: ૨૨૪ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
દેખો.રે.દેખો! ચૈતન્યનિધાને દેખો!
સુપાત્ર જીવોને સંબોધીને આચાર્યદેવ કહે છે કે : અરે જીવ! તને ચૈતન્યનાં એવા નિધાન બતાવું કે બીજી
કોઈ ચીજની તારે જરૂર ન પડે....તારા ચૈતન્યનો મહિમા દેખતાં જ તને પરનો મહિમા છૂટી જશે.
અનંતધર્મસ્વભાવી તારો આત્મા જ ચૈતન્યમૂર્તિ ભગવાન છે, તને કોઈ બીજાની જરૂર નથી. તું પોતે જ
દુનિયાના નિધાનને જોનારો છે. સદાય અલ્પજ્ઞ–સેવક જ રહ્યા કરે એવો તારા આત્માનો સ્વભાવ નથી, તારો
આત્મા તો સર્વજ્ઞનો સમોવડિયો છે; જેટલું સર્વજ્ઞે કર્યું તેટલું કરવાની તાકાત તારામાં પણ ભરી છે.
અહો! આચાર્યદેવ ચૈતન્યનાં એવા નિધાન બતાવે છે કે બીજી કોઈ ચીજની જરૂર જ ન પડે. જે જીવ
આવી શક્તિવાળા નિજ આત્માની પ્રતીત કરે તેને કોઈ નિમિત્તના કે વિકલ્પના આશ્રયની શ્રદ્ધા ઊડી જાય છે,
પર્યાયબુદ્ધિ છૂટી જાય છે ને અનંત ચૈતન્યશક્તિનો પિંડ તેની પ્રતીતમાં આવી જાય છે... તે સમ્યગ્દ્રષ્ટિ થઈને
મોક્ષમાર્ગે વિચરવા માંડે છે...અંર્તદ્રષ્ટિથી તે પોતે જ પોતાને ત્રણલોકના નાથ પરમેશ્વર તરીકે દેખે છે.
શ્રી આચાર્યભગવાન કહે છે કે હે ભાઈ! ઉઘાડ...રે... ઉઘાડ! તું તારા જ્ઞાનચક્ષુઓને ઉઘાડ. તારી આંખ
ઉઘાડીને ચૈતન્યનિધાનને દેખ. સર્વજ્ઞભગવાન મન–વાણી–દેહથી પાર એવી ઊંડી ઊંડી ખીણમાં લઈ જઈને
ચૈતન્યનાં અપૂર્વ નિધાન બતાવે છે; તેનો વિશ્વાસ કરીને હે જીવ! તારા જ્ઞાનચક્ષુમાં રુચિનાં અંજન આંજ તો
તને તારા ચૈતન્યનિધાન દેખાય.
અજ્ઞાનથી અંધ થયેલા જીવો પોતાની પાસે જ પડેલા નિજનિધાનને દેખતા નથી, શ્રીગુરુ તેને
સમ્યક્શ્રદ્ધારૂપી અંજન આંજીને તેનાં નિધાન બતાવે છે કે, જો! તારા નિધાન તારા અંતરમાં જ પડ્યા છે;
બાહ્યદ્રષ્ટિ છોડીને અંતરમાં દ્રષ્ટિ કર તો સિદ્ધભગવાન જેવા નિધાન તારામાં ભર્યા છે તે તને દેખાશે. એક
ચૈતન્યની પ્રતીત કરતાં અનંત સિદ્ધભગવંતો, કેવળીઓ અને સંતોની બધી ઋદ્ધિ તને તારામાં જ દેખાશે, તે
ઋદ્ધિ તારે ક્યાંય બીજે નહિ શોધવી પડે. સંત–મહંતો જે ઋદ્ધિ પામ્યા તે પોતાના ચૈતન્યમાંથી જ પામ્યા છે, કાંઈ
બહારમાંથી નથી પામ્યા. તારા ચૈતન્યમાં પણ એ બધી ઋદ્ધિ ભરી છે, આંખ ઉઘાડીને અંતરમાં જો તો તે દેખાય.
પણ જો પરમાંથી તારી ઋદ્ધિ લેવા જઈશ તો આંધળો થઈને ઘોર સંસારરૂપી જંગલમાં ભટકીશ. અહીં
આચાર્યપ્રભુ કરુણા કરીને ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ બતાવે છે કે અંતર્મુખ થઈને નિજશક્તિની સંભાળ કર
તો ભવભ્રમણથી છૂટકારો થાય.
ભવભ્રમણથી થાકેલા જીવોને શ્રી ગુરુ કહે છે કે :–
દેખો.રે.દેખો! અંતરમાં ચૈતન્યનિધાને દેખો!
–પ્રવચનમાંથી.
શુદ્ધતા કેમ થાય?
આત્માને શુદ્ધતા કેમ થાય? –કે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ કરે તો.
શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ ક્યારે થાય? –કે શુદ્ધાત્માને જાણે તો.
કોઈ બહારની ક્રિયાથી કે રાગમાં પ્રવૃત્તિથી આત્માને શુદ્ધતા થતી નથી
પણ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી જ આત્માને શુદ્ધતા થાય છે. –પ્રવચનમાંથી