Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૧૭૦ઃ આત્મધર્મઃ ૧૧૬
અને બાહ્યક્રિયાની વાત સાંભળતાં હોંશ આવે છે ને ચૈતન્યતત્ત્વની અપૂર્વ વાત સાંભળતાં કંટાળો આવે છે. પણ અરે
ભાઈ! આ વાત સમજ્યા વગર તારું કલ્યાણ થાય તેમ નથી. ભગવાન! એકવાર અંતરના ચૈતન્યસ્વભાવ તરફ
તારી દ્રષ્ટિ ફેરવ. બહારનો મહિમા ભૂલી જા ને અંતરનો મહિમા લક્ષમાં લે....તો તારું કલ્યાણ થાય.
* ચૈતન્ય–મહિમાને ચૂકીને મૂઢ જીવ જડનો ને રાગનો સ્વામી થાય છે *
અહો! એક સમયમાં કેવળજ્ઞાન પ્રગટે એવી શક્તિ આત્મામાં છે, પરંતુ પરમાં એક પરમાણુને પણ ફેરવી
શકે એવી શક્તિ આત્મામાં નથી કેમ કે આત્મા જડનો સ્વામી નથી. પોતાને શરીર વગેરે જડનો સ્વામી માને તે
તો મોટો મૂઢ છે, અને ભૂતાર્થ ચૈતન્યસ્વભાવના મહિમાને ભૂલીને જે જીવ રાગનો સ્વામી થાય તે પણ મૂઢ છે.
જડનો સ્વામી તો જડ હોય. જડથી ભિન્ન પોતાના ચૈતન્ય–સ્વરૂપનું જેને ભાન છે તે કદી જડનું સ્વામીપણું
માનતો નથી એટલે કે શરીર વગેરેની ક્રિયા મારે લીધે થાય છે–એમ તે માનતો નથી. જડ શરીરાદિની ક્રિયા
મારાથી થાય છે–એમ જે માને છે તેણે જડથી ભિન્ન આત્માનું ભાન જ નથી. અનાદિકાળથી જીવે શરીરાદિની
ક્રિયાનો અને રાગાદિ વ્યવહારનો પક્ષ કર્યો છે એટલે કે તેમના આશ્રયે ધર્મ માનીને ત્યાં જ પર્યાયને એકાગ્ર કરી
છે, પરંતુ દેહથી ને રાગથી પાર એવા પોતાના ભૂતાર્થ ચૈતન્યસ્વભાવનો પક્ષ જીવે કદી કર્યો નથી. તેથી જીવ
સંસારમાં રખડી રહ્યો છે.
* કોલાહલ છોડીને સત્ય સમજવાનો ઉપદેશ *
અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે જીવ! વ્યવહારનયનો વિષય તો અભૂતાર્થ છે, તેના આશ્રયે તારું
કલ્યાણ નથી માટે તેનો આશ્રય છોડ, અને શુદ્ધનયના વિષયરૂપ પરમાર્થઆત્માનો આશ્રય કર. તે ભૂતાર્થ છે,
તેના આશ્રયે તારું કલ્યાણ છે. બહારની ક્રિયાથી કે શુભરાગરૂપ વ્યવહારના આશ્રયથી કલ્યાણ થશે–એવા તારા
મિથ્યા કોલાહલને છોડ ને અમે કહીએ છીએ તે રીતે સમજીને તારા શુદ્ધસ્વભાવનો અનુભવ કર.
જે જીવ આ વાત સમજતો નથી અને વિરોધ કરે છે તેને તેના આત્મહિતની વાત મીઠાશથી આચાર્યદેવ
સમજાવે છે કેઃ
विरम! किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य पण्मासमेकम्।
हृदयसरसि पुंसः पुद्गलद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।। ३४।।
–હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક
ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈને દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો....કે એમ કરવાથી
પોતાના હૃદય–સરોવરમાં, જેનું તેજ–પ્રતાપ–પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય
છે.–અર્થાત્ જરૂર પ્રાપ્તિ થશે.
* અન્ય કોલાહલ છોડીને અભ્યાસ કરે તો..... *
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ એટલે કે અનુભવ જરૂર થાય; જો પરવસ્તુ હોય તો
તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે પણ ભૂલી રહ્યો છે. જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં
સ્વરૂપપ્રાપ્તિ માટે છ મહિના અભ્યાસ કરવાનું કહ્યું તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેની પ્રાપ્તિ
તો અંતમુહૂર્તમાં થઈ જાય છે. પણ કોઈ શિષ્યને તે કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે અને કહ્યું છે કે હે
ભાઈ! જો સમજવામાં બહુ કાળ લાગશે તો છ મહિનાથી અધિક નહિ લાગે, માટે તું અંતરમાં આનો અભ્યાસ
કર. અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડીને આમાં ઉદ્યમ કરવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે.
જુઓ, અહીં ‘અન્ય કોલાહલ’ છોડીને અભ્યાસ કરવાનું કહ્યું છે, એક પરમાર્થ ચૈતન્યસ્વરૂપ સિવાય
બીજા કોઈના આશ્રયથી લાભ થાય કે વ્યવહાર કરતાં કરતાં તેનાથી ધર્મ થઈ જાય–એવી માન્યતા તે બધો
નકામો કોલાહલ છે. તે કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્યના પરમાર્થ સ્વરૂપની સન્મુખતાનો અભ્યાસ કરે તો
અલ્પકાળમાં તેનો અનુભવ જરૂર થાય.
* કેવળજ્ઞાન *
અહો! ચૈતન્યના અદ્ભુત–અચિંત્ય નિધાન અંતરમાં ભર્યા છે. હે ચિદાનંદનાથ! કેવળજ્ઞાન થવાનું
સામર્થ્ય તારી અંર્તશક્તિમાં ભર્યું છે, તેમાં અંતર્મુખ થઈને પ્રતીત અને એકાગ્રતા કરતાં કેવળજ્ઞાન પ્રગટી
જશે....(ખ..ળ...ભ...ળા...ટ...)