Atmadharma magazine - Ank 117
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૯૨ : આત્મધર્મ: ૧૧૭
• પ્રશ્ન: ૨ (બ) •
મંગળ કરનારને જિનશાસનના ભક્ત દેવાદિક સહાયમાં નિમિત્ત કેમ બનતા નથી તેનાં કારણો આપો.
• ઉત્તર: ૨ (બ) •
જીવોને સુખ–દુઃખ થવાનું કારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તેને અનુસાર બાહ્યનિમિત્ત બની આવે
છે; જેને પુણ્યનો ઉદય હોય તેને બહારમાં સહાયતાનાં નિમિત્તો બને છે, અને જેને તે જાતના પુણ્યનો ઉદય ન
હોય તેને તેવા સહાયનાં નિમિત્તો બનતા નથી.
વળી જે દેવાદિક છે તેઓ ક્ષાયોપશમિક જ્ઞાનવાળા છે તેથી એકસાથે બધું જાણી શકતા નથી એટલે મંગળ
કરનારને જાણવાનું પણ કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે; માટે જો મંગળ કરનાર તેના જાણવામાં જ ન આવે
તો તે દેવાદિક તેને સહાયમાં નિમિત્ત કઈ રીતે થાય?
તથા તે મંગળ કરનાર કોઈવખતે તે દેવાદિકના જાણવામાં આવે તો તે વખતે પણ જો તે દેવને અતિ
મંદકષાય હોય તો તેને સહાય કરવાના પરિણામ જ થતા નથી, અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો
નથી; વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે?
––આ કારણોથી મંગળ કરનારને પણ જિનશાસનના ભક્ત દેવાદિક સહાયમાં નિમિત્ત બનતા નથી.
કોઈવાર તે દેવાદિકની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદકષાયના તેવા જ પરિણામ થાય અને તે વખતે અન્ય
મંગળ કરનાર જીવના કર્તવ્યને તે જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે. આ પ્રમાણે મંગળ કરનારને
દેવાદિક સહાય કરે જ એવો કોઈ નિયમ નથી.
મંગળ કરવામાં જીવને પોતાને વિશુદ્ધ પરિણામ થાય છે તથા પોતાના વીતરાગી વિજ્ઞાનરૂપ પ્રયોજનનું
પોષણ થાય છે તેનો જ પોતાને લાભ છે, બહારનો યોગ બનવો તે તો પુણ્યના ઉદયઅનુસાર બને છે.
• પ્રશ્ન: ૩ •
સમર્થકારણની વ્યાખ્યા લખો અને તે વ્યાખ્યામાં આવેલા નિયમો નીચેના બે પ્રસંગમાં કઈ રીતે લાગુ પડે
છે તે સ્પષ્ટ સમજાવો––
(૧) એક જીવને વર્તમાનમાં ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટે છે.
(૨) મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન એક મુનિને અનંતચતુષ્ટય પ્રગટે છે.
• ઉત્તર: ૩ •
સમર્થકારણની વ્યાખ્યા:– –પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદ્ભાવને
સમર્થકારણ કહેવાય છે; સમર્થકારણ થતાં કાર્ય નિયમથી થાય છે. સહકારી સમસ્ત સામગ્રીઓમાં ઉપાદાનકારણ
પણ આવી જાય છે. જ્યાં ઉપાદાનનું કાર્ય થાય છે ત્યાં સહકારી કારણોને સમર્થકારણ કહેવાય છે અને જ્યાં
ઉપાદાનનું કાર્ય નથી થતું ત્યાં તે કારણોને અસમર્થકારણ કહેવાય છે એટલે કે કારણ થવા માટે તે અસમર્થ છે
કેમકે કાર્ય જ થયું નથી.
(૧) જે જીવ વર્તમાનમાં ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેને વર્તમાનમાં દર્શનમોહનીય કર્મનો
ઉપશમ છે એટલે તેના ઉદયનો અભાવ છે, તેમ જ અસંજ્ઞીપણાનો અભાવ, નિદ્રાનો અભાવ, કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
શ્રદ્ધાનો અભાવ, અપર્યાપ્તપણાનો અભાવ–ઈત્યાદિ પ્રતિબંધનો અભાવ છે. મિથ્યાત્વનો ઉદય, અસંજ્ઞીપણું વગેરે
સમ્યગ્દર્શનના પ્રતિબંધક છે, સમ્યગ્દર્શન પ્રગટ કરનારને તે પ્રતિબંધનો અભાવ છે. અને પોતાના શ્રદ્ધાગુણની તે
જાતની નિર્મળ પર્યાય થવાની પાત્રતા (ઉપાદાનકારણ), તથા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા, દેશનાલબ્ધિની પ્રાપ્તિ,
દર્શનમોહનો ઉપશમ, જાગૃત અવસ્થા, સંજ્ઞીપણું, પર્યાપ્તપણું વગેરે (નિમિત્તકારણો) નો સદ્ભાવ છે. આ રીતે તે
જીવને પ્રતિબંધનો અભાવ અને સહકારી સમસ્ત સામગ્રીના સદ્ભાવરૂપ સમર્થકારણ છે.
(૨) મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન મુનિને અનંતચતુષ્ટય પ્રગટે તેમાં તેમને સમર્થકારણ આ પ્રમાણે છે:
પ્રથમ તો જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિકર્મો, ગૃહસ્થદશા, વસ્ત્રસહિતપણું, આહાર–વગેરે અનંતચતુષ્ટયના
પ્રતિબંધક છે, તે પ્રતિબંધોનો તેમને અભાવ છે; અને સહકારી સામગ્રીરૂપે પોતાના જ્ઞાનાદિગુણોની તે વખતની
તેવી પર્યાય થવાની પાત્રતા (ઉપાદાનકારણ) તથા પુરુષદેહ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સાહિત દિગંબર
મુનિદશા, ઉત્તમ સંહનન, મહાવિદેહક્ષેત્ર ઈત્યાદિ (નિમિત્તકારણો) છે.