Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૨૭ :
(અનુસંધાન પાના નં. ૨૩ થી ચાલુ)
વિકારનું પણ ગ્રહણ કે ત્યાગ તેના સ્વભાવમાં નથી. સ્વભાવમાં વિકાર હોય તો છોડે ને? શુદ્ધસ્વભાવદ્રષ્ટિથી આત્મામાં
વિકાર છે જ નહિ, તેથી સ્વભાવદ્રષ્ટિમાં આત્મા વિકારનો કર્તા નથી તેમ તેનો છોડનાર પણ નથી. હું વિકારનો કર્તા છું–
એવી જેની બુદ્ધિ છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે જ, અને હું વિકારને છોડું–એવી જેની બુદ્ધિ છે તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
‘હું વિકારને છોડું’ એવા લક્ષે વિકાર છૂટતો નથી પણ વિકારની ઉત્પત્તિ થાય છે, છતાં તેને વિકાર ટાળવાનો ઉપાય
માને છે તે જીવ પર્યાયબુદ્ધિ છે, તેને વિકાર વગરનો સ્વભાવ લક્ષમાં આવ્યો નથી. વિકારને છોડવા ઉપર જેનું જોર છે
તે જીવ વિકારનો સ્વામી થાય છે. જ્ઞાની તો સ્વભાવનો સ્વામી થઈને પરિણમે છે ત્યાં તેને વિકારની ઉત્પત્તિ જ થતી
નથી. શાસ્ત્રમાં એવા ઉપદેશવચન આવે કે ‘વિકારને છોડો!’ પણ વિકાર કેમ છૂટે? –કે સ્વભાવસન્મુખ થાય તો.
વિકારની સામે જોયા કરે તેથી કાંઈ વિકાર છૂટતો નથી. ‘ચૈતન્ય–સ્વભાવ તે હું’ ને ‘રાગ હું નહિ’ એમ જ્ઞાનવડે ભેદ
પાડીને, સ્વભાવ તરફ જ્ઞાનને અંતર્મુખ કરીને પરિણમતાં વિકાર–રહિત શુદ્ધદશા થઈ જાય છે. –આવું કાર્ય કરવું તેનું
નામ ધર્મ છે, અને તે જ મુક્તિનો ઉપાય છે; આ સિવાય બીજા કાર્યથી ધર્મ કે મુક્તિ થતી નથી.
ધર્મી જીવની સ્વ – પરપ્રકાશક શક્તિ
સ્વભાવની દ્રષ્ટિ મુખ્ય રાખીને ધર્મી જીવ રાગને પણ જાણે છે, પણ ત્યાં ‘રાગ તે હું’ એમ તે રાગનો
કર્તા થતો નથી; રાગની સન્મુખ દ્રષ્ટિ રાખીને રાગને નથી જાણતો પણ સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ રાખીને રાગને
જાણી લે છે; રાગને સ્વભાવ તરીકે નથી જાણતો પણ સ્વભાવથી ભિન્ન તરીકે જાણે છે. –આવી ધર્મી જીવની સ્વ–
પરપ્રકાશક શક્તિ છે. સ્વભાવ તરફ વળતાં સ્વને તેમ જ વિકારને અને પરને જાણે એવી સ્વ–પરપ્રકાશક
જ્ઞાતાશક્તિ પ્રગટ થાય છે.
