Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૨૨૬ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
પોતે જવાબદારીમાંથી છૂટી જાય, તે ભગવાનના નામે કથન ભલે કરે પણ ખરેખર ભગવાને શું કહ્યું છે તે ભાવ
તેણે પોતાના આત્મામાં ઝીલ્યો નથી, એટલે તે આવું કથન કરી શકે જ નહિ, તેની વાણીમાં પોતાની ભૂમિકાના
વિવેક સહિત આવી નિઃશંકતા અને નમ્રતા આવે જ નહિ; ભગવાનના નામે કરેલું તેનું કથન પણ યથાર્થ ન હોય.
‘ભગવાન કહે છે તેમ હું કહું છું માટે મારા કથનમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવાનો સંભવ જ નથી’ –
એમ ભગવાનનું નામ લઈને પોતાની છદ્મસ્થપર્યાયનો વિવેક ચૂકી જાય તો તે યથાર્થ નથી; કેમકે, ભલે
સર્વજ્ઞભગવાને અને ગણધરદેવે કહ્યું પણ તેમની વાણીને ઝીલનારો તું તો સર્વજ્ઞ નથી ને! –માટે તારા કથનમાં
કોઈ પ્રકારનો દોષ થવાનો પણ સંભવ છે; છતાં જો તેને તું ન સ્વીકાર તો તને તારી પર્યાયનો વિવેક નથી.
અહીં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞભગવાનનો આશય મારા જ્ઞાનમાં આવ્યો છે, સર્વજ્ઞભગવાને
જેવો શુદ્ધાત્મા કહ્યો છે તેવા જ શુદ્ધાત્માનું પ્રચુર સ્વસંવેદન મારા આત્મામાં પ્રગટ્યું છે. તેથી, હું અલ્પજ્ઞ હોવા
છતાં, જે શુદ્ધાત્મા કહીશ તે તો સર્વજ્ઞદેવના આશય અનુસાર યથાર્થ જ કહીશ, તેમાં સર્વજ્ઞથી વિરુદ્ધ નહિ આવે,
કદાચ વ્યાકરણ કે છંદ વગેરેમાં દોષ આવી જાય તો તેને ગ્રહણ કરવામાં શ્રોતાજનો સાવધાન થશો નહિ;
સાવધાની તો શુદ્ધાત્મામાં જ રાખજો.
કોઈ એમ પૂછે છે કે તમે તો સીમંધર ભગવાન પાસે જઈને સીધું શ્રવણ કર્યું છે, તો તમારા કથનમાં કાંઈ
પણ દોષ કેમ આવે? તો આચાર્યપ્રભુ કહે છે કે કહેનારા ભગવાન ભલે સર્વજ્ઞ હતા પણ હું ઝીલનાર તો અલ્પજ્ઞ
હતો ને! ક્યાં સર્વજ્ઞ અને ક્યાં હું! ભગવાનની ભૂલ ન હોય પણ છદ્મસ્થની તો ભૂલ થઈ પણ જાય. હું છદ્મસ્થ
મુનિ હોવાથી મારી વાણીમાં વ્યાકરણ–વિભક્તિ વગેરેનો કોઈ દોષ આવી જવાનો સંભવ છે. પરંતુ મારે જે
શુદ્ધાત્મા દર્શાવવો છે તેમાં તો હું નહિ જ ચૂકું; તે તો મારા આત્માના નિજવૈભવથી હું બરાબર દેખાડીશ અને
તમે તે પ્રમાણ કરજો.
જુઓ, આચાર્યદેવ યથાર્થ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરે છે. તેમનું કથન નિઃશંકતા અને નિર્માનતાથી ભરેલું છે.
ભલે મને સર્વજ્ઞ ભગવાનનો સીધો ઉપદેશ સાંભળવા મળ્‌યો પરંતુ હું તો છદ્મસ્થ છું, હું કેવળી કે શ્રુતકેવળી નથી;
ઉપદેશક શ્રી સીમંધર ભગવાન સર્વજ્ઞ હતા પણ તે ઉપદેશ ઝીલનાર હું છદ્મસ્થ છું; મેં મારી શક્તિ અનુસાર
ઝીલીને શુદ્ધાત્માને તો સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યો છે તેથી તેમાં તો નિઃશંકતા છે. અને ‘ક્ષયોપશમના કોઈ પ્રકારમાં
ભૂલ થવા સંભવ પણ છે’ –એમ કહેવામાં નિર્માનતા છે. અહો! સર્વજ્ઞના અચિંત્ય સામર્થ્યની તો શું વાત!
