Atmadharma magazine - Ank 115
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
ઃ ૧૪૬ઃ આત્મધર્મઃ ૧૧પ
અનુકૂળ અને આ મને પ્રતિકૂળ’ એવો વિકલ્પ જ નથી ઊઠતો. કોઈ પણ સંયોગ મને ઇષ્ટ–અનિષ્ટ નથી એવો
વીતરાગી અભિપ્રાય તો પહેલેથી હતો, ને તે ઉપરાંત હવે ચૈતન્યમાં લીનતા થતાં એવી વીતરાગીપરિણતિ થઈ
ગઈ કે કોઈ પણ અનુકૂળ–પ્રતિકૂળ પ્રસંગમાં રાગ–દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી.–આવી મુનિદશા છે, ભગવાને
આજે આવી દશા પ્રગટ કરી.
મુનિદશામાં ભગવાનને તો આત્માના સહજ આનંદની અલૌકિક ખુમારી હતી. ચૈતન્યસમુદ્રમાંથી
આનંદનાં ઝરણાં ઝરતા હતા. જેમ ડુંગરમાંથી શીતળ નિર્ઝરણું ઝરતું હોય તેમ ભગવાનને અંદરના ચૈતન્ય–
ડુંગરમાંથી આનંદનાં નિર્ઝરણાં વહેતા હતા.....પરમ શાંત રસની ધારા ઝરતી હતી....અપૂર્વ અમૃતના ફૂવારા
સ્ફૂરતા હતા. અહો! ભગવાને અંતરમાં ઊતરીને આનંદના દરિયામાં ડૂબકી મારી. મુનિદશામાં ભગવાનને એવા
આનંદનો અનુભવ હતો કે મોટા ઇન્દ્રો અને ચક્રવર્તીઓને પણ તેટલો આનંદ ન હોય; ઇન્દ્ર વગેરે જે સમ્યગ્દ્રષ્ટિ
છે તેમને તેવા અતીન્દ્રિય આનંદનો અંશ હોય છે, પરંતુ મુનિદશા જેટલો આનંદ તેમને નથી હોતો; મુનિ જેવા
આનંદનો નમૂનો હોય છે પણ મુનિદશા જેટલો આનંદ નથી હોતો. મુનિને તો આનંદનો અનુભવ ઘણો વધી ગયો
છે, મુનિઓ તો આત્મા આનંદસાગરમાં ઝૂલે છે. અહો, એ આનંદસાગરમાં ઝૂલનારા સંતોની શી વાત? તે તો
પંચ પરમેષ્ઠી પદમાં ભળી ગયા છે ને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે.
મારા આત્માને ત્રિકાળીસ્વભાવથી એકત્વ છે ને પરથી પૃથકત્ત્વ છે,–આમ સ્વભાવની ભાવના કરીને
તેમાં એકાગ્રતાવડે ભગવાન આનંદનો અનુભવ લેતા હતા. આત્મા આનંદનો ડુંગર છે, તેમાં અંતર્લીનતા વડે
ધ્યાનરૂપી છરી મારીને ભગવાને અતીન્દ્રિય આનંદ પ્રગટ કર્યો. ચોથા ગુણસ્થાનવાળા ઇન્દ્ર વગેરેને મતિ–શ્રુત–
અવધિ ત્રણ–જ્ઞાન હોય, અને પાંચમાં ગુણસ્થાનવાળા કોઈ સાધારણ શ્રાવક હોય–અરે! તિર્યંચ હોય ને તેને
અવધિજ્ઞાન ન પણ હોય, છતાં ઇન્દ્રના આનંદ કરતાં તે પાંચમા ગુણસ્થાનવાળા તિર્યંચનો આનંદ ઘણો વધી
ગયો છે. અને છઠ્ઠા–સાતમા ગુણસ્થાનવાળા મુનિને તો ઘણો જ આનંદ વધી ગયો છે, અંતરમાં ઘણી લીનતા વડે
તે તો આનંદના અનુભવમાં મગ્ન છે. કયાંય બહારના સંયોગમાંથી આનંદ નથી આવતો પણ અંતરમાં આત્મા
પોતે આનંદનો દરિયો છે તેમાં ડૂબકી મારીને જેટલો એકાગ્ર થાય તેટલો આનંદનો અનુભવ થાય છે. બહારના
સંયોગમાંથી આનંદ આવતો હોય તો તો ઇન્દ્રને સૌથી વધારે આનંદ હોય,–પણ એમ નથી. મુનિઓને ખુલ્લા
શરીરે જંગલમાં રહેવું, ટાઢ–તડકા સહન કરવા વગેરેનું કિંચિત્ દુઃખ નથી, મુનિઓ તો આત્માના આનંદમાં એવા
મશગૂલ છે કે બહારના સંયોગ ઉપર લક્ષ જતું નથી; અને લક્ષ જાય તો ત્યાં રાગ–દ્વેષ થતો નથી. પહેલાં પોતાની
સ્વતંત્ર પર્યાયની કમજોરીથી રાગ–દ્વેષ થતા હતા, હવે મુનિદશામાં સ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થથી તે રાગ–
દ્વેષ થતા નથી.
