અષાઢ: ૨૪૭૯ : ૧૯૧ :
[૩]
• શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગની પરીક્ષા •
[ત્રીજા વર્ગ (ઉત્તમ શ્રેણી) માં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો]
: વિષય:
મોક્ષમાર્ગ–પ્રકાશક અધ્યાય ૧, પૃષ્ઠ: ૧ થી ૧૧.
જૈનસિદ્ધાંત પ્રવેશિકાના પ્રશ્નો: ૧ થી ૧૩૨ તથા ૨૮૯ થી ૩૦પ.
ઉપાદાન–નિમિત્તના દોહા (૪૭+૭).
• પ્રશ્ન: ૧ •
–ભાવલિંગી મુનિ કોને કહે છે, તેમનાં અંતરંગ અને બાહ્ય ચિહ્નો શું છે અને તેમની બાહ્ય પ્રવૃત્તિ કેવી
હોય તે વિષે એક નિબંધ લખો.
(આ પ્રશ્નના ઉત્તરરૂપ નિબંધ આવતા અંકે આપવામાં આવશે.)
• પ્રશ્ન: ૨ (અ) •
વીતરાગ–વિજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે કેવી રીતે થાય છે તે કારણ આપીને
સમજાવો.
• ઉત્તર: ૨ (અ) •
વીતરાગી–વિજ્ઞાન વડે જ જીવને સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે તેથી તે વીતરાગીવિજ્ઞાનની
પ્રાપ્તિ કરવી તે જીવનું પ્રયોજન છે; તે વીતરાગી–વિજ્ઞાનની પ્રાપ્તિ અરિહંતાદિક વડે નીચેના કારણોથી થાય છે:
આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે––અશુભ, શુભ અને શુદ્ધ. તીવ્રકષાયરૂપ પરિણામ તે અશુભ છે,
મંદકષાયરૂપ શુભ છે અને કષાયરહિત તે શુદ્ધપરિણામ છે. તેમાંથી–
(૧) પોતાના વીતરાગી–વિજ્ઞાનરૂપ સ્વભાવના ઘાતક એવા જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો અશુભપરિણામ
વડે તો તીવ્રબંધ થાય છે;
(૨) શુભપરિણામ વડે મંદ બંધ થાય છે તેમ જ તે શુભપરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્રબંધને પણ
મંદ કરે છે; અને
(૩) શુદ્ધપરિણામ વડે બંધ થતો જ નથી, કેવળ તેની નિર્જરા જ થાય છે.
––હવે અરિહંતાદિક પ્રત્યે સ્તવનાદિરૂપ જે ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ
પરિણામ છે તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધપરિણામનું કારણ પણ છે. એવા પરિણામ
વડે પોતાના ઘાતક એવા ઘાતિકર્મોનું હીનપણું થઈને સ્વાભાવિક રીતે જ વીતરાગ–વિશેષજ્ઞાન પ્રગટે છે. પોતાના
પરિણામથી જેટલા અંશે ઘાતિકર્મો હીન થાય તેટલે અંશે વીતરાગી–વિજ્ઞાન પ્રગટે છે. આ પ્રમાણે શ્રી અરિહંતાદિ
વડે પોતાનું વીતરાગી–વિજ્ઞાનરૂપ પ્રયોજન સિદ્ધ થાય છે.
વળી શ્રી અરિહંતાદિકના આકારનું–ઉપશાંત મુદ્રાનું તથા પ્રતિમા વગેરેનું અવલોકન, તેમના સ્વરૂપનો
વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું તથા તેમના અનુસાર પ્રવર્તવું... એ વગેરે કાર્યો તત્કાલ જ
નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે અને જીવ–અજીવ વગેરેનું વિશેષજ્ઞાન ઉપજાવે છે, માટે એ પ્રમાણે પણ
શ્રી અરિહંતાદિક વડે વીતરાગવિજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
આ બાબત શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્યને પર્યયપણે
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