Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
: ૨૪૯ : આત્મધર્મ: ૧૨૦
નિર્મળ પર્યાય થતી જાય છે તે ધર્મ છે.
જુઓ, આ આત્માના સ્વભાવની વાત! અરે ભાઈ, તું તારા સ્વભાવની વાત સાંભળ તો ખરો, અંદરથી
ઉત્સાહ લાવીને એકવાર સાંભળ તો ખરો કે અહો! આ તો મારા સ્વભાવની જ વાત છે, અત્યાર સુધી જેને
સમજ્યા વગર હું સંસારમાં રખડયો તે સ્વભાવની આ વાત છે. –આમ અંતરમાં અપૂર્વતા લાવીને, સ્વભાવના
ઉત્સાહપૂર્વક સાંભળ તો તારું કલ્યાણ થાય. હે જીવ! તારો તો જ્ઞાન–સ્વભાવ છે. જગતની પર ચીજો સૌ
પોતપોતાના સ્વભાવથી પરિણમે છે તેમાં તે શું કર્યું? તું તો જુદો રહીને જાણનાર રહ્યો. અજ્ઞાની જુદાપણાનું
ભાન ભૂલીને, જાણનાર ન રહેતાં મફતનો પરનું અભિમાન કરે છે. તું તારા જાણનાર સ્વભાવને પરથી ને
વિકારથી જુદો રાખ. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપે જડ–પુદ્ગલો પરિણમે છે તેઓ પોતાની શક્તિથી સ્વયં
પરિણમે છે, જીવના વિકારની પણ તેઓ અપેક્ષા રાખતા નથી, કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી
નથી. આ મહાન સિદ્ધાંત છે કે જેનામાં જે શક્તિ સ્વત: હોય તે પરની અપેક્ષા રાખે નહિ, અને જેનામાં જે શક્તિ
સ્વત: ન હોય તે કોઈ બીજાથી થઈ શકે નહિ. બસ! સ્વતંત્ર વસ્તુસ્વભાવ છે. જીવનો જ્ઞાનસ્વભાવ છે તેથી તે
પોતાના સ્વભાવથી જ જ્ઞાનરૂપે પરિણમીને જાણે છે, જાણવામાં તેને બીજા કોઈની અપેક્ષા નથી, તેમ જડ–
પુદ્ગલો પણ પોતાના પરિણમનસ્વભાવથી જ કર્મરૂપે પરિણમે છે તેમાં તેને બીજાની અપેક્ષા નથી.
જ્યારે કર્મ બંધાય ત્યારે તે જીવના વિકારના પ્રમાણમાં જ બંધાય–આવો મેળ હોવા છતાં ત્યાં પણ
જીવના વિકારને લીધે કર્મ બંધાયું–એમ નથી; તો પછી શરીર–મકાન–પુસ્તક વગેરેની પર્યાયને આત્મા પલટાવે–
એ વાત તો ક્યાં રહી? પુદ્ગલમાં જ્ઞાનાવરણનો ઉદય હોય, અહીં જીવની પર્યાયમાં જ્ઞાનની હીનતા હોય ને
સામે જ્ઞાનાવરણ બંધાતું હોય,–ત્યાં જ્ઞાનાવરણના ઉદયને લીધે અહીં જ્ઞાનની હીનતા થઈ–એમ નથી, તેમ જ
જીવની પર્યાયમાં જ્ઞાનની હીનતાને કારણે જ્ઞાનાવરણકર્મ બંધાયું–એમ નથી. દરેકનું પરિણમન સ્વતંત્ર
પોતપોતાના કારણે છે. જીવ જ્યારે જ્ઞાનીની આસાતના વગેરે વિકારભાવ કરે ત્યારે તે વિકારના પ્રમાણમાં જ
જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છતાં જીવે તે પુદ્ગલોને કર્મરૂપે પરિણમાવ્યા નથી; તો પછી બીજા પદાર્થો–કે જેઓ
ક્ષેત્રે પણ જીવથી જુદા છે તેમનું કાંઈ જીવ કરે એ વાત તો ક્યાં રહી? જગતની બધી ચીજો પોતપોતાના કારણે
પલટે છે તેમાં જીવનો અધિકાર નથી. અરે જીવ! તું તો જ્ઞાન છો, જ્ઞાન ને આનંદરૂપે પરિણમવાનો તારો
સ્વભાવ છે; વિકારપણે પરિણમવાનો કે પરનું કાંઈ કરવાનો તારો સ્વભાવ નથી. આ સમજીને તારા
જ્ઞાનસ્વભાવની પ્રતીત કર ને પરનો અહંકાર છોડ, તે સુખી થવાનો ઉપાય છે.
જગતના જડ–ચેતન બધા પદાર્થો સ્વયં પરિણમનારા છે, તેમાં આત્મા શું કરે? આત્મા તેને જાણે પણ
તેમાં બીજું કાંઈ કરી ન શકે. જેમ ઊના પાણીમાં ઘણા મગ બાફવા નાંખ્યા હોય ત્યાં જે મગમાં બફાવાની
તાકાત છે તે જ બફાય છે, કોરડું મગ બફાતા નથી; તો પાણીએ શું કર્યું? તેમ જગતમાં તો અનંત પરમાણુંઓ છે
તેમ જ ધર્માસ્તિકાય વગેરે પણ છે, તેમાંથી જે સમયે જે પરમાણુંઓમાં કર્મપણે પરિણમવાની તાકાત છે તેટલા
જ પરમાણુંઓ કર્મપણે પરિણમે છે, બીજા નથી પરિણમતા. જો જીવના વિકારને લીધે પુદ્ગલો કર્મરૂપે પરિણમતા
હોય તો જગતના બધા પુદ્ગલો કર્મરૂપે કેમ ન પરિણમી ગયા? ધર્માસ્તિકાય કર્મરૂપે કેમ ન પરિણમ્યું? માટે
કર્મરૂપે પરિણમનારા પુદ્ગલો સ્વતંત્રપણે જ કર્મરૂપે પરિણમે છે, જીવ તેનો કર્તા નથી. આવી સ્વતંત્રતાને
સ્વકાર્યા વિના જીવને પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીતિ થાય નહિ, જ્ઞાનસ્વભાવની પ્રતીતિ વગર પરનો અહંકાર
ટળે નહિ ને નિરાકુળ સુખ પ્રગટે નહિ. માટે આ સમજીને જ્ઞાનસ્વભવની પ્રતીત કરવી ને પરનો અહંકાર છોડવો
તે સુખનો રસ્તો છે.
હે વત્સ! તું વિચાર કર કે તારું સુખ ક્યાં છે? તારા જ્ઞાનતત્ત્વમાં જ તારું સુખ છે; વિભાવમાં કે પરના
કાર્યમાં તારું સુખ નથી; માટે પરથી ને વિકારથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપની પ્રતીત કર ને પરનો અહંકાર છોડ.
હું જ્ઞાનસ્વરૂપ છું, પરનાં કામ મારાં નથી ને રાગ મારું સ્વરૂપ નથી–આવું જેને અંતરમાં ભાન હોય તેને બધાય
પડખાનો વિવેક હોય છે, તેને અનંતો રાગ ટળી જાય છે અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેની ઓળખાણ
સહિત તેમના પ્રત્યે વિનય–બહુમાન–ભક્તિનો ભાવ આવે છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો પણ જેને નિર્ણય અને
બહુમાન નથી તેનામાં તો ખરેખર જૈનપણું નથી. અહો! હું