Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૯ :
એમ માને તો તેણે રાગપર્યાયને પોતાની જાણી નથી. કર્મને લીધે રાગ ન થાય, રાગ તે મારા કારણે થાય છે–
એમ પર્યાયને તો જાણે, પણ રાગપર્યાય તે જ હું છું–એમ અજ્ઞાની માને છે, રાગરહિત જ્ઞાનસ્વભાવી તત્ત્વ શું છે
તેને અજ્ઞાની જાણતો નથી, અને તે સ્વભાવના જ્ઞાન વિના કદી ધર્મ થતો નથી. તેથી તે અભેદસ્વભાવની દ્રષ્ટિ
અને જ્ઞાન કરાવવા માટે અધ્યાત્મ કથનીમાં તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો છે. લોકો કહે છે કે મોટાનો છેડો
પકડવો, તેમ જેણે ધર્મ કરવો હોય તેણે મોટાને છેડો પકડવો; મોટું કોણ? કે પરનો તો પોતામાં અભાવ છે, ને
પર્યાય ક્ષણ પૂરતી જ છે, ત્રિકાળ એકરૂપ રહેનારો ચૈતન્યશક્તિનો પિંડ અભેદ સ્વભાવ છે તે જ મોટો છે, તેનું
અવલંબન કરવાથી ધર્મ થાય છે; માટે ધર્મીની દ્રષ્ટિમાં તે અભેદસ્વભાવની જ મુખ્યતા સદાય છે. અજીવ
પદાર્થોથી જીવને જુદો ઓળખાવ્યા પછી હવે તો જીવમાં અભેદસ્વભાવની દ્રષ્ટિ કરાવવાની વાત છે, તેથી મુખ્ય–
ગૌણની વાત સમજાવી છે.
મનુષ્ય તે જીવ, રાગ કરે તે જીવ, અથવા ઘર–મકાન વગેરેને જાણે તે જીવ–એ પ્રમાણે રાગ અને
ક્ષાયોપશમિક જ્ઞાન વગેરે પર્યાયોને જ લોકો જીવતત્ત્વ માની રહ્યા છે, પણ તે તો બધા ક્ષણિક ભાવો છે, ત્રિકાળ
ટકનાર જીવતત્ત્વ શુદ્ધ ચૈતન્યમય છે, –આવા જીવતત્ત્વને લોકો નથી જાણતા. જુઓ, અગિયાર અંગ સુધી ભણી
જાય, પણ પોતાના અભેદ–સ્વભાવની દ્રષ્ટિ ન કરે તો તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જ રહે છે; અને શાસ્ત્રનું
ભણતર કદાચ વિશેષ ન હોય પણ અંતરમાં પરિપૂર્ણ સામર્થ્યના પિંડરૂપ અભેદસ્વભાવને જ્ઞાનમાં પકડીને
એકાગ્ર થાય તો તે જીવ આરાધક ધર્મી છે.
પર્યાય એક સમયની છે ને દ્રવ્ય ત્રિકાળ છે; પર્યાયના સામર્થ્ય કરતાં દ્રવ્યનું સામર્થ્ય અનંતગણું છે. તે
દ્રવ્યના જ આશ્રયે આરાધકપણું થાય છે. આરાધકપણું પોતે પર્યાય છે, પણ તે પર્યાય પ્રગટે છે દ્રવ્યના આશ્રયે!
માટે જ અભેદવસ્તુનાં ગાણાં ગવાય છે, ને તેને જ પ્રધાન કરીને નિશ્ચય કહ્યો છે, તથા ભેદરૂપ પર્યાયને ગૌણ
કરીને વ્યવહાર કહ્યો છે.
રાગ–દ્વેષાદિ વિકાર થાય છે તે પોતાની પર્યાય છે અને તે પોતાથી જ થાય છે; પણ તે એક અંશ છે,
આખી આત્મવસ્તુ તે અંશમાં સમાઈ જતી નથી. માટે તે અંશની બુદ્ધિ છોડાવીને અખંડ વસ્તુની દ્રષ્ટિ કરાવવા
માટે જ અંશને અભૂતાર્થ કહ્યો છે; પણ વિકાર થાય છે તે પરને લીધે થાય છે–એમ કહેવાનો આશય નથી. અહીં
તો, નિત્ય–અનિત્ય, દ્રવ્ય–પર્યાય, એક–અનેક, શુદ્ધ–અશુદ્ધ ઈત્યાદિ રૂપે અનેકાંતવસ્તુ છે, તેમાં કોના આશ્રયે ધર્મ
થાય છે તે સમજાવ્યું છે. આત્માને સાધક બનાવવા માટે અનેકાન્તવસ્તુમાં પણ મુખ્ય–ગૌણ થાય છે. ધર્મીની
દ્રષ્ટિમાં સદાય અભેદ શુદ્ધસ્વરૂપની જ મુખ્યતા રહે છે, ને તેની મુખ્યતાના આશ્રયે જ ધર્મ થાય છે ભેદરૂપ
વ્યવહાર છે તે જ્ઞાન કરવા માટે બરાબર છે, પણ ધર્મીની દ્રષ્ટિમાં તેનો આશ્રય નથી. જો ભેદને જાણે પણ નહિ
તો આખી વસ્તુનું યથાર્થજ્ઞાન થતું નથી એટલે મિથ્યાત્વ ટળતું નથી, અને જો ભેદના આશ્રયે લાભ માને તો
પણ અભેદવસ્તુના આશ્રય વગર મિથ્યાત્વ ટળતું નથી. ભેદ તેમ જ અભેદ એ બંને સ્વરૂપે વસ્તુને જાણીને જો
અભેદનો આશ્રય કરે તો જ સમ્યગ્દર્શન અને અનેકાન્તજ્ઞાન થાય છે. જો દ્રવ્ય અને પર્યાય બંનેને યથાર્થપણે
જાણે તો તે જ્ઞાન દ્રવ્ય તરફ વળ્‌યા વગર રહે નહિ.
– [સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૧ – ૧૨ના ભાવાર્થ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી]
બંધભાવ અને મોક્ષભાવ
જે ભાવે મોક્ષ થાય તે ભાવથી બંધન ન થાય; અને જે ભાવે બંધન થાય તે
ભાવથી મોક્ષ ન થાય. બંધભાવ અને મોક્ષભાવ એ બંને ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન :– શુભ–અશુભ ભાવો કેવા છે?
ઉત્તર :– શુભ–અશુભ ભાવો પુણ્ય–પાપને ઉત્પન્ન કરનારા છે, પણ આત્માની
શુદ્ધતાને ઉત્પન્ન કરનારા નથી. શુભ લાગણી તે પુણ્યબંધનનો ભાવ છે ને અશુભ
લાગણી પાપબંધનનો ભાવ છે એ રીતે તે બંને બંધન ભાવો છે, વિકાર છે, આત્માના
ગુણમાં તે મદદગાર નથી એટલે શુભ–અશુભ ભાવો તે મોક્ષનું કારણ નથી; મોક્ષનું
કારણ તો શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ વીતરાગભાવ છે, તે જ ધર્મ છે.