Atmadharma magazine - Ank 106
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૩ :
જેમ નાટકમાં વેષ ભજવનાર કોઈ વાર રામ થાય ને કોઈ વાર રાવણ થાય, કોઈ વાર ભરથરીનો વેષ
ધરીને આવે ને કોઈ વાર પિંગલા થઈને આવે, –એમ અનેક વેષ ધારણ કરતો હોવા છતાં નટ તો તેનો તે જ છે.
તેમ આ સંસારરૂપી નાટકમાં જીવ કોઈ વાર રાજા, કોઈ વાર રંક, કોઈ વાર મુનષ્ય ને કોઈ વાર દેવ, કોઈ વાર
પુરુષ ને કોઈ વાર સ્ત્રી એમ જુદી જુદી ક્ષણિક પર્યાયોને ધારણ કરે છે છતાં પોતે જીવપણે નિત્ય અવસ્થિત છે;
આવો તેનો એક ધર્મ છે.
નાટકમાં રામ–રાવણાદિ જુદા જુદા ક્ષણિક સ્વાંગો ધરવા છતાં નટ પોતે નટ તરીકે કાયમ રહે છે, નટપણું
છોડીને તે કાંઈ પાડો કે સિંહ થઈ જતો નથી. તેમ આત્મા સ્વર્ગ નરક, રાજા અને મુનિપણું વગેરે નવી નવી
ક્ષણિક પર્યાયો ધારણ કરતો હોવા છતાં આત્મા મટીને અન્યરૂપ થઈ જતો નથી, પણ આત્મપણે નિત્ય ટકનારો
છે. આત્મામાં એક સાથે અનંત ધર્મો છે તેમાંથી, નિત્યનયે જોતાં આત્મા નિત્યધર્મસ્વરૂપે પ્રતિભાસે છે.
–ઉત્પાદ–વ્યય–ધ્રુવ સહિત જ દરેક વસ્તુ છે, આત્મા પણ એક સમયમાં ઉત્પાદ–વ્યય ને ધ્રુવતા એવા ત્રણ
અંશોને ધારણ કરે છે. તેમાં ઉત્પાદ–વ્યય અપેક્ષાએ ક્ષણિકતા છે ને ધ્રુવ અપેક્ષાએ નિત્યતા છે. ધ્રુવ અપેક્ષાએ
જોતાં આત્મા નિત્યપણે દેખાય છે; અને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ જોતાં તે જ આત્મા ક્ષણિકપણે દેખાય છે. અહો!
આવો વસ્તુસ્વભાવ સર્વજ્ઞભગવાનના શાસન સિવાય બીજે ક્યાંય સાંભળવા મળતો નથી. સર્વજ્ઞના માર્ગ
સિવાય આવું અનેકાન્તસ્વરૂપ જાણવામાં આવી શકે નહિ અને જે આવું અનેકાન્તસ્વરૂપ જાણે તે સર્વજ્ઞ થયા
વિના રહે નહિ.
સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજાઓએ પૂરું વસ્તુસ્વરૂપ જાણ્યા વિના તેના એકેક અંશને પકડીને તેને જ
વસ્તુસ્વરૂપ માની લીધું. જેમ આંધળાના હાથમાં હાથીનું જે અંગ આવ્યું તેવો જ હાથી તેણે કલ્પી લીધો તેમ
અજ્ઞાનીઓએ વસ્તુના એક ધર્મને પકડીને તેને જ આખી વસ્તુ માની લીધી છે. વેદાંત વગેરે વસ્તુના એક
નિત્યધર્મને પકડીને આત્માને એકાંત નિત્ય જ માને છે, ને બૌદ્ધ એકલા અનિત્યધર્મને પકડીને આત્માને એકાંત
ક્ષણિક જ માને છે, તેઓએ યથાર્થ વસ્તુને જાણી નથી અને તેમનો અંશ પણ સાચો નથી. જૈનમાં સર્વજ્ઞભગવાન
કહે છે કે આત્મામાં નિત્યપણું અને અનિત્યપણું બંને ધર્મો એક સાથે જ રહેલા છે, ને એ પ્રમાણે દરેક વસ્તુમાં
અનંતધર્મો એક સાથે રહેલા છે. –આમ આખી વસ્તુના સ્વીકારપૂર્વક કોઈ અપેક્ષાએ તેને નિત્ય કહે અને કોઈ
અપેક્ષાએ અનિત્ય કહે, –તો તેનો નિત્યઅંશ અને અનિત્યઅંશ બંને સાચા છે. વેદાંતમતમાં વસ્તુને એકાંત નિત્ય
માને છે પણ તેની સાથે રહેલા અનિત્યઅંશને કબૂલતા નથી એટલે તેનો નિત્યઅંશ પણ સાચો નથી. અને
બૌદ્ધમતમાં વસ્તુને એકાંત ક્ષણિક માને છે પણ તેની સાથે રહેલા બીજા નિત્યઅંશને નથી માનતા, તેથી તેનો
ક્ષણિકઅંશ પણ સાચો નથી. જેનો અંશી સાચો નથી તેનો અંશ પણ સાચો નથી, વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા
વિના તેના એક ધર્મનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. એક ધર્મથી વસ્તુને કહેતાં તે જ વખતે બીજા અનંત ધર્મો
પણ વસ્તુમાં રહેલા છે તેના સ્વીકાર વગર એક ધર્મનો સ્વીકાર પણ સાચો નથી. માટે બધા પડખેથી
વસ્તુસ્વરૂપને નક્કી કરવું જોઈએ.
નિત્યનયથી વસ્તુને ધ્રુવ–અવસ્થિત વર્ણવી, પણ તે જ વખતે વસ્તુમાં અનિત્યધર્મ પણ રહેલો છે, તેથી
હવે અનિત્યનયથી તેનું વર્ણન કરે છે.
[૧૯] અનિત્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ–રાવણની માફક, અનવસ્થાયી છે; જેમ નટે ધારણ કરેલા રામ–રાવણ વગેરે
સ્વાંગો ક્ષણિક છે તેમ અનિત્યધર્મની અપેક્ષાએ જોતાં આત્મા ક્ષણિક છે. અનિત્યનયથી આત્માને
અનિત્યધર્મપણે જોતી વખતે પણ ધર્મીને આત્માની નિત્યતાનું ભાન સાથે જ વર્તે છે.
આત્માની નિત્યતા વગર દુઃખ–સુખાદિ પર્યાયો દ્રવ્યની છે એમ સિદ્ધ થાય નહિ; દુઃખ ટાળીને સુખ પ્રગટ
કર્યું તે બંને દશાઓમાં સળંગપણે રહીને જીવ તે દુઃખ–સુખને વેદે છે–એમ નિત્યતા વિના સાબિત થાય નહિ. તેમ
જ અનિત્યતા વગર દુઃખ ટાળીને સુખ કરવાનું, શ્રવણ–મનન કરવાનું વગેરે –કાંઈ કાર્ય બની શકે નહિ. નિત્યતા
અને અનિત્યતા એવા બંને ધર્મો વગર આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ ન થાય. આત્મામાં નિત્યપણું અને
અનિત્યપણું એ બંને ધર્મો ત્રિકાળ છે.
કોઈ એમ કહે કે ‘સંસારદશા વખતે તો આત્મામાં અનિત્યધર્મ છે, પણ સિદ્ધ થયા પછી તે રહેતો નથી’
–તો એમ નથી. સિદ્ધના આત્મામાંય અનિત્યધર્મ પણ રહેલો છે.