી કેમ આવે? વળી આત્મા ઈન્દ્રિયો દ્વારા
પણ જાણતો નથી; કેમકે ઈન્દ્રિયોમાં વચ્ચે કાંઈ એવા કાણાં નથી કે તેમાંથી આત્મા દેખે! ઈન્દ્રિયોથી મારું જ્ઞાન
થાય એમ જે માને છે તેને આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી, પણ જડ ઈન્દ્રિયો સાથે તેને એકત્વબુદ્ધિ છે. તે
એકત્વબુદ્ધિનું અજ્ઞાન છોડાવવા આચાર્યદેવ કહે છે કે હે જીવ! આત્મા પોતે જ્ઞાનસ્વભાવી છે, તેના જ્ઞાનને કોઈ
પણ પર દ્રવ્યનું અવલંબન નથી, ઈન્દ્રિયોનું પણ અવલંબન નથી; પરના અવલંબન વગર પોતાના સ્વભાવથી જ
જાણવાનો તેનો સ્વભાવ છે. –આવા જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ કરીને તેનો જ આદર કર! એમ કરવાથી તે
સ્વભાવના આશ્રયે અતીન્દ્રિય કેવળજ્ઞાનદશા પ્રગટી જશે.
–પ્રવચનમાંથી