સંપત્તિ નથી. અનંતગુણનું નિધાન અંદર ત્રિકાળ ભર્યું છે તે શાશ્વત સંપદાને અજ્ઞાની ઓળખતો નથી. જો તે
નિધાનને ઓળખે તો પરનું અભિમાન છૂટી જાય ને અનાદિકાળની દીનતાનો અંત આવીને સિદ્ધપદનાં નિધાન
પ્રગટે. માટે ત્રિકાળી શક્તિની શોભાનો મહિમા કરવો તે જ સમ્યગ્દર્શનનો અને સિદ્ધપદનો ઉપાય છે.
અચિંત્ય સામર્થ્યવાળું ને વિકલ્પ વિનાનું એવું પૂર્ણ શુદ્ધસ્વભાવરૂપ જે કેવળજ્ઞાન તેનો મહિમા કેટલો? અને જે
દ્રવ્યના આશ્રયે તે કેવળજ્ઞાન પ્રગટયું તેના અપાર સામર્થ્યના મહિમાની તો શું વાત!! કેવળજ્ઞાન થયા પછી
એવી ને એવી પર્યાય સમયે સમયે નવી નવી થયા કરે છે. કેવળજ્ઞાનની એક પર્યાય કરતાં બીજી પર્યાયમાં
જાણવાનું સામર્થ્ય હીણું કે અધિક થતું નથી, સામર્થ્ય એટલું ને એટલું રહે છે, છતાં તેમાં પણ અગુરુલઘુગુણનું
સૂક્ષ્મ પરિણમન તો સમયે સમયે થયા જ કરે છે–એવો જ કોઈ અચિંત્યસ્વભાવ છે, તે કેવળીગમ્ય છે. જુઓ, આ
કેવળજ્ઞાનની ગંભીરતા! છદ્મસ્થના જ્ઞાનમાં જો બધું જ જણાઈ જાય તો પછી કેવળજ્ઞાનનું માહાત્મ્ય કયાં રહ્યું?
કેવળજ્ઞાનમાં જેટલું જણાય તે બધુંય છદ્મસ્થ ન જાણી શકે, પરંતુ પોતાના આત્મહિતને માટે પ્રયોજનભૂત જે હોય
તેને તો સમ્યગ્જ્ઞાની છદ્મસ્થ પણ બરાબર નિઃસંદેહપણે જાણી શકે છે. આત્માના અગુરુલઘુસ્વભાવનું કોઈ એવું
અચિંત્ય સૂક્ષ્મ પરિણમન છે તે કેવળીગમ્ય છે.
આત્માની સાચી સમજણ કદી કરી નથી. આત્માની સાચી સમજણ
અપૂર્વ છે, જો એક સમય પણ આત્માને ઓળખે તો મુક્તિનો રસ્તો
થયા વગર રહે નહીં. આજ સમજે,....કાલે સમજે કે બે–પાંચ ભવે
સમજે,–પણ આત્માને સમજ્યે જ ભવથી છૂટકો થાય તેમ છે, આત્માને
સમજ્યા વગર કદી ભવથી નિવેડા આવે તેમ નથી.
આ પણ ચૈતન્ય ભગવાન આત્માની વાર્તા જ છે; માટે આ સમજવામાં હોંશ
અને ઉત્સાહ આવવો જોઈએ; આત્માની સાચી સમજણ પૂર્વે અનંત કાળમાં
કરી નથી તેથી શરૂઆતમાં નવું લાગે પણ રુચિ અને ઉલ્લાસથી સમજવા
માંગે તો બધું સમજાય તેમ છે–મારે હવે તો મારા આત્માનું હિત કરવું છે.
એમ જેને અંતરમાં દરકાર જાગે તેની બુદ્ધિ આત્માની સમજણ તરફ વળ્યા
વિના રહે નહિ.