Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
સિદ્ધ ભગવાનના આઠ ગુણો
******************************
૧. પરમ ક્ષાયિક સમ્યક્ત્વ
કેવળજ્ઞાનાદિ ગુણોના સ્થાનરૂપ જે નિજ શુદ્ધ આત્મા છે તે જ ઉપાદેય છે–આવા પ્રકારની રુચિરૂપ
નિશ્ચયસમ્યક્ત્વ પહેલાં તપશ્ચરણ કરવાની અવસ્થામાં * ઉત્પન્ન કર્યું હતું; તેના ફળભૂત, સમસ્ત જીવાદિ તત્ત્વોના
વિષયમાં વિપરીત અભિનિવેશરહિત પરિણામરૂપ પરમ ક્ષાયિક સમ્યક્ત્વ નામનો પ્રથમ ગુણ સિદ્ધ ભગવંતોમાં
કહેવામાં આવે છે. (* અહીં, તપશ્ચરણ કરવાની અવસ્થામાં નિશ્ચય–સમ્યક્ત્વ થવાનું કહ્યું છે તે નિશ્ચયરત્નત્રયની
એકતા અપેક્ષાએ સમજવું; એકલું નિશ્ચયસમ્યક્ત્વ ચોથા ગુણસ્થાને પણ હોય છે.)
૨. કેવળજ્ઞાન
પૂર્વ કાળે છદ્મસ્થ અવસ્થામાં ભાવેલા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનના ફળભૂત, એક જ સમયમાં લોક–
અલોકના સમસ્ત પદાર્થોના વિશેષોને જાણનાર કેવળજ્ઞાન નામનો બીજો ગુણ છે.
૩. કેવળદર્શન
સંપૂર્ણ વિકલ્પોથી શૂન્ય નિજ શુદ્ધાત્માની સત્તાના અવલોકનરૂપ જે દર્શન પહેલાં ભાવિત કર્યું હતું, તે દર્શનના
ફળભૂત. એક સાથે લોક–અલોકના સમસ્ત પદાર્થોના સામાન્યને ગ્રહણ કરનાર કેવળદર્શન નામનો ત્રીજો ગુણ છે.
૪. અનંતવીર્ય
ચૈતન્યસ્વરૂપથી ચલિત થવાના કારણરૂપ કોઈ ઘોર પરીષહ અને ઉપસર્ગ વગેરે થવાના કાળે પહેલાં પોતાના
નિરંજન પરમાત્માનું ધ્યાનમાં ધૈર્યપૂર્વક અવલંબન કર્યું હતું, તેના ફળભૂત, અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદના
અભાવરૂપ લક્ષણનો ધારક અનંતવીર્ય નામનો ચોથો ગુણ છે.
પ. સૂક્ષ્મત્વ
સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપનું સૂક્ષ્મત્વ કહેવામાં આવે છે; આ સૂક્ષ્મત્વ
પાંચમો ગુણ છે.
૬. અવગાહન
જેમ એક દીપકના પ્રકાશમાં અનેક દીપકોના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે તેમ એક સિદ્ધના ક્ષેત્રમાં
સંકરવ્યતિકર દોષના પરિહારપૂર્વક અનંત સિદ્ધોને અવકાશ દેવાનું જે સામર્થ્ય છે તે છઠ્ઠો અવગાહન ગુણ છે.
૭. અગુરુલઘુત્વ
જો સિદ્ધસ્વરૂપ સર્વથા ગુરુ (ભારે) હોય તો લોઢાના ગોળાની માફક તેનું અધઃપતન જ થયા કરે, અને જો
સર્વથા લઘુ (હળવું) હોય તો પવનથી ઊડતા આકોલિયાના રૂ ની માફક તેનું નિરંતર ભ્રમણ જ થયા કરે, –પરંતુ
સિદ્ધનું સ્વરૂપ એવું નથી તેથી અગુરુલઘુત્વ નામનો સાતમો ગુણ કહેવામાં આવે છે.
૮. અવ્યાબાધ અનંત સુખ
સહજ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ઉત્પન્ન તથા રાગાદિ વિભાવોથી રહિત એવા સુખરૂપી અમૃતનો જે એકદેશઅનુભવ
પૂર્વે કર્યો હતો, તેના ફળભૂત અવ્યાબાધ અનંત સુખ નામનો આઠમો ગુણ સિદ્ધોમાં કહેવામાં આવે છે.
–આવા અષ્ટ મહાગુણોના ધારક શ્રી સિદ્ધભગવંતોને નમસ્કાર હો!
(જુઓ, બૃહત્દ્રવ્યસંગ્રહ ગા. ૧૪ ટીકા)
*
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