Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૩ :
ત્રણકાળના સંતોનો તેણે વિરોધ કર્યો છે; એ રીતે પરનું કર્તૃત્વ માનનારા એકાંતવાદી જીવનું અનંતુ વીર્ય ઊંધી
શ્રદ્ધામાં, ઊંધા જ્ઞાનમાં ને ઊંધા ચારિત્રમાં રોકાઈ ગયું છે, તેથી તે અનંત સંસારમાં રખડે છે. અનેકાન્તનું ફળ
મોક્ષ છે ને એકાંતનું ફળ સંસાર છે. એકાંતવાદીને આચાર્યદેવે ‘પશુ’ કહ્યો છે કેમકે તે પોતાના આત્મસ્વભાવને
પરથી ભિન્નપણે નથી દેખતો, પણ કર્મ વગેરે પરને જ આત્માપણે દેખે છે. અનેકાન્તવાદી તો પોતાના આત્માને
પરથી ભિન્નપણે સાધે છે. અનેકાન્તમાં ઘણી ગંભીરતા છે.
‘હું પરનું કરું’ એનો અર્થ એ થયો કે મારું અસ્તિત્વ પરમાં છે, એટલે કે હું મારાપણે નથી. અને જેમ ‘હું
મારાપણે નથી’ તેમ જગતનું કોઈ તત્ત્વ પોતાપણે નથી–એમ પણ તેમાં ગર્ભિતપણે આવી ગયું; એટલે તેના
અભિપ્રાયમાં જગતનો કોઈ પદાર્થ સત્ રહ્યો જ નહિ; એ રીતે ‘હું પરનું કરું’ એવા ઊંધા અભિપ્રાયમાં ત્રણ
જગતના સત્નું ખૂન થાય છે, તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન પાપ કહ્યું છે. જગતના પદાર્થો તો જેમ છે તેમ
સત્ છે, તેમનો તો કાંઈ અભાવ થતો નથી, પણ ઊંધો અભિપ્રાય સેવનાર જીવને પોતાની પર્યાયમાં મિથ્યાત્વનું
મહાપાપ ઊભું થાય છે. જો આ અનેકાન્તથી વસ્તુસ્વરૂપને સમજે તો બધા ઊંધા અભિપ્રાયો છૂટી જાય. હું
મારાપણે સત્ છું ને પર પરપણે સત્ છે, હું પરપણે અસત્ છું ને પર મારાપણે અસત્ છે–એમ સમજતાં ક્યાંય
પરાવલંબનનો ભાવ રહેતો નથી, સ્વાવલંબને એકલી વીતરાગતા જ પ્રગટે છે. આખું જગત એમ ને એમ
પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે, તેમાં ક્યાં રાગ ને ક્યાં દ્વેષ? રાગ–દ્વેષ ક્યાંય છે જ નહિ, હું તો
બધાયનો જાણનાર જ છું, સર્વજ્ઞત્વશક્તિનો પિંડ છું–એમ ધર્મી જાણે છે.
આ આત્મવૈભવનું વર્ણન ચાલે છે. પોતામાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે
એવો જ્ઞાનવૈભવ આત્મામાં ભર્યો છે. જો આત્માની સર્વજ્ઞત્વશક્તિનો વિશ્વાસ કરે તો ક્યાંય ફેરફાર કરવાની
વાત ઊડી જાય છે. ‘નિમિત્ત આવે તો કાર્ય થાય ને નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય’ એવી જેની માન્યતા છે
તેને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત નથી. ‘સર્વજ્ઞતા’ કહેતાં જ બધા પદાર્થોનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો
પદાર્થની ત્રણેકાળની પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન હોય ને આડીઅવળી થતી હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ થઈ ન
શકે; માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે આ બધું કબૂલ કરવું જ પડશે.
આત્મામાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ છે; તે સર્વજ્ઞશક્તિ આત્મજ્ઞાનમય છે. આત્મા પર સાથે તન્મય થઈને
પરને નથી જાણતો પણ સ્વમાં તન્મય રહીને જાણે છે. કોઈ પરના કારણે સર્વજ્ઞત્વશક્તિ પરિણમતી નથી પણ
આત્માના આશ્રયે જ પરિણમે છે, આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે
સર્વજ્ઞત્વશક્તિ આત્મજ્ઞાનમય છે; જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું. લોકાલોકને જાણવા છતાં
સર્વજ્ઞત્વશક્તિ તો આત્મજ્ઞાનમય જ છે, લોકાલોકને કારણે કેવળજ્ઞાન નથી. આ વાત સર્વદર્શિત્વશક્તિના
વર્ણનમાં વિસ્તારથી આવી ગઈ છે તે પ્રમાણે અહીં પણ જાણવું.
હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંતધર્મો એક સાથે ઊછળી રહ્યા છે, તેમાં જ ડોકિયું
કરીને તારા ધર્મને શોધ, તારા ધર્મને ક્યાંય બહારમાં ન શોધ. જેણે પોતાની સર્વજ્ઞતાની પ્રતીત કરી તે જીવ
દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો. પરની ક્રિયાને ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાની ક્રિયાવતી શક્તિથી
આત્માનું જેમ ક્ષેત્રાંતર થાય તેને પણ જ્ઞાન ફેરવતું નથી, માત્ર જાણે જ છે. ‘સર્વજ્ઞતા’ કહેતાં દૂર કે નજીકના
પદાર્થને જાણવામાં ભેદ ન રહ્યો; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના
પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના
પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. જગતના વિશેષ ભાવોને એકસરખી રીતે જ્ઞાન જાણે છે. કેવળી
ભગવાનને સમુદ્ઘાત થવા પહેલાંં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે; ભવિષ્યની અનંત અનંત સુખ–
પર્યાયોનું વેદન થયા પહેલાંં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવાપણે પરિણમી ગઈ છે. ભગવાન જિનેન્દ્રદેવની પૂજામાં
‘સીમંધર જિન ચરણકમલ પર...’ વગેરે બોલવાની ક્રિયા જ્ઞાન કરતું નથી, તેમ જ ચોખા વગેરે આઠ પ્રકારની
ચીજો ભેગી કરવી તે કાર્ય જ્ઞાનનું નથી, અને શુભ વિકલ્પ થાય તે કાર્ય પણ જ્ઞાનનું નથી, જ્ઞાનનું કાર્ય તો માત્ર
‘જાણવું’ તે જ છે; તેમાં પણ અધૂરું જાણવારૂપે પરિણમે તેવું જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે
એવું જ્ઞાનનું સ્વરૂપ છે, –એમ અહીં સર્વજ્ઞત્વશક્તિ વર્ણવીને આચાર્યદેવે બતાવ્યું છે.