Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: ભાદ્રપદ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૭ : ૨૧૫ :
પ્રતીત થાય છે. પરમાર્થે અર્હંતભગવાન આ આત્માના ધ્યેય નથી, તેમના લક્ષે તો રાગ થાય છે; અર્હંત
ભગવાનની શક્તિ તેમનામાં છે, તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી. અર્હંતભગવાન જેવી
આ આત્માની શક્તિ પોતામાં ભરી છે. જો અર્હંતભગવાનની સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ ન વળે
તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અર્હંતભગવાન છે તેવો જ હું છું–એમ જાણીને જો પોતાના આત્મા તરફ
વળે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે. પ્રભો! તારી ચૈતન્યસત્તાના અસંખ્યપ્રદેશી ખેતરમાં તારા
અચિંત્ય નિધાન ભર્યાં છે, તારી સર્વજ્ઞશક્તિ તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતાદ્વારા ખોદ
તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા પ્રગટે.
વિશ્વના સમસ્ત ભાવોને વિશેષ પ્રકારે જાણવાની આત્માની તાકાત છે. જડ–ચેતન, મૂર્ત–અમૂર્ત, સિદ્ધ–
સંસારી, ભવ્ય–અભવ્ય ઈત્યાદિ સમસ્ત વિધવિધ અને વિષમ ભાવોને વીતરાગપણે જાણી લ્યે એવું સર્વજ્ઞતાનું
સામર્થ્ય આત્મામાં ભર્યું છે. કોઈ નિમિત્તના કારણે તે જ્ઞાનસામર્થ્ય ખીલતું નથી. જો આત્મા નિમિત્તથી જાણતો
હોય તો તો સર્વજ્ઞત્વશક્તિ નિમિત્તમયી થઈ ગઈ, પણ આત્મજ્ઞાનમયી ન રહી! જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં
નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની
પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનનેે પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વતરફ
વાળે છે. પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી, સર્વજ્ઞશક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો
સર્વજ્ઞતા મળે તેમ છે. અનંત કાળ પર સામે જોયા કરે તોય ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજસ્વભાવ
સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે.
પોતાના સ્વભાવના અવલંબને ત્રણકાળ ત્રણલોકને જાણવારૂપે પરિણમવાની આત્માની તાકાત છે; તેને
બદલે સ્વભાવ–ઘરને છોડીને નિમિત્ત વગેરે પરદ્રવ્યના અવલંબને જે પોતાનું પરિણમન માને છે તે અજ્ઞાનીની
વ્યભિચારી બુદ્ધિ છે. નિમિત્તના આશ્રયથી લાભ થાય એવી માન્યતા કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, મૂઢતા
કહો, સંયોગીદ્રષ્ટિ કહો, વિષયોમાં સુખબુદ્ધિ કહો, વ્યભિચાર કહો, અધર્મ કહો કે અનંત સંસારનું મૂળકારણ કહો–
તે બધાયનો એક જ ભાવ છે. જ્યાં પોતાના સહજસ્વરૂપની રુચિ નથી ને પરાશ્રયભાવની રુચિ છે ત્યાં ઉપરના
બધા ભાવો તેમાં પડ્યા જ છે.
સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાંં સાધકદશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત કરવાની આ વાત છે. પૂર્ણ
શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણદશા પ્રગટે છે.
સાધકને શાશ્વત તીર્થ સમ્મેદશિખર વગેરેની યાત્રાનો ભાવ આવે, પણ સમ્મેદશિખર વગેરેના કારણે મને
ઝટ ભગવાનનું જ્ઞાન થાય–એમ તે માનતા નથી. તેને એમ પ્રતીત છે કે નજીકના તેમ જ દૂરના સમસ્ત પદાર્થોને
સમાનપણે જાણવાની મારા જ્ઞાનની તાકાત છે, મારા જ્ઞાન સામર્થ્યને દૂરનું કે નજીકનું જાણવામાં ફેર પડતો નથી
જ્યાં પૂરું જ્ઞાનસામર્થ્ય ખીલી ગયું તેમાં દૂર શું ને નજીક શું? જ્ઞાન તો આત્મામાં રહીને જાણે છે, કાંઈ પદાર્થોની
સમીપ જઈને તેને નથી જાણતું. એક સર્વજ્ઞ અઢી દ્વીપની બરાબર વચમાં હોય ને બીજા સર્વજ્ઞ અઢી દ્વીપના છેડા
ઉપર હોય, તો ત્યાં વચમાં રહેલા સર્વજ્ઞને ચારે બાજુના પદાર્થોનું કાંઈ વધારે સ્પષ્ટ જ્ઞાન થાય અને છેડા ઉપર
રહેલા સર્વજ્ઞને સામા છેડાના પદાર્થો દૂર હોવાથી કાંઈ ઓછું જ્ઞાન થાય–એમ નથી; બંનેનું સર્વજ્ઞપણું સરખું જ
છે. અહીંના પદાર્થનું જેવું સ્પષ્ટ જ્ઞાન અહીં રહેલા કેવળીને થાય તેવું જ સ્પષ્ટ જ્ઞાન લાખો–કરોડો યોજન દૂર
રહેલા સિદ્ધ ભગવંતોને થાય છે; સર્વજ્ઞતામાં ફેર પડતો નથી. આવી સર્વજ્ઞતારૂપે પરિણમવાની શક્તિ દરેક
જીવમાં ત્રિકાળ છે.
‘અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન જ ભરી છે’ –આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા
કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે.
સ્વભાવસન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ. આ રીતે એક સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં
તેમાં મોક્ષની ક્રિયા–ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને
નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી.
માથું