Atmadharma magazine - Ank 123
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ
અરે જીવ! અત્યાર સુધી તો તારો કાળ બંધમાર્ગમાં વીત્યો, પરંતુ
હવે તો તું મોક્ષમાર્ગમાં સ્થિત થા! “અરેરે! અત્યાર સુધી મિથ્યાભાવો
સેવ્યા તો હવે મોક્ષમાર્ગ કેમ થઈ શકશે?”–એમ તું મુંઝાઈશ નહીં; કેમ કે
અનાદિથી પોતાની ઊંધી બુદ્ધિને લીધે મિથ્યાભાવોનું સેવન કર્યુ હોવા
છતાં–પણ, પોતાની સવળી બુદ્ધિના પ્રયત્નથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
આરાધના કરીને આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપી શકાય છે. માટે હે ભવ્ય!
હવે તું તારા આત્માને નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં અતિ દ્રઢપણે
સ્થાપ.
*
આત્મસ્વભાવના સ્વાશ્રયે પ્રગટતા નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષના ઇચ્છક
પુરુષે આવા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ એક જ સદા સેવવા યોગ્ય છે. આવા મોક્ષમાર્ગનો ઉપદેશ કરતાં
આચાર્યદેવ કહે છે કે–હે ભવ્ય!
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત–અનુભવ અને તેમાં જ નિરંતર
વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
સામે શ્રોતા તરીકે મોક્ષાર્થી જીવ ઊભો છે તેને સંબોધીને કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં
સ્થાપ. અહીં આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપવાનું કહ્યું તેમાં એ વાત આવી ગઈ કે અત્યાર સુધી આત્મા મોક્ષમાર્ગમાં
સ્થિત થયો નથી પણ રાગાદિ બંધભાવોમાં જ સ્થિત થયો છે; અને હવે તે બંધભાવોથી છૂટીને મોક્ષમાર્ગમાં સ્થિત
થવું તે પોતાના સ્વાધીન પ્રયત્નથી થાય છે. હે ભવ્ય! તારો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના
દોષથી પર દ્રવ્યમાં–રાગ–દ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણવડે જ તેમાંથી પાછો
વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિરંતર સ્થાપ.
અનાદિકકાળથી પોતાની બુદ્ધિના અપરાધને લીધે જ જીવ મિથ્યાત્વાદિ બંધમાર્ગમાં રોકાઈ ગયો છે, કર્મોએ
જીવને સંસારમાં રખડાવ્યો એમ નથી. જો કર્મો જ જીવને સંસારમાં રખડાવતા હોય તો આત્માને મોક્ષમાર્ગમાં સ્થિત
થવાનો ઉપદેશ ન હોઈ શકે. જો કર્મ જીવને રખડાવતું હોય તો કર્મને સંબોધીને એમ કહેવું જોઈએ કે ‘અરે કર્મ! હવે
તું આત્માને છોડ!’ પણ અહીં તો જીવને સંબોધીને કહે છે કે હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષ–માર્ગમાં સ્થાપ,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિશ્ચલપણે સ્થાપ. અત્યારસુધી બંધમાર્ગમાં પણ તારી ઊંધી બુદ્ધિથી તેં જ તારા
આત્માને સ્થાપ્યો હતો અને હવે તું જ તારી બુદ્ધિને અંતરમાં વાળીને તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપ. તારો
મોક્ષમાર્ગ તારા જ હાથમાં છે. જો પોતાના મોક્ષનો પ્રયત્ન પોતાના હાથમાં જ ન હોય ને પરના હાથમાં હોય તો
જીવને મોક્ષમાર્ગમાં સ્થાપવાનો ઉપદેશ નકામો જાય. અનાદિ સંસારથી–નિત્ય નિગોદમાં હતો ત્યારે પણ જીવ
પોતાના ઊંધા ભાવને લીધે જ ત્યાં રહ્યો હતો. આ પ્રમાણે
પોષઃ ૨૪૮૦
ઃ ૪૯ઃ