Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: પોષ: : ૪૩:
જૈનધર્મ નથી. જે જીવ પોતાના જ્ઞાયક પરમાત્મતત્ત્વને ન સમજે તે જીવ જૈનધર્મને પામ્યો નથી; અને જેણે
પોતાના જ્ઞાયક પરમાત્મતત્ત્વને જાણ્યું છે તે સમસ્ત જૈનશાસનના રહસ્યને પામી ચૂક્યો છે. પોતાના શુદ્ધ જ્ઞાયક
પરમ આત્મતત્ત્વની અનુભૂતિ તે નિશ્ચયથી સમગ્ર જિનશાસનની અનુભૂતિ છે. કોઈ જીવ ભલે જૈનધર્મમાં કહેલાં
નવતત્ત્વને વ્યવહારથી માનતો હોય, ભલે અગિયાર અંગને જાણતો હોય, તથા ભલે જૈનધર્મમાં કહેલી વ્રતાદિની
ક્રિયાઓ કરતો હોય, પરંતુ જો અંતરંગમાં પરદ્રવ્ય અને પરભાવોથી રહિત શુદ્ધ આત્માને તે ન જાણતો હોય તો
તે જૈનશાસનથી બહાર છે, તેણે ખરેખર જૈનશાસનને જાણ્યું જ નથી.
‘ભાવપ્રાભૃત’માં શિષ્ય પૂછે છે કે : જિનધર્મને ઉત્તમ કહ્યો તો તે ધર્મનું સ્વરૂપ શું છે? ત્યારે તેના
ઉત્તરમાં આચાર્યદેવ ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે :–
पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं।
मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।।
८३।।
જિનશાસનને વિષે જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતસહિત હોય તેમાં તો પુણ્ય છે; અને
મોહ–ક્ષોભરહિત આત્માના પરિણામ તે ધર્મ છે.
કોઈ લૌકિક જનો તથા અન્યમતિ એમ કહે છે કે પૂજા વગેરેમાં તથા વ્રત–ક્રિયાસહિત હોય તે જૈનધર્મ
છે;–પરંતુ એમ નથી. જુઓ, જે જીવ વ્રત–પૂજા વગેરેના શુભરાગને ધર્મ માને છે તેને ‘લૌકિક જન’ અને
‘અન્યમતિ’ કહ્યો છે. જૈનમતમાં જિનેશ્વર ભગવાને વ્રત–પૂજાદિના શુભભાવને ધર્મ કહ્યો નથી, પણ આત્માના
વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. તે વીતરાગભાવ કેમ થાય? કે શુદ્ધ–આત્મસ્વભાવના અવલંબને જ
વીતરાગભાવ થાય છે; માટે જે જીવ શુદ્ધ આત્માને દેખે છે તે જ જિનશાસનને દેખે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પણ શુદ્ધ આત્માના અવલંબનથી જ પ્રગટે છે, તેથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પણ શુદ્ધ આત્માના
સેવનમાં સમાઈ જાય છે; તથા શુદ્ધ આત્માના અનુભવથી જે વીતરાગભાવ પ્રગટ્યો તેમાં અહિંસા ધર્મ પણ
આવી ગયો અને ઉત્તમ ક્ષમાદિ દસ પ્રકારનો ધર્મ પણ તેમાં આવી ગયો. આ રીતે જેટલા પ્રકારે જૈનધર્મનું કથન
છે તે બધા પ્રકારો શુદ્ધ આત્માના અનુભવમાં સમાઈ જાય છે. તેથી જે શુદ્ધાત્માની અનુભૂતિ તે સમસ્ત
જિનશાસનની અનુભૂતિ છે.
અહો! આ એક ગાથામાં કુંદકુંદાચાર્યદેવે જૈનદર્શનનું અલૌકિક રહસ્ય ગોઠવી દીધું છે, જૈનશાસનનો મર્મ
શું છે તે આ ગાથામાં બતાવ્યો છે.
આત્મા જ્ઞાનઘનસ્વભાવી છે, તે કર્મના સંબંધવગરનો છે. આવા આત્મસ્વભાવને દ્રષ્ટિમાં ન લેતાં કર્મના
સંબંધવાળી દ્રષ્ટિથી આત્માને લક્ષમાં લેવો તે રાગબુદ્ધિ છે, તેમાં રાગની–અશુદ્ધતાની–ઉત્પત્તિ થાય છે તેથી તે
જૈનશાસન નથી. ભલે શુભવિકલ્પ થાય ને પુણ્ય બંધાય, પણ તે જૈનશાસન નથી. આત્માને અસંયોગી શુદ્ધ
જ્ઞાનઘનસ્વભાવપણે દ્રષ્ટિમાં લેવો તે વીતરાગીદ્રષ્ટિ છે ને તે દ્રષ્ટિમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય છે તેથી તે જ
જૈનશાસન છે. જેનાથી રાગની ઉત્પત્તિ થાય અને સંસારમાં રખડવાનું બને તે જૈનશાસન નથી. પણ જેના
અવલંબનથી વીતરાગતાની ઉત્પત્તિ થાય ને ભવભ્રમણ મટે તે જૈનશાસન છે.
આત્માની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા તથા કર્મનો સંબંધ છે પણ તેના ત્રિકાળી સહજ સ્વભાવમાં
અશુદ્ધતા કે કર્મનો સંબંધ નથી, ત્રિકાળી સહજ સ્વભાવ તો એકરૂપ વિજ્ઞાનઘન છે.–આમ આત્માના બંને
પડખાંને જાણીને, ત્રિકાળી સ્વભાવના મહિમા તરફ વળીને આત્માને શુદ્ધપણે અનુભવવો તે ખરો અનેકાન્ત છે
અને તે જ જૈનશાસન છે. આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
હું વિકારી અને કર્મના સંબંધવાળો છું–એમ પર્યાયદ્રષ્ટિથી આત્માને લક્ષમાં લેવો તે તો રાગની ઉત્પત્તિનું
કારણ છે અને જો તેના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. માટે આત્માને કર્મના સંબંધવાળો
ને વિકારી દેખવો તે જિનશાસન નથી; બીજી રીતે કહીએ તો આત્માને પર્યાયબુદ્ધિથી જ જોનાર જીવ મિથ્યાદ્રષ્ટિ
છે. પર્યાયમાં વિકાર હોવા છતાં તેને મહત્વ ન આપતાં, દ્રવ્ય–દ્રષ્ટિથી શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે
સમ્યગ્દર્શન અને જૈનશાસન છે. અંતરમાં જ્ઞાનરૂપ ભાવશ્રુત અને બાહ્યમાં ભગવાનની વાણીરૂપ દ્રવ્યશ્રુત–તે
બધાનો સાર એ છે કે જ્ઞાનને અંર્તસ્વભાવમાં વાળીને આત્માને શુદ્ધ અબદ્ધસ્પૃષ્ટ દેખવો. જે એવા આત્માને
દેખે તેણે જ જૈનશાસનને જાણ્યું છે અને તેણે જ સર્વ ભાવશ્રુતજ્ઞાન તથા દ્રવ્યશ્રુત–જ્ઞાનને જાણ્યું છે. જુદા જુદા
અનેક શાસ્ત્રોમાં અનેક પ્રકારની