Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
આસો: ૨૪૭૮ : ૨૪૧ :
અભૂતાર્થ કહ્યો અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો, ત્યાં શુદ્ધનય તો જોકે શ્રુતજ્ઞાનની પર્યાય છે અને પર્યાય તો અભૂતાર્થ
છે, પરંતુ અહીં તે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ હોવાથી આખાને (દ્રવ્ય–પર્યાયની અભેદતા થઈ તેને) ભૂતાર્થ કહી
દીધું છે. અનુભવ વખતે શુદ્ધનયની પર્યાય જુદી નથી રહેતી પણ દ્રવ્યમાં અભેદ થઈ જાય છે; જો ભૂતાર્થસ્વભાવમાં
અભેદ ન થાય તો તે શુદ્ધનય જ નથી. શુદ્ધનય પોતે શ્રુતજ્ઞાનની પર્યાય હોવા છતાં તેનો વિષય ભૂતાર્થરૂપ
શુદ્ધઆત્મા છે, તે ભૂતાર્થસ્વભાવમાં લક્ષ કરીને અભેદ થાય છે તેથી શુદ્ધનયને પણ ભૂતાર્થ કહેવાય છે. શુદ્ધઆત્મા
વિષય અને જ્ઞાન તેને જાણનાર–એવા બે ભેદનું લક્ષ શુદ્ધનયની અનુભૂતિ વખતે હોતું નથી.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ છે પણ સમજવા જેવી છે, આ સમજતાં અપૂર્વ કલ્યાણ થાય છે;
આવા આત્માને ઓળખીને અંતરમાં તેનો અનુભવ કરવો તે જૈનધર્મનો સાર છે. સમસ્ત જિનશાસનનો
સાર શું? કે શુદ્ધઆત્માની અનુભૂતિ! આગળ પંદરમી ગાથામાં આચાર્યદેવ કહેશે કે જે આ શુદ્ધઆત્માની
અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનનીઅનુભૂતિ છે. અહો! ત્યાં તો આચાર્યદેવે અલૌકિક વાત
કરી છે, આખાય જૈનશાસનનું રહસ્ય બતાવી દીધું છે.
(–શ્રી સમયસાર ગા. ૮ થી ૧૧ ઉપરના પ્રવચનોમાંથી)
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૧)
• સ્વચ્છત્વ – શક્ત •
અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક આકારરૂપ) એવો
ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં છે. જેમ અરીસાની સ્વચ્છત્વશક્તિથી તેની પર્યાયમાં
ઘટ–પટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.
અનંત શક્તિઓવાળા આત્માના આધારે ધર્મ થાય છે, તેથી તેની શક્તિઓ વડે તેને ઓળખવા માટે આ
વર્ણન ચાલે છે. આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય એવો તેનો સ્વચ્છ સ્વભાવ છે. બહારમાં શરીરને
ધોવાથી આત્માની સ્વચ્છતા થાય–એમ નથી; સ્વચ્છતા તો આત્માનો જ ગુણ છે, તે ક્યાંય બહારથી આવતી
નથી. અજ્ઞાનીઓ ચૈતન્યના સ્વચ્છ સ્વભાવને ભૂલીને શરીરની સ્વચ્છતામાં ધર્મ માને છે, ને શરીરની અશુચિ
થતાં જાણે કે પોતાના આત્મામાં મલિનતા લાગી ગઈ એમ તે માને છે; પણ આત્મા તો સ્વયં સ્વચ્છ છે, તેના
ઉપયોગમાં લોકાલોક જણાય છતાં તેને મલિનતા ન લાગે એવો તેનો સ્વચ્છસ્વભાવ ત્રિકાળ છે.
હે જીવ! તારી સ્વચ્છતા એવી છે કે તેમાં જગતનો કોઈ પદાર્થ જણાયા વગર રહે નહિ. જેમ અરીસાની
સ્વચ્છતામાં બધું દેખાય છે તેમ સ્વચ્છત્વશક્તિને લીધે આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય છે. શરીર તો જડ
છે, તેનામાં કોઈને જાણવાની તાકાત નથી, રાગાદિ ભાવોમાં પણ એવી સ્વચ્છતા નથી કે તે કોઈને જાણી શકે, તે
તો આંધળા છે; આત્મામાં જ એવી સ્વચ્છતા છે કે તેના ઉપયોગમાં બધું ય જણાય છે. સ્વચ્છતાને લીધે
આત્માનો ઉપયોગ જ લોકાલોકના જ્ઞાનપણે પરિણમી જાય છે. શરીર સ્વચ્છ હોય તો આત્માના ભાવ નિર્મળ
થાય–એમ નથી.