Atmadharma magazine - Ank 124
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: મહા : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૪ : ૭૭ :
(અનુસંધાન પાન ૭૩ થી ચાલુ)
નિર્ણય કરવા જાય તો તેમાં બધું આવી જાય છે; નિમિત્તને લીધે કાંઈ ફેરફાર કે વિલક્ષણતા થાય–એ વાત તો
ક્યાંય રહેતી નથી. ઉપદેશમાં તો અનેક પ્રકારે નિમિત્તથી કથન આવે, પરંતુ ત્યાં સર્વત્ર ઉપાદાનની સ્વતંત્રતાને
દ્રષ્ટિમાં રાખીને તે કથનનો આશય સમજવો જોઈએ. મૂળદ્રષ્ટિ જ જ્યાં ઊંધી હોય ત્યાં શાસ્ત્રના અર્થ પણ ઊંધા જ
ભાસે, કેટલાક લોકો મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય છતાં ઉપાદાન–નિમિત્ત સંબંધી તેમને પણ વિપરીત દ્રષ્ટિ
હોય છે, તેમની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. યથાર્થ તત્ત્વની દ્રષ્ટિ વિના લોકોએ એમ ને એમ ત્યાગના
ગાડાં હાંકી દીધા છે, અરે! તત્ત્વનિર્ણયની દરકાર પણ કરતા નથી. પરંતુ તત્ત્વના નિર્ણય વગર કોઈ રીતે જન્મ
મરણનો અંત આવે તેમ નથી. તત્ત્વના નિર્ણય વગર સાચો ત્યાગ તો હોય નહિ એટલે તે ત્યાગ પણ બોજારૂપ
લાગે.
ઉપાદાનની વિધિ નિરવચન કહી તેનો અર્થ એમ છે કે તેમાં એક જ પ્રકાર છે; જેટલા પ્રશ્ન પૂછો તે બધામાં
એક જ ઉત્તર છે કે જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં ત્યાં ઉપાદાનની લાયકાતથી જ થાય છે.
જ્ઞાનાવરણકર્મને લીધે જ્ઞાન અટક્યું? –કે ના; પોતાની લાયકાતને લીધે જ જ્ઞાન અટક્યું છે.
ગુરુને લીધે જ્ઞાન થયું? –કે ના; પોતાની લાયકાતથી જ જ્ઞાન થયું છે.
કુંભારે ઘડો કર્યો? –કે ના; માટીની લાયકાતથી જ ઘડો થયો છે.
અગ્નિથી પાણી ઊનું થયું? –કે ના; પાણી પોતાની લાયકાતથી જ ઊનું થયું છે.
લોટમાંથી રોટલી સ્ત્રીએ કરી? –કે ના; લોટની લાયકાતથી જ રોટલી થઈ છે.
કર્મના ઉદયને લીધે જીવને વિકાર થયો? –કે ના; જીવની પર્યાયમાં તેવી લાયકાતને લીધે જ વિકાર થયો
છે.
આ પ્રમાણે સર્વત્ર એક જ જવાબ છે કે ઉપાદાનની તેવી લાયકાતથી જ કાર્ય થાય છે. નિમિત્તો જુદા
જુદા અનેક પ્રકારના ભલે હો, પણ તે નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કર્યું નથી, તેમજ નિમિત્ત અને ઉપાદાન
ભેગાં થઈને કોઈ એક ત્રીજી અવસ્થા થાય છે એમ નથી. ઉપાદાનની અવસ્થા જુદી ને નિમિત્તની અવસ્થા
જુદી. નિમિત્તને કારણે ઉપાદાનમાં કાંઈ પ્રભાવ પડતો નથી; ઉપાદાનમાં તેનો અભાવ છે. સમય સમયનું
ઉપાદાન સ્વાધીન–સ્વયંસિદ્ધ છે. અહો! આવી સ્વતંત્રતાની વાત લોકોને અનંતકાળથી બેઠી નથી, ને
પરાધીનતા માનીને રખડી રહ્યા છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેને નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન પામવાની
યોગ્યતા નથી.
અહીં તો કહે છે કે જેમ ઉપાદાનમાં નિમિત્તનો અભાવ છે તેમ આત્માના જ્ઞાનાનંદસ્વભાવની
અભેદદ્રષ્ટિમાં સઘળોય વ્યવહાર અભૂતાર્થ છે, શુદ્ધદ્રષ્ટિનો વિષય એકાકાર શુદ્ધઆત્મા છે, તેમાં ભેદ કે રાગ નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્તના આશ્રયથી સમ્યગ્દર્શન થાય એ વાત તો દૂર રહી, પરંતુ પોતાના આત્મામાં
ગુણ–ગુણીના ભેદ પાડીને લક્ષમાં લેતાં પણ સમ્યગ્દર્શન થતું નથી, ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ
અનુભવ થતો નથી, જો ભેદના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ થાય છે. ‘હું જ્ઞાન છું, હું દર્શન છું, હું ચારિત્ર છું
અથવા હું અનંતગુણનો પિંડ અખંડઆત્મા છું’ –એ પ્રમાણે શુભવિકલ્પ કરીને તે વિકલ્પરૂપ વ્યવહારને જ જે
અનુભવે છે પણ વિકલ્પ તોડીને અભેદ આત્માને નથી અનુભવતો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. સમકિતિને તેવો
વિકલ્પ આવે, પણ તેની દ્રષ્ટિ પોતાના ભૂતાર્થસ્વભાવ ઉપર છે, વિકલ્પ અને સ્વભાવ વચ્ચે ભેદ પડી ગયો છે,
ભૂતાર્થ સ્વભાવની નિર્વિકલ્પદ્રષ્ટિ (–નિર્વિકલ્પ પ્રતીતિ) તેને સદાય વર્તે છે. જુઓ, આ ધર્માત્માની અંતરદ્રષ્ટિ!
આવી દ્રષ્ટિ પ્રગટ્યા વિના ધર્મની શરૂઆત થાય નહિ.
(–આવતા અંકે પૂરું)