જુઓ, આમાં અનેક ન્યાયો આવી જાય છે. સ્વસન્મુખ થતાં જે સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તે જ્ઞાન
સ્વને જાણતાં, પરનિમિત્તો કેવા હોય તેને પણ જાણે છે; સમ્યગ્જ્ઞાન પ્રગટ્યું તેમાં કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત
હતા તેને પણ તે જ્ઞાન બરાબર જાણે છે. દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપમાં પણ જેને ગોટા હોય તેને સ્વ–પરપ્રકાશક
જ્ઞાન જ ખીલ્યું નથી. જેને સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલે તેને, તે જ્ઞાનમાં નિમિત્તરૂપ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં
હોય તેનું પણ બરાબર ભાન હોય છે. શ્રી પદ્મનંદિઆચાર્ય કહે છે કે– (એકત્વસપ્તતિમાં)
तत्प्रतिप्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।२३।।
–જે જીવે ચૈતન્યસ્વભાવની પ્રીતિપૂર્વક તેની વાત પણ સાંભળી છે તે જીવ અવશ્ય ભવિષ્યમાં થનારી મુક્તિનું
ભાજન છે. અહીં ‘श्रुताः’ એટલે સાંભળવાનું કહ્યું છે, તેમાં સામે સંભળાવનાર નિમિત્ત કેવા હોય તેને ઓળખવાની
જવાબદારી પણ ભેગી આવી જાય છે. કુગુરુ વગેરે ગમે તેની પાસેથી સાંભળીને સમ્યગ્જ્ઞાન થઈ જાય–એમ નથી.
જ્યાં પોતે પાત્ર થઈને જાગ્યો અને અપૂર્વ ભાન પ્રગટ કર્યું ત્યાં સામે કયું નિમિત્ત હતું, કેવા દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત
રૂપે હોઈ શકે, તેનું પણ યથાર્થ ભાન થયા વગર રહેતું નથી. સમ્યગ્જ્ઞાનનું આવું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય છે.
દરેક જીવે કરવા જેવું ખરું કાર્ય
જુઓ ભાઈ! પૂર્વે અનંત અનંત કાળમાં કદી એક સેકંડ પણ નથી સમજ્યો એવી સૂક્ષ્મ આ વાત છે.
પોતાનું અપૂર્વ કલ્યાણ કરવા માટે આ વાત સમજવા જેવી છે. આ વાત સમજ્યા વગર ભવથી નિવેડા થાય તેમ
નથી. દરેક જીવમાં આ સમજવાની તાકાત ભરી છે. અહો! જેટલું સામર્થ્ય સિદ્ધ ભગવાનમાં છે તેટલું પરિપૂર્ણ
સામર્થ્ય મારા આત્મામાં પણ ભર્યું છે, મારો આત્મા પણ સિદ્ધ ભગવાન જેવો છે–આમ પોતાના સામર્થ્યનો
વિશ્વાસ અને ઉલ્લાસ લાવીને હોંશપૂર્વક શ્રવણ–મંથન કરવું જોઈએ; ‘મને નહિ સમજાય
એવી નમાલી માન્યતા
છોડી દેવી જોઈએ. ભગવાન શ્રી આચાર્યદેવે સમયસારની પહેલી ગાથામાં જ આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું છે કે હું
સિદ્ધ છું અને તું સાંભળનાર પણ સિદ્ધ છે; અમે ક્ષણિક વિકારને લક્ષમાં મુખ્ય ન લેતાં તારા જ્ઞાનમાં તારા
આત્માનું સિદ્ધપણું સ્થાપીએ છીએ, માટે તું પણ તારા જ્ઞાનમાં તે વાત બેસાડીને પહેલે ધડાકે સિદ્ધપણાની હા
પાડ; પૂર્ણતાના લક્ષે તારા પુરુષાર્થને ઉપાડ! જેણે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને પૂર્ણતાના લક્ષે શરૂઆત
કરી તેને અલ્પકાળમાં પૂર્ણ સિદ્ધદશા પ્રગટ્યા વગર રહે નહિ. માટે પોતાના પરિપૂર્ણ સ્વભાવસામર્થ્યને
ઓળખીને તેની પ્રતીત કરવી તે જ દરેક જીવે કરવા યોગ્ય પ્રથમ કાર્ય છે.
–એ પ્રમાણે જીવનું ખરું કાર્ય સમજાવ્યું.
[વર સ. ૨૪૭૬, ફગણ સદ ૯ ન રજ રજકટમ સમયસર ગથ. ૭૧ ઉપર પ્રવચન]