Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૨૫૦ : : આસો: ૨૪૭૯
સાચો શ્રોતા
–અને–
શ્રવણનું તાત્પર્ય

જ્ઞાન–આનંદસ્વભાવી આત્માની રુચિ અને સન્મુખતાપૂર્વક જેણે એકવાર પણ શુદ્ધ આત્મસ્વભાવની
વાત જ્ઞાની પાસેથી સાંભળી તે શ્રોતા અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે છે. શ્રી પદ્મનંદી મુનિરાજ કહે છે કે–
तत्प्रति प्रीतिचितेन येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाण भाजनम्।।
રાગની પ્રીતિ નહિ, વ્યવહારની પ્રીતિ નહિ પણ શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માની પ્રીતિ કરીને... તે પ્રત્યેના
ઉલ્લાસથી તેની વાર્તા જે જીવે સાંભળી છે તે જીવ જરૂર મુક્તિ પામે છે. ‘અહો! આ પરથી ભિન્ન મારા
જ્ઞાયકતત્ત્વની વાત છે, મારા જ્ઞાયક તત્ત્વની પ્રતીત કરવામાં કોઈ રાગનું અવલંબન છે જ નહિ’–આવા
લક્ષપૂર્વક, એટલે કે સ્વભાવ તરફના ઉત્સાહપૂર્વક એકવાર પણ જે જીવ આ વાત સાંભળે તે ભવ્યજીવ જરૂર
અલ્પકાળમાં મુક્તિ પામે છે. જુઓ, એમ ને એમ સાંભળી લેવાની આ વાત નથી પણ સાંભળનાર ઉપર
આત્માનો નિર્ણય કરવાની ભેગી જવાબદારી છે. અનાદિથી જે માન્યું હતું તેમાં અને આ વાતમાં મૂળભૂત ફેર
ક્યાં પડે છે તે બરાબર સમજીને નક્કી કરવું જોઈએ. અત્યાર સુધી પોતાની માન્યતામાં ભૂલ ક્યાં હતી અને હવે
આ વાત સાંભળ્‌યા પછી તેમાં ફેર ક્યાં પડ્યો–તેનો ભેદ પાડ્યા વગર એમ ને એમ સાંભળી જાય તો તેથી
આત્માને સત્યનો કાંઈ લાભ થાય નહિ. એકલા શબ્દો તો પૂર્વે અનંતવાર સાંભળ્‌યા, પણ તત્ત્વનિર્ણય વગર તેને
આચાર્યદેવ શ્રવણ તરીકે ગણાતા નથી, તેથી શ્રી સમયસારમાં કહ્યું કે જીવોએ શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી
સાંભળી જ નથી. શુદ્ધઆત્માના શબ્દો તો સાંભળ્‌યા પણ પોતે અંતર્મુખ થઈને શુદ્ધઆત્માનો નિર્ણય ન કર્યો માટે
તેણે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી. જુઓ, શ્રવણનું ખરું તાત્પર્ય શું તે વાત પણ આમાં આવી
ગઈ. શ્રવણમાં પર લક્ષે જે શુભરાગ થાય છે તે ખરેખર તાત્પર્ય નથી, પણ તત્ત્વનો નિર્ણય કરીને અંદર શુદ્ધ
આત્માનો અનુભવ કરવો તે જ ખરું તાત્પર્ય છે.
‘અહો! જ્યારે જુઓ ત્યારે એક સમયમાં પરિપૂર્ણ તત્ત્વ અંદર પડ્યું છે, ભગવાન આત્મા પોતાના
સ્વભાવની પરિપૂર્ણ શક્તિને સંઘરીને બેઠો છે, તેના સ્વભાવસામર્થ્યનો એક અંશ પણ ઓછો થયો નથી, અને
ત્રણકાળમાં એક સમય પણ તે સ્વભાવનો વિરહ નથી, પોતે જાગીને અંદરમાં દ્રષ્ટિ કરે એટલી જ વાર છે; જેમાં
દ્રષ્ટિ કરતાં જ ન્યાલ થઈ જવાય એવો એ સ્વભાવ છે. ‘હું પરિપૂર્ણ છું’ ઈત્યાદિ રાગરૂપ વિકલ્પ પણ તેનામાં
નથી, પરંતુ ઉપદેશમાં સમજાવવું કઈ રીતે? ઉપદેશમાં તેનું કથન કરવા જતાં સ્થૂળતા થઈ જાય છે તેથી ખરેખર તે
ઉપદેશનો વિષય નથી પણ અંતદ્રષ્ટિનો અને અંર્તઅનુભવનો વિષય છે. ઉપદેશ તો નિમિત્તમાત્ર છે, પોતે જાતે
અંતર્દ્રષ્ટિ કરીને સમજે તો જ સમજાય તેવો અચિંત્યસ્વભાવ છે. અંતરમાં હું એક જ્ઞાનસ્વભાવ જ છું, રાગ કે
નિમિત્ત હું નથી, જ્ઞાનસ્વભાવ જ મારું સર્વસ્વ છે’ –આવું લક્ષ થયા વિના નિશ્ચયવ્યવહારની કે ઉપાદાન–
નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ, અને તે ભૂલ ટળ્‌યા વિના બીજા ગમે તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય
નહિ. માટે જેને આત્માનું કલ્યાણ કરવું હોય–ધર્મી થવું હોય–તેણે આ વાત બરાબર સમજીને નક્કી કરવા જેવી છે.
–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–આવી આત્મસ્વભાવની દ્રષ્ટિ કરવી તે સાચું જૈનપણું છે. હું તો જ્ઞાન છું ને
પરનાં કામ પરથી થાય છે–આમ જો દરેક તત્ત્વની સ્વતંત્રતાની સત્યવાત ખ્યાલમાં આવે, તો પર ઉપરથી દ્રષ્ટિ
ઉઠાવીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપમાં દ્રષ્ટિ કરતાં અપૂર્વ ધર્મ થાય; આ સિવાય બીજી રીતે ધર્મ થાય નહીં.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्ताऽत्मा मोहोऽयं व्यवहारिणाम्।।
६२।।