Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૧૭૬ઃ આત્મધર્મઃ ૧૧૬
પૂ. ગુરુદેવશ્રીની જન્મભૂમિ ઉમરાળા નગરીમાં
* જન્મભૂમિ–સ્થાન–મંદિરનું શિલાન્યાસ–મુહૂર્ત *
પૂ. ગુરુદેવશ્રીના જન્મથી અને બાલ્યજીવનથી પાવન થયેલી ઉમરાળાનગરી સોનગઢથી લગભગ સાત
ગાઉ અને ધોળા જંકશનથી લગભગ બે ગાઉ દૂર આવેલ છે. આજથી ૬૩ વર્ષ પહેલાં શ્રી મોતીચંદભાઈને ત્યાં
ઉજમબા માતાની કૂંખે શ્રી કહાનકુમારનો જન્મ થતાં એ ધામ પાવન બન્યું. પૂ. ગુરુદેવશ્રીના મંગલકારી જન્મથી
જે ઘર પવિત્ર બન્યું તે ઘર ફરીથી નવું બાંધવા માટે તથા તેની બાજુમાં સ્વાધ્યાય અને પ્રવચન વગેરે માટે
સ્વાધ્યાય મંદિર બાંધવાની કેટલાક ભક્તજનોની ભાવના હતી. આ વૈશાખ સુદ પૂર્ણિમાએ તે જન્મસ્થાન–ભૂમિનું
શિલાન્યાસ મુહૂર્ત પૂ. ભગવતી બેનશ્રી ચંપાબેનના પવિત્ર હસ્તે ઘણા ઉત્સાહપૂર્વક થયું હતું.
આ મંગલ પ્રસંગે પૂ. બેનશ્રીબેનની સાથે સોનગઢના કેટલાક ભક્તજનો પણ ઉમરાળા ગયા હતા અને તે
સંઘને ‘જન્મભૂમિ યાત્રાસંઘ’ નામ આપ્યું હતું. સોનગઢથી ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુના જિનબિંબને પણ
ઉમરાળા પધરાવવામાં આવ્યા હતા. વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ સવારમાં શ્રી શાંતિનાથ પ્રભુજી સહિત
ભક્તજનો ગાજતે–વાજતે ગામમાં ફરીને જન્મભૂમિસ્થાને આવ્યા હતા. તે પાવન સ્થાનમાં પ્રભુજીને બિરાજમાન
કરીને પૂજનાદિ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તજનોના અતિશય આનંદ અને ઉલ્લાસપૂર્ણ
વાતાવરણની વચ્ચે ઘણા જ ભક્તિભાવથી એ જન્મભૂમિસ્થાનનું શિલાન્યાસ થયું હતું. (જે મકાનમાં પૂ.
ગુરુદેવશ્રીનો જન્મ થયો હતો તે જીર્ણ થવાની તૈયારી હોવાથી તેને બદલે તે જ સ્થળે તેવી જ ડીઝાઈનવાળું બીજું
નવું મકાન તૈયાર કરવાનું છે, તેનું આ શિલાન્યાસ થયું હતું.)
શિલાન્યાસ બાદ તે જ સ્થળે ઘણા ઉલ્લાસપૂર્વક પૂ. બેનશ્રીબેને અદ્ભુત ભક્તિ કરાવી હતી. તેમાં
“વાહ વા....જી.....વાહ”ની ખાસ ધૂન લેવડાવી હતી–
ઉજમબાએ બેટો જાયો........વાહ વા......જી......વાહ.......
કહાન કુંવર જાયો...............વાહ વા.......જી.....વાહ......
જગનો તારણહાર જાયો........ વાહ વા.......જી....વાહ....
–એ ધૂન વખતે ભક્તજનોના હૃદય આનંદથી ઊછળતા હતા. ભક્તિ પછી ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહે આ પ્રસંગને લગતું એક ભાષણ કર્યું હતું તેમાં તેમણે આ જન્મભૂમિસ્થાનની તથા આજના મંગલ–પ્રસંગની
વિશિષ્ટતા બતાવીને, તેનો ભક્તિયુક્ત મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે સોનગઢથી આવેલા ભક્તજનો તરફથી
લગભગ રૂા. ૨૭૦૦ ની રકમો જન્મભૂમિસ્થાન માટેના ફંડમાં આપવામાં આવી હતી. ઉમરાળાના ભાઈઓ–શેઠ
કુંવરજી જાદવજી, આણંદજી નાગરદાસ, ધીરજલાલ હરજીવન, ગંગાબેન, રતિલાલ પ્રાગજી, જયંતિલાલ મણીલાલ,
હેમચંદ ચત્રભુજ વગેરેએ આ જન્મભૂમિસ્થાન માટે ઉત્સાહ બતાવ્યો છે.
એ પવિત્ર જન્મભૂમિસ્થાનનું શિલાન્યાસ અને ભક્તિ કરીને પછી પૂ. ગુરુદેવનું ગામ જોવા માટે બધા
ભક્તજનો ગામમાં ગયા. પૂ. ગુરુદેવના બાલજીવનના સાથીદાર એક ભાઈ સાથે આવીને ધૂલી નિશાળ, રમવાનું
સ્થાન વગેરે સ્થળો બતાવતા અને સાથે સાથે બાલપણના કોઈ પ્રસંગનો ઉલ્લેખ કરતા; જે ભૂમિમાં ગુરુદેવ
જન્મ્યા, જે ભૂમિમાં પારણે ઝૂલ્યા, ગોઠણભેર ચાલીને અને નાનકડી પગલીઓથી જે સ્થાનની રજને પાવન કરી.
તે પવિત્ર રજને ભક્તિપૂર્વક સૌ મસ્તકે ચડાવતા હતા. જ્યાં ગુરુદેવ ભણ્યા–જ્યાં રમ્યા–જે કૂવાનું પાણી પીધું–
જ્યાં વૈરાગ્યજીવનના વિચારો અને મંથન કર્યું વગેરે અનેક સ્થળો જોતાં મુમુક્ષુઓના હૈયામાં અનેકવિધ
પ્રેરણાઓ જાગતી હતી. એ સ્થળો જોતાં જોતાં ઉમરાળા નગરીને પ્રદક્ષિણા કરી ત્યારે અયોધ્યા નગરીની
પ્રદક્ષિણા યાદ આવી જતી હતી. અને પગલે પગલે ભક્તજનોથી બોલાઈ જતું કે–
તુજ પાદપંકજ અહીં થયા આ દેશને પણ ધન્ય છે;
આ ગામપુર જ ધન્ય છે, તુજ માત કુળ જ વંદ્ય છે.
તારાં કર્યાં દર્શન અરે! તે લોક પણ કૃતપુણ્ય છે;
તુજ પાદથી સ્પર્શાઈ એવી આ ધૂલિને પણ ધન્ય છે.
આ રીતે જન્મભૂમિ સ્થાનના શિલાન્યાસ–મહોત્સવ પ્રસંગે જન્મભૂમિસ્થાનની યાત્રાથી બધાને ઘણો હર્ષ
અને આનંદ થયો હતો. આ જન્મભૂમિસ્થાનમાં શ્રી જિનેન્દ્રદેવના પ્રતિમાજીનું સ્થાપન કરવાની પણ ભાવના છે.