Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૨૨૮ઃ આત્મધર્મઃ ૧૧૯
ત્રિકાળી વસ્તુસ્વયંસિદ્ધ સત્ છે તેમ તે વસ્તુનું વર્તમાનપણું પણ સ્વયંસિદ્ધ સત છે. ત્રિકાળી વસ્તુ સ્વતંત્ર અને
તેનું વર્તમાનપણું પરને લીધે–એમ કદી ન બને. ત્રિકાળી સત્ની સ્વતંત્રતામાં તેના એકેક સમયના સત્ની
સ્વતંત્રતા પણ સમાઇ જાય છે, ત્રિકાળી સત્થી વર્તમાન સત્ કાંઈ જુદું નથી. જો વસ્તુના એક પણ સમયના
સત્ને પરાધીન–એટલે કે પરને લઈને–માનો તો ત્રિકાળી વસ્તુની સ્વતંત્રતા સાબિત નહિ થાય; કેમકે એક
સમયની પર્યાય પરાધીન, તેમ બીજા ત્રીજા સમયની પર્યાયો પણ પરાધીન,–એમ કરતાં કરતાં ત્રણેકાળ વર્તતું
દ્રવ્ય જ પરાધીન ઠરશે એટલે કે વસ્તુસ્વરૂપ જ સિદ્ધ નહિ થાય. જગતના અજ્ઞાની જીવો જેમ ઈશ્વરને જગત્કર્તા
માને છે તેમ જૈન સંપ્રદાયમાં રહીને પણ જો કોઈ એમ માને કે કર્મ જીવને રખડાવે–અથવા આત્મા પરનું કાંઈ
કરે,–તો તે પણ અન્યમતિની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે. એક સમયની અવસ્થામાં વિકાર પણ સ્વતંત્રપણે પોતે કરે
છે–એમ ન જાણે અને તે વિકાર કર્મે કરાવ્યો એમ માને, તો તેવી માન્યતાવાળો જીવ પણ ઈશ્વરને જગત્કર્તા
માનનારના જેવો જ છે, વસ્તુના સ્વતંત્ર સ્વભાવની તેને પ્રતીત નથી.
વળી ખરેખર પરમાર્થસ્વભાવથી એક સમયના વિકારનો હું કર્તા અને તે મારું કાર્ય–એમ નિશ્ચયથી
વિકાર સાથે કર્તાકર્મપણું જે માને તેને પણ ભગવાન મિથ્યાદ્રષ્ટિ કહે છે, કેમકે તે વિકારને જ આત્મા માને છે,
વિકારથી જુદા જ્ઞાયકસ્વભાવનું તેને ભાન નથી. ‘આત્મા પોતાના સ્વભાવથી વિકારનો કર્તા નથી’ એ ખરું,
પરંતુ એનો અર્થ એવો નથી કે તે વિકાર બીજો કરાવે છે. બીજો પદાર્થ મને વિકાર કરાવે એમ જે માને છે તે તો
બહુ સ્થૂળ ભૂલ કરે છે, તેને તો વ્યવહારની એટલે કે વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની પણ ખબર નથી. મારા દ્રવ્ય
ગુણ ને પર્યાય ત્રણેથી હું સ્વતંત્ર છું, પર્યાયમાં વિકાર થાય છે તે પણ મારી જ પર્યાયના અપરાધથી થાય છે;
પરંતુ મારા દ્રવ્ય–ગુણસ્વભાવમાં વિકાર નથી માટે સ્વભાવથી હું વિકારનો કર્તા નથી ને વિકાર મારું સ્વરૂપ
નથી–આમ સમજીને વિકારરહિત જ્ઞાન–સ્વભાવનો અનુભવ કરે તે જીવ ધર્મી છે. જે વિકારરૂપ અંશને પણ
સ્વતંત્ર ન કબૂલે તો ત્રિકાળી અંશીને સ્વતંત્ર કબૂલવાનું જોર તે કયાંથી લાવે? વિકાર પર કરાવે એમ માને
અથવા તો વિકારને જ પોતાનું કર્તવ્ય માનીને અટકે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વિકાર વખતે ય ધર્મીની દ્રષ્ટિમાં
જ્ઞાનસ્વભાવની જ અધિકતા રહે છે, ને અજ્ઞાની તો તે વિકાર વખતે એકલા વિકારને જ દેખે છે, વિકારથી ભિન્ન
જ્ઞાનને તે દેખતો નથી. જેણે પોતાનો પરમાર્થસ્વભાવ દ્રષ્ટિમાં લીધો છે એવો ધર્મી જીવ જાણે છે કે દયાદિ
શુભપરિણામ પણ વિકાર છે, હું તેનો જાણનાર છું પણ હું તેનો કરનાર કે ભોગવનાર નથી. ત્રિકાળી આત્માને
ક્ષણિક વિકારનો કર્તા માને તેને આત્માના સ્વભાવની ખબર નથી એટલે તે ધર્મી નથી. ત્રણકાળ ત્રણલોકમાં
એક તણખલાને પણ તોડવાનું સામર્થ્ય કોઈ આત્મામાં નથી; જડ પરમાણુની અવસ્થામાં ચૈતન્યનો અધિકાર
નથી. અજ્ઞાની જીવ પરનું ભલું–ભૂંડું કરી દેવાનું માને છે પરંતુ પોતાના અજ્ઞાનભાવ અને રાગ–દ્વેષ સિવાય
પરમાં તો તે કાંઈ કરી શકતો નથી. દરેક પદાર્થમાં પોત–પોતાની અનંતી શક્તિ હોવા છતાં, પરનું કાંઈ કરે એવી
તો શક્તિ કોઈ દ્રવ્યમાં જરાપણ નથી.
વસ્તુસ્થિતિ જ આવી છે કે –
सकल वस्तु जगमें असहाई वस्तु वस्तुसां मिलै न कोई।
जीव वस्तु जान जग जेती सोऊ भिन्न रहै सब सेती।।५१।।
–નાટક–સમયસારઃ સર્વવિશુદ્ધિ દ્વાર.
ખરેખર જગતમાં બધા પદાર્થો સ્વાધીન છે, કોઈ બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી, અને કોઈ
પદાર્થ કોઈ પદાર્થમાં મળતા નથી. જ્ઞાનસ્વભાવી જીવ જગતના પદાર્થોને જાણે છે પણ તે બધા પદાર્થોથી ભિન્ન
જ રહે છે. જ્ઞાતા બધાને જાણે પણ કોઈને ફેરવે નહીં. ત્રણકાળ ત્રણલોકમાં બધાંય દ્રવ્યો અસહાયી છે; કોઈ
કોઈને સહાય કરે એવી શક્તિ કોઈ દ્રવ્યમાં નથી તેમ જ કોઈ કોઈની સહાયતા માગે એવી પરાધીનતા પણ કોઈ
દ્રવ્યમાં નથી. જેનામાં જે તાકાત ન હોય તે કોઈ બીજો આપી શકે નહિ અને જેનામાં જે શક્તિ હોય તે બીજાનો
આશરો લ્યે નહિ–આ મહાન સિદ્ધાંત છે. વસ્તુસ્વભાવની આવી સ્વતંત્રતાના નિર્ણય વગર ધર્મ કે શાંતિ થાય
નહિ, માટે શાંતિનાથ ભગવાનનો દિવ્યધ્વનિ કહે છે કેઃ હે જીવો! સ્વાધીનતા વિના શાંતિ થાય નહિ; તમારે
શાંતિ જોઈતી હોય તો તમારા આત્મામાં જ તે શોધો. આત્માની શાંતિ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી બહાર ન
હોય. દુદુંભીના