Atmadharma magazine - Ank 107
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૨૧૬ : આત્મધર્મ–૧૦૭ : ભાદ્રપદ : ૨૦૦૮ :
કાપનાર નિમિત્ત મને નુકસાન કરે અને ભગવાનની વાણી મને લાભ કરે–એમ પર વિષયોથી લાભ–નુકસાન
થવાની જેની માન્યતા છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ, વિષયોની બુદ્ધિવાળો છે. સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ તો એમ
જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્ય વાણી સંભળાવનાર વીતરાગદેવ–એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. તે
જ્ઞેયોને કારણે મને કાંઈ લાભ–નુકસાન નથી તેમજ તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ–દ્વેષ વગર
સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞત્વશક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તો પણ ધર્મીને
આવી શ્રદ્ધા તો ખસતી જ નથી. તેથી જે પૂર્ણ સ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે
અલ્પકાળમાં તેમને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે.
અનેકાન્તસ્વરૂપી આત્માની સર્વજ્ઞત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું. (૧૦)
અરે જીવ! વિરોધ છોડીને અંતરથી હા પાડ!
– આ તને તારી પ્રભુતા સમજાવાય છે.

સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ નિર્મળસ્વરૂપ આત્માને સમજ્યા વિના જન્મ–મરણ ટાળવાનો કોઈ અન્ય માર્ગ
નથી. નિત્ય અવિકારી ધુ્રવ ચૈતન્યસ્વભાવને લક્ષમાં ન લ્યે તે જીવને ધર્મ થાય નહિ અને ભવ ઘટે નહિ. જેને
ચૈતન્યસ્વભાવનું ભાન નથી તે જીવ મન–વાણી–દેહની પ્રવૃત્તિમાં અથવા પુણ્યમાં ધર્મ માનીને અટકે છે, પણ તેનું
ફળ તો બંધનરૂપ સંસાર છે. જેને આ વાતનું લક્ષ નથી તેણે બાહ્ય પ્રવૃત્તિમાં જ કૃતકૃત્યતા માની હોય છે; તેથી
તેની માન્યતાથી ઊલટી વાત જ્ઞાની જ્યારે સંભળાવે કે ‘બાહ્ય પ્રવૃત્તિથી કે પુણ્યથી ધર્મ ન થાય,’ ત્યારે તે
સાંભળતાં સત્યતત્ત્વનો તે વિરોધ કરે છે.
જેમ પેંડો આપવા માટે બાળક પાસેથી ચૂસણિયું છોડાવવામાં આવતાં તે રાડ નાખે છે તેમ મુક્તિરૂપી
પેંડાનો સ્વાદ ચખાડવા માટે બાળજીવોને તેમની ઊંધી માન્યતારૂપ લાકડાની પકડ છોડાવવામાં આવે છે ત્યાં
તેઓ રાડ નાખે છે; પણ એને ખબર નથી કે જ્ઞાની તેના હિતની વાત કહે છે.
જેઓ પરની ક્રિયાથી ધર્મ માનનારા છે તથા પુણ્ય કરતાં કરતાં તેનાથી આત્મશુદ્ધિ થશે એમ માનીને તે
વિકારના સ્વાદમાં જ અટકી ગયા છે, તેને જ્ઞાની કહે છે કે હે ભાઈ! તારી એ ખોટી માન્યતારૂપ લાકડાના
ચૂસણિયાથી સાચો સ્વાદ નહિ આવે માટે તેને છોડ અને તારા સ્વાધીન સ્વભાવની અંતરથી હા પાડ, તો
સ્વભાવના સંવેદનમાં તને સુખનો સાચો સ્વાદ આવે.
હું પરથી જુદો, સાક્ષાત્ ચૈતન્યજ્યોતિ, અનંત આનંદની મૂર્તિ છું–એમ સમજ્યા વગર જેટલા શુભરાગ
કરે તે બધા મુક્તિ માટે વ્યર્થ છે. આવું સાંભળતાં કોઈ અજ્ઞાની વિરોધ કરે છે કે અરેરે! અમારું બધું ઊડી જાય
છે. પણ પ્રભુ! વિરોધ ન કર...ના ન પાડ...આ તો તારી પ્રભુતા તને સમજાવાય છે. તારો અનંત મહિમાવાન
સ્વભાવ અમે તને સમજાવીએ છીએ ત્યારે તું તેનો વિરોધ કરીને અસત્યનો આદર કરે–એ કેમ શોભે?
જેમ કોઈ ખાનદાનનો પુત્ર બહારચલો થયો હોય ને તેને તેનો પિતા ઠપકો આપે કે ભાઈ રે! ખાનદાનને
આ ન શોભે...તારી જાત લાજે છે; તેમ આત્માના ચૈતન્યઘરને છોડીને જેઓ પુણ્ય–પાપની પ્રવૃત્તિરૂપ કુસંગથી
ધર્મ માને છે તેને પરમ ધર્મપિતા શ્રી તીર્થંકરદેવ શિખામણ આપે છે કે અરે જીવ! તું અમારી જાતનો છો, આ
બહારચલાપણું તને ન શોભે, તેમાં તારી પ્રભુતા લાજે છે; તારી નાતજાત સિદ્ધપરમાત્મા સમાન છે, આ
વિકારથી તારી શોભા નથી. –આમ કહીને તે અજ્ઞાની જીવને પુણ્ય–પાપરહિત તેનો જ્ઞાનસ્વભાવ સમજાવે છે.
અહો! પરમ સત્યની આવી વાત કાને પડવી પણ ઘણી દુર્લભ છે. અનંતકાળે આવા મોંઘા ટાણાં મળ્‌યાં
છે ત્યારે પણ જો અપૂર્વ સત્ય સમજીને સ્વતંત્ર વસ્તુસ્વભાવનું સામર્થ્ય ન સમજે તો ચોરાશીના અવતારની
રખડપટ્ટી ટળશે નહિ. માટે જે જીવ હવે આ રખડપટ્ટીથી થાક્યો હોય તેણે ધીરો થઈને અંતરમાં આ વાત
સમજવા જેવી છે.
જાુઓ – સમયસાર પ્રવચનો ભાગ ૧, પૃ. ૧૬૭ – ૮