Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૧ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૧૦]
* સર્વજ્ઞત્વ – શક્તિ *
[‘ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞતાના નિર્ણયમાં ઘણી ગંભીરતા રહેલી છે. અહીં, દરેક આત્મામાં
રહેલી સર્વજ્ઞત્વશક્તિ ઉપરના પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ જૈનધર્મના અનેક મૂળભૂત રહસ્યો પ્રકાશિત
કર્યા છે. દરેક આત્માર્થી જીવોને આ પ્રવચન મનનપૂર્વક સમજવાની ખાસ ભલામણ છે.]
દરેક આત્મામાં અનંત શક્તિઓ છે, તેથી તે અનેકાન્તની મૂર્તિ છે. તે અનેકાન્તમૂર્તિ ભગવાનઆત્માને
ઓળખાવવા માટે અહીં તેની કેટલીક શક્તિઓનું વર્ણન ચાલે છે. તેમાં સર્વદર્શિત્વશક્તિનું વર્ણન કર્યું, હવે તેની
સાથે સર્વજ્ઞત્વશક્તિનું વર્ણન કરે છે.
સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમેલા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. દર્શન
તો ‘બધું છે’ એમ સામાન્ય સત્તામાત્ર ભાવને દેખે છે; પરંતુ, જગતના બધા પદાર્થો સત્તાપણે સમાન હોવા છતાં
તેમના સ્વરૂપમાં વિશેષતા છે; કોઈ જીવ છે, કોઈ અજીવ છે, કોઈ સિદ્ધ છે, કોઈ સાધક છે, કોઈ અજ્ઞાની છે–
એમ અનંત પ્રકારના જુદાજુદા ભાવો છે તે બધાયને વિશેષપણે જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશક્તિ છે. આ
શક્તિ દૂરના કે નજીકના, વર્તમાનના કે ભૂત–ભવિષ્યના સમસ્ત પદાર્થોને જાણે છે પણ તેમાં કોઈને ઠીક–અઠીક
માનતી નથી, આમાં એકલો જાણવાનો જ ભાવ છે, રાગ–દ્વેષનો ભાવ સર્વજ્ઞત્વશક્તિમાં નથી. ‘સર્વ ભાવ
જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા’ એવું આ શક્તિઓનું પરિણમન છે.
આત્માની બધી શક્તિઓમાં એવી કોઈ શક્તિ નથી કે જે પરને કે વિકારને કરે; પરંતુ પરને કે વિકારને
ન કરે એવી અકર્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, તેમજ પરને તેમજ વિકારને જાણે એવી સર્વજ્ઞત્વશક્તિ ત્રિકાળ
છે.
અહો, સમસ્ત વિશ્વને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે. તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે. તે
ધર્મી જીવ શરીર–મન–વાણી વગેરેની જે કાંઈ ક્રિયા થાય તેને જાણવાની ક્રિયા કરે છે, પણ ‘હું તેને કરું છું અથવા
તો આ હોય તો મને ઠીક ને આ ન હોય તો ઠીક’ એવી માન્યતારૂપ મિથ્યાત્વની ક્રિયાને તે કરતો નથી. તે જાણે
છે કે મારા આત્મામાં પરને જાણે તેવો ગુણ છે પણ કોઈ પરને લ્યે–મૂકે એવો કોઈ ગુણ મારામાં નથી; જગતના
બધા પદાર્થોને જેમ છે તેમ ભિન્ન ભિન્ન સ્વરૂપે જાણવારૂપે પરિણમે એવી સર્વજ્ઞત્વશક્તિનો હું સ્વામી છું પણ
પરની ક્રિયાનો સ્વામી હું નથી. મારી ક્રિયાશક્તિથી મારા અનંતગુણના પરિણમનરૂપ ક્રિયાને હું કરું છું પણ
પરની ક્રિયાને કે વિકારને હું કરતો નથી. જડમાં પણ ક્રિયાશક્તિ છે,