Atmadharma magazine - Ank 117
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૯૮ : આત્મધર્મ: ૧૧૭
• આત્માની.અદ્ભુત.શોભા •

અનાદિકાળથી પોતાના આત્માની ત્રિકાળી શોભાને ભૂલીને અને પરથી પોતાની શોભા માનીને જીવ
સંસારમાં રખડી રહ્યો છે. તેને આચાર્યદેવ આત્માની શોભા બતાવે છે: અરે જીવ! રૂપાળું શરીર વગેરે જડમાં તો
તારી શોભા નથી, અને જીવ સંસારમાં રખડ્યો–એવી બંધનની વાત કરવી તેમાં પણ તારી શોભા નથી, તારો
આત્મા સદાય પોતાના એકત્વ શુદ્ધસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તેમાં જ તારી ત્રિકાળી શોભા છે, અને તેની
ઓળખાણથી પર્યાયમાં શોભા પ્રગટે છે.
લોકો બહારની પ્રતિષ્ઠા અને શોભાથી પોતાની મોટાઈ માને છે, પણ તે તો મિથ્યા છે, પોતાના સ્વરૂપમાં
પ્રતિષ્ઠા વડે જ આત્માની શોભા અને મહિમા છે. ––આમ સમજતાં પર્યાય પણ અંતર્મુખ થઈને નિર્મળપણે શોભી
ઊઠે છે. આ સિવાય ક્યાંય બહારમાં––પૈસાથી, શરીરથી, વસ્ત્રથી કે દાગીનાથી, અરે! પુણ્યથી પણ આત્માની
શોભા માનવી તે ખરી શોભા નથી પણ કલંક છે. સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા પોતે સ્વયં શોભાયમાન છે,
કોઈ બીજા વડે તેની શોભા નથી. આત્મા પરમાત્મા થાય એના જેવી કઈ શોભા? અને જેમાંથી અનંતકાળ
પરમાત્મદશા પ્રગટ્યા કરે–એ દ્રવ્યસામર્થ્યની શોભાની તો શી વાત!!
મોટી શોભા ત્રિકાળી દ્રવ્યમાં છે તેના જ આધારે પર્યાયમાં શોભા પ્રગટી જાય છે. સિદ્ધદશા તે પર્યાયની
શોભા છે, તે એક સમયપૂરતી છે ને દ્રવ્યની શોભા ત્રિકાળ છે. પર્યાયની શોભા ક્યારે પ્રગટે? ––કે ત્રિકાળ
શોભતા દ્રવ્યની સામે દ્રષ્ટિ કરે ત્યારે! જે આમ સમજે તેનું વલણ અંતરમાં દ્રવ્યસ્વભાવ તરફ વળી જાય, તે
બહારમાં પરથી પોતાની શોભા માને નહિ એટલે તેની દ્રષ્ટિમાં પર પ્રત્યે વીતરાગભાવ થઈ જાય. ––આ રીતે ધર્મ
થાય છે.
ભગવાન આત્મા પોતાના એકરૂપ સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી ત્રિકાળ મહિમાવંતપણે શોભી રહ્યો છે; આવા
શોભતા દ્રવ્યનો આશરો લેતાં પર્યાયમાં વીતરાગી શોભા પ્રગટી જાય છે. પરંતુ તે પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કેમકે
તે પર્યાય પોતે અંતરમાં વળીને ત્રિકાળી દ્રવ્યની શોભામાં સમાઈ ગઈ છે.
ચૈતન્યદ્રવ્યની શોભાનો અપાર મહિમા છે... અહો આના મહિમાથી જેને સમ્યગ્દર્શન થયું–સમ્યગ્જ્ઞાન થયું
તે ધર્માત્મા એકલી પર્યાયની શોભામાં બધું અર્પી ન દ્યે, પણ દ્રવ્ય–ગુણની મહાન શોભાને સાથે ને સાથે રાખે છે.
અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન થયા, પણ તે ક્યાંથી થયા? ––ત્રિકાળી દ્રવ્યમાં સામર્થ્ય હતું તેમાંથી થયા છે; માટે તે
ત્રિકાળી સામર્થ્યનું અપાર માહાત્મ્ય છે. અજ્ઞાની જીવ એકલી પર્યાયના મહિમામાં જ અટકી જાય છે, દ્રવ્યના
ધ્રુવમહિમાની તેને ખબર નથી.
શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તારા ત્રિકાળી સ્વરૂપથી જ તારી શોભા છે–એમ અમે બતાવ્યું, તે
સમજીને તું એકલી પર્યાયના બહુમાનમાં ન અટકતાં ત્રિકાળી દ્રવ્યનું બહુમાન કર. એમ કરવાથી દ્રવ્યદ્રષ્ટિમાં
સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો સહેજે પ્રગટી જશે અને તારો આત્મા પર્યાયથી પણ શોભી ઊઠશે.
जय हो... चैतन्यनी अद्भुत शोभानो...!
[––પ્રવચનમાંથી]