Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
ઃ ૨૩૦ઃ આત્મધર્મઃ ૧૧૯
–એમ બને નહિ. જુઓ તો ખરા! આ અપૂર્વ સંધિ....!
* ધન્ય એ વક્તા.....અને ધન્ય એ શ્રોતા.... *
સમયસારના શ્રોતાને શ્રી આચાર્યપ્રભુ ભલામણ કરે છે કે જેવો અખંડ જ્ઞાનાનંદ આત્મા હું દર્શાવું છું
તેવા આત્માને તું તારા અનુભવથી પ્રમાણ કરજે....અંદરથી હોંશ લાવીને હા પાડજે, હા જ પાડજે....ના પાડીશ
નહિ. જુઓ! આ વક્તા અને આ શ્રોતા! ઉપદેશક વક્તા શુદ્ધાત્મા જ દેખાડવા માગે છે અને શ્રોતાને પણ
શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાનો જ ઉત્સાહ છે. અહીં આચાર્યદેવે કહ્યું કે ‘હું જે શુદ્ધાત્મા દેખાડું તેને તું પ્રમાણ
કરજે’–તેમાં આદેશથી હુકમ નથી કર્યો પણ યથાર્થ સ્થિતિ જણાવી છે કે જે જીવ શુદ્ધાત્માને સમજવાનો કામી છે
તે જ અમારો શ્રોતા છે. સત્નો આદર કરીને સમજનારા પાત્ર જીવો અમારા સંયોગમાં ન હોય એમ બને નહિ.
અમે અલ્પકાળે સિદ્ધ થનારા, તો અમારી વાતની ના પાડનારા અમારા સંયોગમાં હોય નહિ. તીર્થંકરભગવાનના
સમવસરણમાં જેમ અભવ્ય જીવ ન હોય તેમ, સાક્ષાત્ તીર્થંકરભગવાન પાસેથી સાંભળીને અમે જે શુદ્ધ આત્મ–
સ્વભાવની વાત કરીએ છીએ તેનો નકાર કરનારા અમારી સભામાં હોય નહિ.
ભગવાનને પૂર્વે સાધકદશામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી તીર્થંકરનામકર્મ બંધાયું, તે કર્મના નિમિત્તે જે વાણી
ખરી તે વાણી સાંભળીને ધર્મ સમજનારા જીવો ન હોય એમ બને નહિ. ભગવાનની વાણી ધર્મવૃદ્ધિનું નિમિત્ત
છે....પણ કોને?–કે સામે ધર્મ સમજનારા જીવો છે તેને. આ રીતે, સમજવાની યોગ્યતાવાળા પાત્ર જીવો છે તેને
માટે વાણી નિમિત્ત છે–આવો સહજ નિમિત્તનૈમિત્તિક મેળ છે.–આમ છતાં ‘મને ન સમજાય’ એમ કહીને ઊંધો
જીવ તે વાણી સાથેના નિમિત્તનૈમિત્તિકપણાની સંધિને તોડી નાંખે છે....પણ એવા ઊંધા જીવની અહીં ગણતરી
નથી; અહીં તો હા પાડીને સમજનારા પાત્ર જીવોની જ વાત છે. પાત્ર શ્રોતાજનોને તો વાણી કાને પડતાં જ એમ
થાય કે ‘અહો! મને આવી અપૂર્વ વાણી મળી છે તો હું નક્કી મારી પાત્રતાથી સમજીને અલ્પકાળે મુક્ત થઈશ.
ભગવાન શુદ્ધાત્મસ્વભાવની આવી અપૂર્વ વાત મારે કાને પડી અને મારા અંતરમાં તે બેઠી....તેથી હવે
અલ્પકાળમાં મારી મુક્તિ થયા વિના રહે નહિ.’
આચાર્યદેવે પાંચમી ગાથામાં શુદ્ધાત્માનો અનુભવ કરવાનું કહ્યું છે તો ત્યાં સામા સાંભળનાર જીવમાં
તેવી લાયકાત જોઈને તેમ કહ્યું છે.–‘કોની લાયકાત....? ’ કે જે સમજે તેની! અહીં તો બધા જીવોને સાગમટે
નોતરું છે....તેમાંથી કોઈ નીકળી જાય તો તે તેની નાલાયકી છે; પણ તેવા જીવોને અમે શ્રોતા તરીકે સ્વીકારતા જ
નથી. જે ઊંડેથી હા પાડીને યથાર્થ વાત સમજી જાય તેવા જ શ્રોતા અહીં લીધા છે.–એવા શ્રોતા ધન્ય છે, તેનું
જરૂર કલ્યાણ થઈ જાય છે. આ રીતે વક્તા અને શ્રોતાના ભાવની સંધિ છે.
* દિવ્યધ્વનિનો ઢંઢેરો *
દિવ્યધ્વનિમાં ચૌદ બ્રહ્માંડના જીવોને ભગવાનનું આમંત્રણ છે કે ‘અરે જીવો! તમારામાં પરમાત્મા
થવાનું સામર્થ્ય ભર્યું છે....તમે મુક્તિને લાયક છો....આ મોક્ષનાં માંડવા નંખાયા છે, તમે પણ તમારી
પરમાત્મદશાને પ્રાપ્ત કરવા માટે આ મોક્ષના માંડવે આવો! મોક્ષનાં મૂળ ઊંડા છે; સંસાર તો એક સમયનો
ઉપરનો વિકાર છે, તેનું મૂળ ઊંડું નથી. અંદર સ્વભાવના ઊંડાણમાં વિકાર નથી ભર્યો પણ મોક્ષનું સામર્થ્ય ભર્યું
છે. આવા તમારા સ્વભાવની શ્રદ્ધા કરો....એ જ ધર્મનું મૂળ છે. ધર્મનાં મૂળિયાં ઊંડા છે ને વિકાર તો ક્ષણિક છે;
સંસારના કાળ કરતાં મોક્ષ અવસ્થાઓનો કાળ અનંતગુણો છે, સંસારની જેટલી પર્યાયો વીતી તેના કરતાં
અનંતગુણી મોક્ષપર્યાયો પ્રગટવાનું સામર્થ્ય આત્મામાં ભર્યું છે.–આવા આત્મસ્વભાવનું ભાન કરીને તેના
મહિમામાં લીન થતાં સંસારભ્રમણ ટળીને મુક્તદશા થઈ જાય છે. માટે હે જીવો! અંતરઅવલોકન વડે આવા
આત્માને ઓળખો, તેનો મહિમા કરો....તો અલ્પકાળમાં સિદ્ધદશા પ્રગટે...”–આ પ્રમાણે આત્માને ઓળખીને
સિદ્ધ થવા માટે ભગવાનની વાણીનું આમંત્રણ છે.
(–ચાલુ)
તો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે
જગતના જીવો જેમ ઈશ્વરને જગત્કર્તા માને છે તેમ જૈનસંપ્રદાયમાં રહીને પણ જો કોઈ એમ માને કે
આત્મા પરનું કાંઈ કરે–અથવા કર્મ જીવને રખડાવે,–તો તે પણ અન્યમતિની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે, વસ્તુના
સ્વતંત્ર સ્વભાવની તેને પ્રતીત નથી.
–પ્રવચનમાંથી