Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: ફાગણ: ૨૪૭૯ આત્મધર્મ : ૮૫ :
પણ વિકલ્પ ઊઠતો નથી, ઈંદ્ર વગેરે ભક્તો આવીને પૂજા કરે તો તે તરફની રાગની લાગણી નથી ને કોઈ
ઉપસર્ગ કરે તો ત્યાં દ્વેષ નથી. સંસારમાં અમારા કોઈ સ્વજન કે શત્રુ નથી, અમે તો અમારા ચિદાનંદ આત્મામાં
લીન થઈને ડોલીએ છીએ, ચૈતન્યના આનંદસાગરમાં અમે ઝૂલીએ છીએ, ક્યાંય બહારમાં અમારું લક્ષ જતું
નથી.–આવી મુનિવરોની અનુભવદશા હોય છે. તેમણે પોતાના આત્મા સાથે સંબંધ જોડીને જગત સાથેના
સંબંધને તોડી નાખ્યો છે.
અહો જીવો! શાંત થાવ...શાંત...સમભાવ કરો! –કેવો સમભાવ? કે ચૈતન્યના અનુભવમાં એકાગ્ર થતાં
રાગદ્વેષની લાગણી જ ઉત્પન્ન ન થાય–એવો વીતરાગી સમભાવ. આવો વીતરાગી સમભાવ મુનિદશામાં હોય છે.
આવી વીતરાગી મુનિદશા પ્રગટ્યા પહેલાંં ચૈતન્ય જ્ઞાયકતત્ત્વની આંર્તદ્રષ્ટિપૂર્વક ‘કોઈ પર મારાં મિત્ર કે શત્રુ
નથી’–એવી બુદ્ધિથી ધર્મી જીવોને સમ્યક્શ્રદ્ધાનો વીતરાગી સમભાવ હોય છે, ‘કોઈ પર મારા મિત્ર કે શત્રુ’
એવી મિથ્યાબુદ્ધિથી થતા રાગદ્વેષ તેને ટળી ગયા છે. મારા આત્માનું હિત કે અહિત કરનાર આ જગતમાં કોઈ
નથી. જેને પોતાના ભાવમાં રુચે તે પ્રશંસા કરે અને જેને ન રચે તે દ્વેષ કરે, પણ સૌ પોતપોતામાં જ તેવા ભાવ
કરે છે; મેં તો મારા આત્માને સમભાવમાં પરિણમાવ્યો છે–એમ શ્રામણ્યમાં પરિણમેલા મુનિઓના હૃદયમાં શાંતિ
છે.... અહો! તે મુનિઓની શાંતિ! તે સંતોને આત્માની જ ધૂન લાગી છે, આત્માના આનંદની જ લગની લાગી
છે, આત્માની રમણતાની ધૂનમાં સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો ભોગવટો કરે છે.....સાધક સંતો
આત્માના સહજ આનંદરસમાં લીન રહે છે.
આત્માના ભાનપૂર્વક જ્ઞાની એવા મુનિપદની ભાવના ભાવે છે કે–
એકાકી વિચરતો વળી સ્મશાનમાં.... વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જો...
અડોલ આમન ને માનમાં નહિ ક્ષોભતા.... પરમ મિત્રનો પામ્યા જાણે યોગ જો....
–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
અહો! એવો ધન્ય અવસર ક્યારે આવે કે હું સ્મશાનમાં એકલો જઈને ચૈતન્યના ધ્યાનમાં લીન થાઉં!
જગતમાં તો મડદાને બીજા લોકો ‘ઓ.... ઓ....’ કરતા સ્મશાનમાં ઉપાડી જાય ને ત્યાં બાળી નાંખે,–પણ હું તો
એકલો મારી મેળે ચૈતન્યની લગનીથી ‘“.....“....’ કરતો સ્મશાનમાં જઈને દેહથી ભિન્ન આત્માનું ધ્યાન
કરું...“ના વાચ્યભૂત ભગવાન શુદ્ધાત્માને ધ્યાનમાં લઈને ચૈતન્યસ્વરૂપને જાગૃત કરતો, સ્મશાનમાં મોહને
મડદાની જેમ ખાખ કરી નાંખું! હજી આવી દશા આવ્યા પહેલાંં આ વાત સમજીને તેની ભાવના કરવામાં પણ
અલૌકિક નિર્જરા થાય છે. આ ભાવનામાં એક ને એક વાત ફરી ફરીને આવે તોય પુનરુકિતદોષ લગતો નથી.
જેને જેની લગની લાગી હોય તે તેની ભાવનાને વારંવાર ઘૂંટયા કરે છે. જગતના અજ્ઞાની જીવો વિષય–કષાયની
ઊંધી ભાવનાને વારંવાર ઘૂંટે છે, ને અહીં આત્મામાં ઠરવાની વીતરાગી ભાવના વારંવાર ઘૂંટાય છે.
ધર્મી જીવ વીતરાગી ચારિત્રની ભાવના ભાવે છે કે : અહો! જ્યાં સિંહ અને વાઘ ત્રાડ પાડતા વિચરતા
હોય એવા જંગલમાં એકાકી આત્મસ્વરૂપમાં ક્યારે વિચરતા હોઈએ! નિર્ભયપણે અડોલ આસન હોય...ને સિંહ–
વાઘ શરીરને ખાઈ જશે એવો વિકલ્પ પણ મનમાં ન હોય....અમે તો અંતરની ચૈતન્યગુફામાં રહેનાર અરૂપી
આનંદકંદ, તેને કોણ ખાય?–ને કોણ કરડે? આ જડ શરીર તે અમારી ચીજ નથી, દેહથી ભિન્નતા જાણીને તેનું
મમત્વ છોડી દીધું છે. વાઘ આવીને શરીરને ખાઈ જાય તો, અમે જે શરીરને છોડવા માંગીએ છીએ (–અર્થાત્ જેનું
મમત્વ છોડી દીધું છે) તેને તે લઈ જાય છે તેથી તે અમારો મિત્ર છે. ખરેખર તો મુનિઓને ચૈતન્યની લીનતામાં
એવી વીતરાગતા થઈ ગઈ છે કે દેહ પ્રત્યેનો વિકલ્પેય નથી ઊઠતો.–અહો! આવી આત્મભાવના કરીને સંતો
નિજસ્વરૂપમાં ઠરે ત્યાં જગતનું જોવા ક્યાં રોકાય! –આવી અશરીરી ચૈતન્ય સ્વભાવની ભાવના વિના ધર્મ ન
હોય. અશરીરી ચૈતન્યની ભાવના ભાવતાં ભવનો અભાવ થઈ જાય છે. પરની ભાવના કરવામાં તો ભાઈ! તારો
અનંતકાળ ચાલ્યો ગયો.....હવે આવા ચૈતન્યનો મહિમા જાણીને તેની ભાવના તો કર. એની ભાવનાથી તારા
ભવના નિવેડા આવશે. શ્રી શાંતિનાથ ભગવાન આવી ભાવના કરીને મુનિ થયા તેમ દરેક જીવે પોતે પોતાની
શક્તિ પ્રમાણે ભાવના કરવી. આવી ભાવનામાં સૌએ સાથ આપવા જેવો છે, આવી ભાવનાનું અનુસરણ કરવા
જેવું છે.