Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: પોષ: ૨૪૭૯ : ૪૫:
(૪) ભગવાનના શાસ્ત્રમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર ઈત્યાદિ ગુણભેદથી આત્માનું કથન કર્યું છે, પણ ત્યાં તે
ભેદના વિકલ્પમાં જીવને રોકવાનો શાસ્ત્રનો આશય નથી; ભેદનું અવલંબન છોડાવીને અભેદ આત્મસ્વભાવ
બતાવવો તે જ શાસ્ત્રોનો આશય છે. ભેદના આશ્રયે તો રાગની ઉત્પત્તિ થાય છે ને રાગ તે જૈનશાસન નથી;
માટે જે જીવ ભેદના લક્ષે થતા વિકલ્પથી લાભ માનીને તેના આશ્રયમાં રોકાય ને આત્માના અભેદ સ્વભાવનો
અનુભવ ન કરે તો તે જૈનશાસનને જાણતો નથી. અનંત ગુણથી અભેદ આત્મામાં ભેદનો વિકલ્પ છોડીને,
અભેદસ્વરૂપે તેને લક્ષમાં લઈને તેના વલણમાં એકાગ્ર થવાથી નિર્વિકલ્પતા થાય છે, આ જ બધા તીર્થંકરોની
વાણીનો સાર છે ને આ જ જનશાસન છે.
(પ) આત્મા ક્ષણિક વિકારથી અસંયુક્ત છે; તેની અવસ્થામાં ક્ષણિક રાગાદિભાવ થાય છે પણ તેનો
અનુભવ કરવો તે જૈનશાસન નથી. સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મામાં વિકાર છે જ નહિ. ક્ષણિક વિકારથી
અસંયુક્ત એવા શુદ્ધ ચૈતન્ય–ઘનસ્વરૂપે આત્માને અનુભવવો તે જ અનંતા સર્વજ્ઞ અરિહંતપરમાત્માઓનું હાર્દ
અને સંતોનું હૃદય છે; બાર અંગ ને ચૌદપૂર્વની રચનામાં જે કાંઈ કહ્યું છે તેનો સાર એ જ છે. નિમિત્ત, રાગ કે
ભેદનાં કથનો ભલે હોય, તેનું જ્ઞાન પણ ભલે હો, પરંતુ એ બધાને જાણીને કરવું શું?... કે પોતાના આત્માને
પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન અભેદ જ્ઞાનસ્વભાવે અનુભવવો, એવા આત્માના અનુભવથી જ પર્યાયમાં
શુદ્ધતા થાય છે. જે જીવ એ પ્રમાણે શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈને અનુભવે તે જ સર્વ સંતોના હૃદયને અને
શાસ્ત્રોના રહસ્યને સમજ્યો છે.
જુઓ, આ શુદ્ધ આત્માના અનુભવની વીતરાગી વાર્તા! વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર સિવાય આવી વાત
કોણ કરી શકે? વીતરાગી અનુભવની આવી વાર્તા સાંભળવા જે જીવ પ્રેમથી ઊભો છે તેને જૈનશાસનના દેવ–
ગુરુ–શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા છે તેમ જ તેમના વિનય અને બહુમાનનો શુભરાગ પણ છે, પરંતુ તે કાંઈ જૈનદર્શનનો
સાર નથી, તે તો બહિર્મુખ રાગભાવ છે. અંતરમાં સ્વસન્મુખ થઈને દેવ–ગુરુ–શાસ્ત્રે જેવો કહ્યો તેવા આત્માનો
રાગરહિત અનુભવ કરવો તે જ જૈનશાસનનો સાર છે.
જુઓ, આ અપૂર્વ કલ્યાણની વાત છે. આ કોઈ સાધારણ વાત નથી, પણ જે સમજતાં અનાદિકાળના
ભવભ્રમણનો અંત આવી જાય–એવી આ વાત છે. આત્માની દરકાર કરીને આ વાત સમજવા જેવી છે. બહારની
ક્રિયાથી અને પુણ્યથી આત્માને લાભ થાય–એમ માનવાની વાત તો ઘણી દૂર રહી, અહીં તો કહે છે કે હે જીવ! તું
એ બહારની ક્રિયાને ન જો, પુણ્યને પણ ન જો, પણ અંતરમાં જ્ઞાનમૂર્તિ આત્માને જો. ‘પુણ્ય તે હું છું’–એવી દ્રષ્ટિ
કાઢિ નાંખ, ને ‘હું જ્ઞાયકભાવ છું’–એવી દ્રષ્ટિ કર. દેહાદિ બહારની ક્રિયાથી તેમ જ પુણ્યથી પણ પાર એવા
જ્ઞાયક–સ્વભાવી આત્માને અંતરમાં અવલોકવો તે જ જૈનદર્શન છે. એ સિવાય વ્રત અને પૂજાદિકને લોકો
જૈનદર્શન કહે છે પણ તે ખરેખર જૈનદર્શન નથી. વ્રત ને પૂજાદિકમાં તો ફક્ત શુભરાગ છે ને જૈનધર્મ તો
વીતરાગભાવસ્વરૂપ છે.
પ્રશ્ન:– આવો જૈનધર્મ કર્યો કેટલાએ?
ઉત્તર:– અરે ભાઈ! તારે તારું કરવું છે કે બીજાનું? પહેલાંં તું પોતે તો પોતાના આત્મામાં સમજ, અને
જૈન થા, પછી તને બીજાની ખબર પડશે. પોતે પોતાના આત્માને સમજીને હિત કરી લેવા માટેની આ વાત છે.
બાકી આવા વીતરાગી જૈનધર્મનું સેવન કરી કરીને જ પૂર્વે અનંતા જીવો મુક્તિ પામ્યા છે; અત્યારે દુનિયામાં
અસંખ્ય જીવો આવો ધર્મ સેવી રહ્યા છે; મહાવિદેહ ક્ષેત્રમાં તો આવા ધર્મની ધીકતી પેઢી ચાલી રહી છે, ત્યાં
તીર્થંકરો સાક્ષાત્ વિચરે છે. તેમની ધ્વનિમાં આવા ધર્મનો ધોધ વહે છે, ગણધરો તે ઝીલે છે, ઈન્દ્રો તેને આદરે
છે, ચક્રવર્તી વગેરે તેનું સેવન કરે છે; તેમ જ ભવિષ્યમાં પણ અનંત જીવો આવો ધર્મ પ્રગટ કરીને મુક્તિ પામશે.
પણ તેમાં પોતાને શું? પોતાને તો પોતાના આત્મામાં જોવાનું છે. બીજા જીવો મુક્તિ પામે તેથી કાંઈ આ જીવનું
હિત થઈ જતું નથી અને બીજા જીવો સંસારમાં રખડે તેથી કાંઈ આ જીવનું હિત અટકતું નથી. પોતે જ્યારે
પોતાના આત્માને સમજે ત્યારે પોતાનું હિત થાય છે. એ રીતે પોતાના આત્માને માટેની આ વાત છે, બાકી આ
તત્ત્વ તો ત્રણેકાળે દુર્લભ છે ને તે સમજનારા જીવો પણ વિરલા જ હોય છે. માટે પોતે સમજીને પોતાના
આત્માનું હિત સાધી લેવું.
–શ્રી સમયસાર ગા. ૧૫ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.