તેમની દિવ્ય–વાણીમાં તો ભૂલ ન આવે; તેમ જ મહાસમર્થ ગણધરદેવ કેવળીપ્રભુની વાણી ઝીલીને જે શ્રુતની
રચના કરે તેમાં પણ કાંઈ ભૂલ ન આવે. પણ હું કેવળી નથી તેમ જ ગણધરદેવ જેટલી મારી તાકાત નથી, તેથી
કોઈ ઠેકાણે શબ્દરચનામાં ફેર પડી જવા સંભવ છે. આ કથન કરનારા કુંદકુંદાચાર્યદેવ મહાસમર્થ સંત છે, ધર્મના
થાંભલા છે, અગાધ શક્તિ ધરાવે છે.... છતાં જુઓ તો ખરા, તેમની નિર્માનદશા! કેટલી ગંભીરતા છે!!
સાધારણ તુચ્છ જીવો તો જરાક શાસ્ત્રનું જાણપણું થાય ત્યાં અભિમાનમાં ચડી જાય કે મને ઘણું આવડે છે. અને
આ આચાર્યભગવાનને તો અંતરમાં અગાધ... અગાધ શક્તિ વર્તતી હોવા છતાં જુઓ એમની દશા!
કેવળી ભગવાન પાસે જઈને સાક્ષાત્ સાંભળ્‌યું હોવા છતાં શ્રી આચાર્યદેવ કહે છે કે કહેનાર ભલે કેવળી
હતા પણ ઝીલનાર તો અમે છદ્મસ્થ છીએ ને! સીમંધર ભગવાનની વાણી ઝીલનાર હું છદ્મસ્થ છું. અત્યારે આ
સમયસારનું કથન સર્વજ્ઞદેવ નથી કરતા, પણ સર્વજ્ઞદેવની વાણીમાંથી મારી શક્તિ જેટલું ઝીલીને હું કહું છું. હું
સર્વજ્ઞ નથી તેથી, –જોકે સ્વસંવેદનપ્રત્યક્ષના વિષયમાં તો ફેર નહિ જ પડે, પણ–જ્ઞાનના ઉઘાડના કોઈ
વ્યાકરણાદિ બોલમાં જો ક્યાંય ફેર પડી જાય તો તેને ગ્રહણ કરશો નહિ; કેમકે મારો હેતુ શુદ્ધાત્માનું કથન
કરવાનો છે, માટે તમે પણ એ જ હેતુ લક્ષમાં રાખીને સાંભળજો. જો વ્યાકરણ–છંદ વગેરેના દોષો જોવામાં અટકી
જશો તો તમે તમારું લક્ષ શુદ્ધાત્મા ઉપરનું ચૂકી જશો. માટે હે શ્રોતાજનો! તમે આ સમયસારનું શ્રવણ કરતાં
શુદ્ધ–એકત્વ વિભક્ત આત્મકથનીનું લક્ષ ચૂકીને બીજા અપ્રયોજનભૂત બાબતના લક્ષમાં અટકશો નહિ, પણ શુદ્ધ
આત્માને જ ગ્રહણ કરજો. એટલે આ સમયસારનું શ્રવણ કરનારા પાત્ર શ્રોતાઓએ બીજા જાણપણા ઉપર વજન
ન આપતાં પોતાના શુદ્ધ આત્માને જાણવા ઉપર જ વજન આપવું–એવી શ્રોતાઓની પણ જવાબદારી છે. જે જીવ
એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા સિવાય બીજા ભાવો ઉપર વજન આપશે, તે શુદ્ધાત્માને દેખી નહિ શકે, તેને અમે
સમયસારનો શ્રોતા ગણતા નથી.
[શ્ર સમયસર ગથ ૫ ઉપરન પ્રવચનમથ. ૨૪૭૬, અષઢ સદ પ]