કહે છે કે અરે ભાઈ! તારી વાત જૂઠી છે; યથાર્થ કારણ આપે અને કાર્ય ન આવે
એમ બને નહિ. જો કાર્ય નથી પ્રગટતું તો સમજ કે તારા પ્રયત્નમાં ભૂલ છે.
સમ્યગ્દર્શન થવાની જે રીતે છે તે રીતે અંતરમાં યથાર્થ પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન
ન થાય–એમ બને જ નહિ. ખરેખર અપૂર્વ સમ્યગ્દર્શનનો સાચો ઉપાય શું છે તે
જીવે જાણ્યું જ નથી, ને બીજા વિપરીત ઉપાયને સાચો ઉપાય માની લીધો છે. જ્યાં
ઉપાય જ ખોટો હોય ત્યાં સાચું કાર્ય ક્યાંથી પ્રગટે? માટે અહીં સમયસારની
અગિયારમી ગાથામાં આચાર્યદેવે સમ્યગ્દર્શનનો સાચો અને અફર ઉપાય બતાવ્યો
છે. જો આ ઉપાય સમજે અને આ રીતે શુદ્ધનયનું અવલંબન લઈને અંતરના
જ્ઞાનાનંદસ્વભાવને પકડે તો સમ્યગ્દર્શનનો અપૂર્વ અનુભવ અને ભેદજ્ઞાન જરૂર
થઈ જાય.
અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને જ
શુદ્ધનય હોય છે, અને આવી અભેદદ્રષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ
કહેવાય છે. એટલે ‘શુદ્ધનયનું અવલંબન’ એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય–પર્યાયની
અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ
થયો તેનું નામ શુદ્ધનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય–પર્યાયના ભેદનું અવલંબન
નથી. જો કે શુદ્ધનય તે જ્ઞાનનો અંશ છે–પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના
ભૂતાર્થ સ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન
રહ્યા. જ્યારે જ્ઞાનપર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ
શુદ્ધનય થયો. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે. આવો શુદ્ધનય કતકફળના સ્થાને છે; જેમ
મેલા પાણીમાં કતકફળ ઔષધિ નાખતાં પાણી નિર્મળ થઈ જાય છે તેમ કર્મથી
ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ શુદ્ધનયથી થાય છે; શુદ્ધનયથી ભૂતાર્થ સ્વભાવનો
અનુભવ કરતાં આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થઈ જાય છે જુઓ આ સાચી
ઔષધિ! અનાદિથી જીવને મિથ્યાત્વરૂપી રોગ લાગુ પડયો છે, તે આ શુદ્ધનયરૂપી
ઔષધિથી જ મટે છે. સ્વસન્મુખ પુરુષાર્થ વડે શુદ્ધનયનું અવલંબન લઈને શુદ્ધ
આત્માનો અનુભવ કરતાં જ તત્કાળ ભેદજ્ઞાન થઈ જાય છે અને અનાદિનો ભ્રમણા
રોગ મટી જાય છે.
બીજું તો બધું થોથાં છે, તેમાં ક્યાંય આત્માનું હિત નથી.