જે જીવ વ્યવહારરત્નત્રયને જ મોક્ષનું કારણ માને છે તેણે શુદ્ધ આત્માને જાણ્યો જ નથી; તેથી શુદ્ધ આત્માનો આશ્રય
ન કરતાં રાગનો જ આશ્રય કરીને તે જીવ સંસારમાં રખડે છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે જીવ! નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ યથાર્થ મોક્ષમાર્ગને ઓળખીને તેમાં તું તારા આત્માને નિરંતર નિશ્ચલપણે સ્થાપ.
વળી મોક્ષમાર્ગની વિશેષ પ્રેરણા કરતાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે
અત્યંત એકાગ્ર થઈને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ ધ્યા. શુદ્ધાત્મદ્રવ્યમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
નિર્મળ પર્યાય પ્રગટી તે આત્મા સાથે જ અભેદ છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પર્યાય સાથે અભેદરૂપ એવા શુદ્ધ
આત્માને જ તું ધ્યાવ. તેનું ધ્યાન કરતાં અન્ય સમસ્ત ચિંતાઓ છૂટી જાય છે.–આ રીતે આચાર્યદેવે અસ્તિ–નાસ્તિથી
મોક્ષમાર્ગ સમજાવ્યો છે.
મોક્ષમાર્ગ શુદ્ધ જ્ઞાનચેતનામય છે. શુદ્ધ જ્ઞાનચેતનામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાઈ જાય છે. શુદ્ધ
જ્ઞાનચેતનામય થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના અનુભવમાં એકાગ્ર થયો ત્યાં પુણ્ય પાપ કે હર્ષ–શોકનો અનુભવ
રહેતો નથી. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાને છોડીને શુદ્ધ જ્ઞાનચેતનામય
થઈને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ તું ચેત, તેને જ અનુભવ.–તે મોક્ષમાર્ગ છે. શુદ્ધ દ્રવ્યસ્વભાવના અવલંબને ક્ષણેક્ષણે
રત્નત્રયના નિર્મળ પરિણામ ઊપજે છે, તે રત્નત્રયમાં તન્મય થઈને તું દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ વિહર, એ સિવાય
કોઈપણ પર દ્રવ્યમાં જરાપણ ન વિહર. પર દ્રવ્યો તારા જ્ઞાનના જ્ઞેયરૂપ છે પરંતુ તે જ્ઞેયોના અવલંબને તારો મોક્ષમાર્ગ
નથી, જ્ઞાનસ્વરૂપના એકના જ અવલંબને તારો મોક્ષમાર્ગ છે; માટે હે ભવ્ય! સમસ્ત પર દ્રવ્યોનું અવલંબન છોડીને,
એકલા જ્ઞાયકસ્વરૂપને જ અવલંબતો થકો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં તું વિહાર કર.
(–પ્રવચનમાંથી)
*********************************************************************
ધર્મનું નિમિત્ત
અજ્ઞાનીને તો પોતામાં ધર્મભાવ જ પ્રગટયો નથી, એટલે તેને માટે ધર્મનું નિમિત્ત જ કોઈ નથી;
કેમકે કાર્ય થયા વગર નિમિત્ત કોનું? અજ્ઞાનીને પોતામાં ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ધર્મના નિમિત્તોનો
પણ તેને નિષેધ વર્તે છે.
જ્ઞાનીને અંર્તસ્વભાવના ભાનવડે પોતાના ભાવમાં ધર્મ પ્રગટયો છે એટલે તેને જ ધર્મનાં
નિમિત્તો હોય છે; પણ તેની દ્રષ્ટિમાં નિમિત્તોનો નિષેધ વર્તે છે ને સ્વભાવનો આદર વર્તે છે.
આ રીતે, નિમિત્તને લીધે ધર્મ થાય એમ જે માને છે તેને તો ધર્મના નિમિત્ત જ હોતા નથી,
અને જેને ધર્મનાં નિમિત્ત હોય છે એવા જ્ઞાની નિમિત્તને લીધે ધર્મને માનતા નથી.
(–ચર્ચા ઉપરથી.)
*********************************************************************
પોષઃ ૨૪૮૦ ઃ પ૧ઃ