જેમ નાળિયેરમાં અંદરનો સફેદ–મીઠો ગોળો બહારના છોતાં–કાચલી તેમજ રાતી છાલથી જુદો છે; તેમ
ભગવાન પોતાના ભિન્ન ચૈતન્ય તત્ત્વની ભાવના કરતા હતા કે અહો! મારો આનંદકંદ ચૈતન્ય ગોળો આ
શરીરરૂપી છોતાંથી, કર્મરૂપી કાચલાથી તેમજ રાગરૂપી રાતપથી જુદો છે.–આમ ભિન્ન ચૈતન્યની ભાવના ભાવીને
ભગવાન તેમાં એવા ગુમ થઈ જતા કે ‘હું દેહમાં છું કે હું તીર્થંકર છું, હું મુનિ છું ને કેવળજ્ઞાન પ્રગટ કરું’ એવા
કોઈ વિકલ્પો રહેતા ન હતા. આત્માના આનંદના અનુભવમાં આવી લીનતા થયા વગર કોઈ જીવને મુનિદશા
હોતી નથી; અને અંતરમાં આવી મુનિદશા થતાં બહારમાં શરીર ઉપર વસ્ત્રાદિનું ગ્રહણ હોતું નથી. અંતરમાં તો
રાગ–દ્વેષ રહિત ભાવનિર્ગ્રંથતા અને બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ રહિત દ્રવ્ય નિર્ગ્ર્રથતા, આ પ્રમાણે ભાવે અને
દ્રવ્યે નિર્ગ્રંથદશા થયા વગર ત્રણકાળમાં કોઈ જીવને મુનિપણું હોતું નથી, અને મુનિદશા વગર કેવળજ્ઞાન કે મુક્તિ
થતી નથી.
ભગવાનને ખબર હતી કે હું આ જ ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તીર્થંકર થવાનો છું, હું આ ભવમાં જ
સિદ્ધ થનાર ચરમશરીરી છું. પરંતુ ચારિત્રદશા વગર કેવળજ્ઞાન થતું નથી. હું હવે મુનિ થઈને વીતરાગી– ચારિત્ર્ય
અને કેવળજ્ઞાન પ્રગટ કરવા માગું છું. વૈરાગ્ય થતાં ભગવાન આવી ભાવનાઓ ભાવતા હતા. મારો આત્મા
પવિત્ર જ્ઞાયકસ્વરૂપ છે, રાગાદિભાવો તો મલિન છે ને દેહ અશુચીમય છે. આવી અશુચી ભાવનામાં શરીર વગેરે
પ્રત્યેનો દ્વેષભાવ નથી, પણ ચૈતન્યના પવિત્ર સ્વભાવની સાથે મેળવીને શરીરાદિકને અશુચી કહ્યાં છે. જ્યાં
ચૈતન્યસ્વભાવમાં લીનતા થઈ ત્યાં શરીર પ્રત્યે કિંચિત્ ગ્લાનિ નથી, આનું નામ ખરી અશુચીભાવના છે. પરદ્રવ્ય
પ્રત્યે ગ્લાનિનો ભાવ આવે તો તે દ્વેષ છે.