Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
શુદ્ધચૈતન્યમાં અંતર્મુખ થઈને તેનું એકનું જ ગ્રહણ કરવા જેવું છે. એ સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા જેવું નથી.
મુમુક્ષુને શુદ્ધચૈતન્યસ્વરૂપના જ ગ્રહણથી પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે તેથી શ્રી પ્રદ્મપ્રભમુનિરાજ કહે છે કે હે
મિત્ર! મારો આવો ઉપદેશ સાંભળીને તુરત જ ઉગ્ર પ્રયત્નપૂર્વક તું આ ચૈતન્યચમત્કાર સ્વભાવમાં તારું વલણ કર.
અહીં ટીકાકારે “હે સખા!” એવું પ્રેમાળ સંબોધન કર્યું છે, એટલે કે અમને તો અમારા ચૈતન્યના ઉગ્ર
અવલંબનથી પ્રત્યાખ્યાન વર્તે છે અને તું પણ અમારો ઉપદેશ સાંભળીને તારા ચૈતન્યનું ઉગ્ર અવલંબન કર,–જેથી
તને પણ મારા જેવું પ્રત્યાખ્યાન થશે અને આપણે બંને સરખા થઈશું. આ પ્રમાણે, ‘હે સખા! હે મિત્ર!’ –એમ
સંબોધન કરીને શ્રોતાને પણ પોતાના જેવો બનાવવા માંગે છે.
અમારો ઉપદેશ સાંભળીને શું કરવું?–કે તરત જ અને ઉગ્રપણે ચૈતન્યસ્વરૂપમાં વલણ કરવું. બહિર્મુખ
વલણનો અમારો ઉપદેશ છે જ નહિ. ચૈતન્યસ્વરૂપમાં વળીને તેમાં એકાગ્ર થવું તે જ અમારા સર્વ ઉપદેશનું રહસ્ય છે.
જેટલા જ્ઞાનીઓ છે તે બધાય જ્ઞાનીઓના ઉપદેશનો સાર એ છે કે પોતાના સહજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને
તેમાં જ વલણ કરવું. આ જ મોક્ષનું કારણ છે. હે ભવ્ય! જો તને આત્માનો રંગ લાગ્યો હોય તો હવે અમારો ઉપદેશ
સાંભળીને તારી બુદ્ધિને ચૈતન્યસ્વરૂપમાં વાળ, તારી બુદ્ધિને અંતરમાં વાળીને ચૈતન્યનું જ ગ્રહણ કર, અને એ
સિવાય પરભાવના ગ્રહણની બુદ્ધિ છોડ. ઉગ્રપણે એટલે કે અપ્રમાદભાવે ચૈતન્યસ્વરૂપમાં વલણ કરીને તેની શ્રદ્ધા,
તેનું જ્ઞાન અને તેમાં લીનતા કરવી તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.
આ નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમુનિરાજ મહાન સંત છે, આત્માના અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે,
ચૈતન્યસ્વરૂપનું ઘણું અવલંબન વર્તે છે;–આ રીતે પોતે તો અંર્તસ્વરૂપના અવલંબને મોક્ષને સાધી રહ્યા છે ને શ્રોતાને
પણ કહે છે કે હે સખા! તું પણ ચાલને મારી સાથે!! અમારો શ્રોતા અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર!
અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર
અવલંબન કરતાં તને પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
तस्मादुच्चैस्त्वमपि च सखे! मदुचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमत्रि।।
(–પ્રવચનમાંથી)
****************************************************
આત્માર્થીનો વિચાર અને ઉદ્યમ
આત્માર્થી જીવ અંતરમાં એમ વિચારે છે કે અરે! થોડા કાળનું જીવન, તેમાં
મારે મારા આત્માનું જ કરવા જેવું છે. સમ્યગ્દર્શન વિના જીવને કોઈ શરણ નથી,
માટે મારે તત્ત્વનિર્ણય કરીને મારું આત્મહિતનું પ્રયોજન સાધી લેવું–આમ વિચારી
સંસારના કામમાંથી રસ ઘટાડીને ચૈતન્યનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. તેમાં જ
પોતાનું હિત ભાસ્યું છે તેથી તે કાર્ય કરવામાં પ્રીતિ અને હર્ષપૂર્વક ઉદ્યમ કરે છે. આ
રીતે પોતાનું આત્મકાર્ય કરવાનો ઘણો ઉલ્લાસ હોવાથી નિરંતર તેનો ઉદ્યમ કર્યા જ
કરે છે. હું બીજાને સુધારી દઉં–એવા વિચારમાં રોકાતો નથી પણ હું તત્ત્વ સમજીને
મારા આત્માનો આ ભવભ્રમણમાંથી ઉદ્ધાર કરું–એમ વિચારી તેનો જ ઉદ્યમ કરે છે.
– ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’
******************************************************
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