Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬૯ઃ
તીર્થંકરો ભવિષ્યમાં થશે; ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ સમજીને જે પોતામાં આનંદ પ્રગટ કરે તેને ભગવાન
આનંદનું નિમિત્ત છે અને નિમિત્ત તરીકે ભગવાન આનંદના દાતાર છે. પણ જે પોતે ન સમજે તેને કાંઈ
ભગવાન સમજાવી દેતા નથી અને તેને માટે ભગવાન આનંદનું નિમિત્ત પણ નથી. ભગવાનનો પરમ આનંદ
ભગવાન પાસે રહ્યો, આ જીવ પોતે શુદ્ધનયનું અવલંબન લઈને સ્વભાવનો આશ્રય કરે તો તેને કલ્યાણ અને
આનંદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધનયના આશ્રય વગર કદી કલ્યાણ કે આનંદની પ્રાપ્તિ થતી નથી. ત્રણેકાળના
જીવોને માટે સાચો આનંદ પ્રાપ્ત કરવાની આ એક જ રીત છે. અરિહંત ભગવંતોએ આ જ ઉપાયથી પોતાના
આત્મામાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર્યો અને બીજા જીવોને આ જ ઉપાય ઉપદેશ્યો.
* હે જીવ! તું તારું સંભાળ! *
પ્રશ્નઃ– આપ જે વાત સમજાવો છો તે વાત તો બરાબર સાચી જ છે, પણ તેનાથી સમાજને શું લાભ થાય?
ઉત્તરઃ– જુઓ ભાઈ! પહેલી વાત તો એ છે કે પોતાને પોતાનું જોવાનું છે. સમાજનું ગમે તે થાય–તેની
ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળવું. મધદરિયે ડબકાં ખાતો હોય ત્યારે સમાજની કે કુંટુંબની ચિંતા કરવા નથી
રોકાતો પણ હું દરિયામાં ડૂબતો કેમ બચું?–તે માટે જ ઉપાય કરે છે, તેમ સંસારસમુદ્રમાં રખડતાં માંડ માંડ
મનુષ્યભવ મલ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર–ભ્રમણથી કેમ છૂટે–એ જ જોવાનું
છે, પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચૂકાઈ જાય છે. આ વાત તો પોતે પોતાનું હિત કરવાની છે. દરેક જીવ
સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું કાંઈ પરાધીનપણું નથી.
માટે હે જીવ! તું તારા હિતનો ઉપાય કર.
* બધા જીવોને માટે કલ્યાણનો પંથ એક જ છે *
બીજી વાત એ છે કે જે ઉપાયથી એક જીવને હિત થાય તે જ બધા જીવોને માટે હિતનો ઉપાય છે. સમાજ
તે કાંઈ જુદી વસ્તુ નથી પણ ઘણા જીવોનો સમૂહ તે સમાજ છે; તેમાંથી જે જે જીવો આ સત્ય વાત સમજશે તે તે
જીવોનું કલ્યાણ થશે. કલ્યાણનો પંથ બધા જીવોને માટે ત્રણકાળે એક જ પ્રકારનો છે. ત્રણેકાળના સર્વે જીવોને
સત્યથી જ લાભ થાય, અસત્યથી કદી કોઈને લાભ થાય જ નહિ.
અહીં ‘સત્ય’ એટલે શું? કે આત્માનો ભૂતાર્થસ્વભાવ તે જ સત્ય છે, તેના જ આશ્રયે જીવનું કલ્યાણ
થાય છે. આત્માના શુદ્ધ ચિદાનંદસ્વભાવના આશ્રય વગર ત્રણકાળ ત્રણલોકમાં કોઈને શાંતિ થતી નથી. અજ્ઞાની
ભલે શુભરાગ કરે પણ તે ધર્મ નથી, તેમ જ તે શુભરાગના ફળમાં સાચી શાંતિ મલતી નથી.
* સત્યતત્ત્વની વિરલતા *
અહો! ચિદાનંદસ્વભાવના આશ્રયની આ વાત સમજવી તે તો અપૂર્વ છે અને સાંભળવી પણ દુર્લભ છે.
બાહ્ય ક્રિયાકાંડથી ને શુભરાગથી ધર્મ મનાવનારા તો જગતમાં ઘણા છે પણ શુદ્ધનયના આશ્રયનો ઉપદેશ
જગતમાં બહુ વિરલ છે, તો તે સમજનારા તો વિરલ જ હોય–એમાં શું આશ્ચર્ય છે! યોગસારમાં કહે છે કે–
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
વળી કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ તત્ત્વની વિરલતા બતાવતાં કહે છે કે –
विरलाः निश्रृण्वन्ति तत्त्व विरलाः जानन्ति तत्त्वतः तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।।२७९।।
જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે,
જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ વારંવાર અભ્યાસ વિરલા જ કરે છે, અને અભ્યાસ કરીને પણ તત્ત્વની
ધારણા તો વિરલાને જ થાય છે.
એક તો જગતમાં યથાર્થ આત્મસ્વરૂપની વાત સંભળાવનાર જ્ઞાની જ મલવા બહુ મોંઘા છે. અને જ્ઞાની
પાસેથી તે વાત સાંભળવા મળે ત્યારે ‘આ તો નિશ્ચયની કથની છે’ એમ કહીને મૂઢ અજ્ઞાની જીવો તેની અરુચિ
કરે છે. ‘અહો! આ તો હું અનંતકાળથી જે નથી સમજ્યો એવી મારા સ્વભાવની અપૂર્વ વાત છે’– એમ
અંતરથી આદર લાવીને સાંભળનારા જીવો વિરલા હોય છે. મૂઢ જીવોને વ્યવહારની એટલે કે રાગની